IPL 2026ની 51મી મેચ આજે દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો માટે આ મેચ અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે, કારણ કે પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે જીત અનિવાર્ય છે. દિલ્હી ઘરઆંગણે જીત મેળવી કમબેક કરવા માંગે છે, જ્યારે KKR પોતાની જીતની લય જાળવી રાખવા મેદાનમાં ઉતરશે. દિલ્હી કેપિટલ્સ માટે આ સિઝન અત્યાર સુધી ઉતાર-ચઢાવભરી રહી છે. ટીમે 10માંથી માત્ર 4 મેચ જીતી છે અને પોઇન્ટ ટેબલમાં 7માં સ્થાને છે. ટીમની સૌથી મોટી મુશ્કેલી સતત બદલાતું કોમ્બિનેશન રહ્યું છે. અલગ-અલગ મેચોમાં નવા ખેલાડીઓને તક આપવાના કારણે ટીમને સ્થિરતા મળી નથી. ખાસ કરીને બેટિંગ અને બોલિંગ વિભાગ વચ્ચે સંતુલનનો અભાવ સ્પષ્ટ દેખાયો છે.
દિલ્હી માટે સૌથી સકારાત્મક બાબત KL રાહુલનું ફોર્મ રહ્યું છે. રાહુલે આ સિઝનમાં શાનદાર બેટિંગ કરતાં 445 રન બનાવ્યા છે અને ટીમના મુખ્ય રન મશીન તરીકે ઉભર્યા છે. 181ના સ્ટ્રાઈક રેટ સાથે તે વિરોધી બોલરો માટે સતત ખતરો બન્યો છે. જોકે, અન્ય બેટ્સમેન તરફથી સતત સપોર્ટ ન મળતા દિલ્હી દબાણમાં આવી જાય છે. કરુણ નાયર, ડેવિડ મિલર અને ટ્રિસ્ટન સ્ટબ્સ જેવા ખેલાડીઓ પાસેથી ટીમને મોટી ઇનિંગ્સની અપેક્ષા રહેશે. બોલિંગ વિભાગમાં પણ દિલ્હી માટે ચિંતા વધી છે. ટી નટરાજન છેલ્લી કેટલીક મેચોમાં અસરકારક સાબિત થયા નથી, જ્યારે કુલદીપ યાદવ પણ આ સિઝનમાં મોંઘા સાબિત થઈ રહ્યા છે. ઘરઆંગણેની પિચનો બદલાતો સ્વભાવ પણ દિલ્હીની મુશ્કેલી વધારી રહ્યો છે. રસપ્રદ બાબત એ છે કે દિલ્હી જ્યારે પ્રથમ બેટિંગ કરે છે ત્યારે મુશ્કેલીમાં ફસાય છે, પરંતુ ટાર્ગેટ ચેઝ કરતી વખતે વધુ સફળ રહી છે. બીજી તરફ કોલકાતા નાઇટ રાઇડર્સ ધીમે ધીમે લયમાં પાછી ફરી રહી છે. શરૂઆતમાં સતત હાર બાદ KKRએ હવે સતત ત્રણ જીત મેળવી છે અને ટીમનો આત્મવિશ્વાસ ઊંચો છે. અજિંક્ય રહાણેની કેપ્ટન્સીમાં ટીમ વધુ સંતુલિત દેખાઈ રહી છે.
KKR માટે સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તીની સ્પિન જોડી સૌથી મોટું હથિયાર બની શકે છે. મધ્ય ઓવરમાં બંને બોલરો મેચનો રુખ ફેરવવાની ક્ષમતા ધરાવે છે. બેટિંગમાં રિંકુ સિંહ, અંગક્રિશ રઘુવંશી અને કેમેરોન ગ્રીન સારા ફોર્મમાં છે, જેના કારણે ટીમની બેટિંગ વધુ મજબૂત લાગી રહી છે. અરુણ જેટલી સ્ટેડિયમની પિચ સામાન્ય રીતે બેટ્સમેનને મદદરૂપ રહે છે. નાના બાઉન્ડરી અને ઝડપી આઉટફિલ્ડને કારણે અહીં હાઈ સ્કોરિંગ મેચ જોવા મળે છે. આવી સ્થિતિમાં ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ પસંદ કરી શકે છે, કારણ કે ડ્યૂનો ફેક્ટર પણ મહત્વપૂર્ણ બની શકે છે. આજની મેચમાં બંને ટીમો માટે દબાણ સમાન રહેશે. દિલ્હી માટે ઘરઆંગણે જીત જરૂરી છે, જ્યારે KKR સતત ચોથી જીત સાથે પ્લેઓફ તરફ મજબૂત પગલું ભરવા માંગશે. ક્રિકેટ ચાહકોને આજે રોમાંચક અને જબરદસ્ત ટક્કર જોવા મળી શકે છે.