Sports

એજીએમ પહેલા આજે મુંબઈમાં બીસીસીઆઇની મહત્વની બેઠક થવાની સંભાવના

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)માં છેલ્લા કેટલાક દિવસોથી હલચલ મચી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી મીડિયા રિપોર્ટ્સમાં (Media reports) બીસીસીઆઈના (BCCI) નવા અધ્યક્ષ બનવાની ઘણી વાતો થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે વર્તમાન પ્રમુખ સૌરવ ગાંગુલી અધ્યક્ષ પદ માટે આગામી ચૂંટણી લડવાનો નથી. આ સાથે માજી દિગ્ગજ ક્રિકેટર રોજર બિન્ની નવો પ્રમુખ બને તેવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે.

આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને બીસીસીઆઇના કેટલાક મોટા અધિકારીઓ મંગળવારે મુંબઈમાં બેઠક યોજી શકે છે. આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બીસીસીઆઇના પાંચ પદ માટે 18 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે. એજીએમ એટલે કે વાર્ષિક સામાન્ય સભા પણ તે જ દિવસે યોજાવાની છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર બીસીસીઆઇના તમામ પદાધિકારીઓ સોમવારે રાત્રે મુંબઈ જવા રવાના થઈ રહ્યા છે. આ બેઠકમાં પદાધિકારીઓ અને હોદ્દા અંગેના તમામ મહત્વના નિર્ણયો લેવામાં આવશે. હજુ સુધી બોર્ડના પદાધિકારીઓ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. સૌરવ ગાંગુલી બીસીસીઆઈના વર્તમાન અધ્યક્ષ છે, પરંતુ તે ચૂંટણી લડશે કે નહીં તે અંગે કોઈ પુષ્ટિ થઈ નથી. આ તમામ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.

આજે દ. આફ્રિકા સામે અંતિમ વન ડે, ટીમ ઇન્ડિયાનો ઇરાદો સીરિઝ જીતવાનો
નવી દિલ્હી : રાંચમી રમાયેલી બીજી વન ડેમાં જોરદાર જીત મેળવીને સીરિઝમાં વાપસી કરનારી ભારતીય ટીમ આવતીકાલે મંગળવારે અહીં રમાનારી ત્રીજી અને અંતિમ નિર્ણાયક વન ડેમાં દક્ષિણ આફ્રિકા સામે જીત નોંધાવીને સીરિઝ કબજે કરવાનો પ્રયાસ કરશે આવતીકાલની આ મેચ દરમિયાન જો કે તમામની નજર ભારતીય ઓપનરોના પ્રદર્શન પર રહેશે.
પ્રથમ મેચમાં નજીવા માર્જીનથી હાર્યા પછી, ભારતની સેકન્ડ કેડર ટીમે બીજી વન ડેમાં સાત વિકેટથી વિજય મેળવીને ત્રણ મેચની સીરિઝ 1-1ની બરોબરી પર મૂકી હતી. જોકે ભારતીય ટીમ મેનેજમેન્ટ સુકાની શિખર ધવન અને યુવા બેટ્સમેન શુભમન ગિલની ઓપનિંગ જોડીના પ્રદર્શનને લઈને થોડી ચિંતિત હશે. આ બંને બેટ્સમેન અત્યાર સુધી સીરિઝમાં રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

વનડેમાં સૌથી વધુ સાતત્યપૂર્ણ ભારતીય બેટ્સમેનોમાંનો એક, ધવન અત્યાર સુધી શ્રેણીમાં માત્ર 17 રન જ બનાવી શક્યો છે. હવે જ્યારે નજર આવતા વર્ષે યોજાનાર વન ડે વર્લ્ડકપ પર ટકેલી છે, ત્યારે આ અનુભવી બેટ્સમેન નિર્ણાયક મેચમાં ટીમને સારી શરૂઆત આપવાનો પ્રયાસ કરશે. બીજી તરફ ગિલ ટોચના ક્રમમાં તેને મળેલી તકોનો પૂરો લાભ ઉઠાવી શક્યો નથી. પ્રથમ મેચમાં સસ્તામાં આઉટ થયા બાદ તે બીજી વનડેમાં સારી શરૂઆતને મોટા સ્કોરમાં બદલી શક્યો ન હતો. ભારતીય મિડલ ઓર્ડર જોકે, શ્રેયસ અય્યર, ઈશાન કિશન અને વાઇસ-કેપ્ટન સંજુ સેમસનના સમાવેશથી મજબૂત દેખાય છે.

Most Popular

To Top