SURAT

સુરત: ધો.10ની ઉત્તરવહી ચકાસવામાં છબરડા કરનારા 24 ઠોઠ શિક્ષકને દંડ

સુરત: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2022માં ધોરણ-10ની મુખ્ય જાહેર પરીક્ષા (Exam) લેવાય હતી. જેમાં 24 શિક્ષકે ઉત્તરવહી તપાસવામાં એકથી 10 માર્ક્સ (Marks) સુધીની ભૂલ કરી હતી. જેથી શિક્ષણ બોર્ડે 24 શિક્ષકને (Teacher) નોટિસ (Notice) આપવાની સાથે રૂ. 100થી 1,000 સુધીનો દંડ કર્યો છે.

  • કેટલાક શિક્ષકે તો 10 માર્ક્સ સુધીની ભૂલ કરી હતી
  • આવા શિક્ષકોને રૂપિયા 100થી 1,000 સુધીનો દંડ કરાયો
  • 10 કે તે કરતા વધારે માર્ક્સની ભૂલો કરતા શિક્ષકોને અગામી દિવસોમાં શિક્ષણ બોર્ડ બોલાવી શકે છે
  • કુલ 24 સ્કૂલના 24 શિક્ષકને રૂ. 6,350 દંડ કરવામાં આવ્યો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે દ્વારા લેવામાં આવતી ધોરણ-10ની પરીક્ષાની ઉત્તરવહીઓની ચકાસણી કરતા શિક્ષકોએ આન્સરશીટ એસેસમેન્ટમાં છબરડાં વાળ્યા હતા. આમ, વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરનારા શિક્ષકો સામે શિક્ષણ બોર્ડની કચેરી દ્વારા દંડનાત્મક કાર્યવાહી કરાઈ હતી. માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ-2022માં લેવાયેલી ધોરણ-10ની પરીક્ષાની ઉત્તરવહી ચકાસણીમાં સુરત જિલ્લાના 24 સ્કૂલના 24 શિક્ષકોએ 1થી 10 માર્ક્સ સુધીની ભૂલ કરી હતી. જે બાબતે શિક્ષણ બોર્ડને ધ્યાને આવતા જ તાકિદે સુધારી દેવાય હતી. ત્યાર બાદ શિક્ષણ બોર્ડે 24 શિક્ષકોને નોટીસ આપી હતી. એટલું જ નહીં, રૂ. 100થી લઇને રૂ. 1,000 સુધીનો દંડ કર્યો હતો. સૂત્રોએ એવું જણાવ્યું હતું કે કુલ 24 સ્કૂલના 24 શિક્ષકને રૂ. 6,350 દંડ કરવામાં આવ્યો છે.

10 કે તે કરતા વધારે માર્ક્સની ભૂલો કરતા શિક્ષકોને અગામી દિવસોમાં શિક્ષણ બોર્ડ બોલાવી શકે છે. શિક્ષણ બોર્ડ અને જિલ્લા શિક્ષણાધિકારીએ શિક્ષકોને એવું જણાવ્યું હતું કે શિક્ષકોએ પોતાના કામમાં ધ્યાન આપવા સાથે વિદ્યાર્થીઓની કારર્કિદી પ્રત્યે ચેડા ન થાય તે રીતે કામગીરી કરવા તાકીદ કરવામાં આવી હતી. શિક્ષકની નાની ભૂલના કારણે વિદ્યાર્થીઓને મળતાં ગુણમાં મોટા તફાવત આવી જતો હોય છે. કોઇ વિદ્યાર્થીઓને અન્યાય થાય તો ભવિષ્યમાં મોટી કિંમત ચુકવવી પડે છે. પેપર ચકાસણીના કાર્યમાં કોઇપણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહી તેવી તાકીદ પણ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં શિક્ષકોને આ પ્રકારની ભૂલો નહીં કરીને કામ પર ધ્યાન આપવા તાકીદ કરવામાં આવી હતી.

Most Popular

To Top