SOGની દરોડા કાર્યવાહી દરમિયાન પશ્ચિમ બંગાળનો શખ્સ ઝડપાયો
દવાઓ, ઈન્જેક્શન્સ અને મેડિકલ સાધનો સહિત રૂ. 9,665નો મુદ્દામાલ જપ્ત
હાલોલ:પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના વાંકડિયા ગામે કોઈપણ પ્રકારની માન્યતા પ્રાપ્ત મેડિકલ ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે એલોપેથીક સારવાર આપતા એક બોગસ ડોક્ટરને જિલ્લા SOG પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે કથોલા PHC સેન્ટરના મેડિકલ ઓફિસર ડૉ. જીજ્ઞેશ રામજીભાઈ પારગી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જિલ્લા SOG ગોધરાની ટીમને મળેલી બાતમીના આધારે મેડિકલ ઓફિસર તથા ફાર્માસિસ્ટ દ્રષ્ટીબેન રાઠવાએ વાંકડિયા ગામે રોડ ઉપર આવેલા મકાનમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પ્રદિપ સશધર માંડલ (રહે. રામનગર બગદાહ, જી. નોર્થ 24 પરગાનસ, પશ્ચિમ બંગાળ) નામનો શખ્સ દવાખાનું ચલાવતા ઝડપાયો હતો.
તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી પાસે એલોપેથીક સારવાર માટેની કોઈ મેડિકલ ડિગ્રી કે દવાઓ રાખવા માટેનું લાયસન્સ નહોતું. પંચોની હાજરીમાં કરાયેલ તપાસમાં વિવિધ કંપનીની એલોપેથીક દવાઓ, ઈન્જેક્શન્સ તેમજ બીપી ઇન્સ્ટ્રુમેન્ટ, ગ્લુકોમીટર અને સિરીંજ જેવા મેડિકલ સાધનો મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. 9,665ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર: યોગેશ ચૌહાણ