Vadodara

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાના ૩૫૦ કરોડના આરોગ્ય પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત કરશે

લેપ્રસી ગ્રાઉન્ડ પર કાર્ડિયાક અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ SSG હોસ્પિટલમાં સ્પાઈન, કિડની અને આંખની હોસ્પિટલ બનશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાજકોટથી વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ પર બનનારી કાર્ડિયાક અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ SSG હોસ્પિટલમાં સ્પાઈન, કિડની અને આંખની હોસ્પિટલનું ઈ-ખાતમુહૂર્ત કરશે,
વડોદરા ઉપરાંત મધ્ય ગુજરાત અને આસપાસના રાજ્યમાંથી SSG હોસ્પિટલમાં સારવાર માટે આવતા હોય છે ત્યારે દર્દીઓની સુવિધામાં વધારો કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટથી આરોગ્યલક્ષી માળખાકીય સુવિધાઓમાં વધારો થાય તે માટે રૂ. ૩૫૦ કરોડના આરોગ્ય પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત કરશે. વડોદરાને ભેટ મળનારા રૂ. ૩૫૦ કરોડના વિવિધ આરોગ્ય પ્રકલ્પોમાં રૂ. ૧૨૧.૭૬ કરોડના ખર્ચે અનસુયા લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે તૈયાર થનાર અતિ આધુનિક કાર્ડિયાક હોસ્પિટલ અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ SSG હોસ્પિટલના પરિસરમાં રૂ. ૨૧૮.૫૯ કરોડના ખર્ચે તૈયાર થનાર સ્પાઈન, કિડની અને આંખની હોસ્પિટલ સાથે સેન્ટ્રલ ઓ.પી.ડી. બિલ્ડીંગની સુવિધાનો સમાવેશ થાય છે. આ જાહેરાત બાબતે ધારાસભ્ય મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે, એસ. એસ. જી. હોસ્પિટલનો વ્યાપ સતત વધારવામાં આવી રહ્યો છે. વડોદરા ઉપરાંત મધ્ય ગુજરાત અને પાડોશી રાજ્યના નાગરિકો માટે આગામી દિવસોમાં આરોગ્યલક્ષી માળખાકીય સુવિધાયુક્ત શહેર બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરના ધારાસભ્ય મનીષાબેન વકીલ જ્યારે ગુજરાત સરકારમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી હતા ત્યારે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કાર્ડિયાક અને કિડની હોસ્પિટલ તેમજ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની માંગણી કરી હતી.

Most Popular

To Top