સુરતીઓને સુરતમાં જ કશે ફરવું હોય તો ડુમસ દરિયા કિનારો, અહીંના કાફે, આજુબાજુના રિસોર્ટ કે પછી ઉભરાટ કે સુવાલી બીચ જતાં હોય છે. આ જગ્યાઓ ભીડભાડવાળી હોવાને કારણે અહીં શાંતિનો અહેસાસ તોથતો. પણ શું તમને ખબર છે કે કોઈને એકાંતમાં ફરવું હોય કે પછી પોતાની મનગમતી વ્યક્તિ સાથે શાંત વાતાવરણમાં રહેવું હોય તો એવા હિડન પ્લેસીસ પણ સુરતમાં છે જે હવે સોશ્યલ મીડિયાના જમાનામાં લોકોની નજરમાં આવવા લાગ્યાં છે. આ એવી જગ્યાઓ છે જે કુદરતની ઘણી નજીક, ભીડભાડથી દુર , કુદરતી સૌન્દર્યથી ભરપૂર અને જ્યાં બોટની આવનજાવન જોવાની મજા આવી જાય છે. એક સ્થળ તો એવું પણ છે જ્યાં તળાવ પણ છે અને ઘનિષ્ઠ જંગલ પણ છે ત્યાં મોર અને બીજા પક્ષી પણ જોવા મળે છે. સુરતના આ હિડન પ્લેસીસ પર આ લેખના માધ્યમથી એક લટાર મારીએ…
જિંજર અથવા ટંકી ઓવારો સૂર્યાસ્ત માટે ફેમસ
પીપલોદમાં જિંજર ઓવારો જેને ટંકી પણ કહેવાય છે ત્યાં રવિવારની બપોરે Gen-Zને શાંતિનીનો અહેસાસ થાય છે. આ જગ્યા પણ હજી બહુ બધા લોકોની નજરમાં નથી આવી. અહીં યંગસ્ટર્સ સનસેટ પોઈન્ટની ફોટોગ્રાફી, રીલ્સ બનાવે અને અમુક ગેમ્સ રમતા હોય છે. અહીં તો રેડિયો લઈને ગીતો સાંભળતા એકલ દોકલ વ્યક્તિઓ જોવા મળી જાય. અત્યારે વરસાદમાં નદીનો નજારો રમ્ય લાગે છે. મિત્રો સાથે થોડો શાંત સમય વિતાવવા આ જગ્યા ધીરે ધીરે લોકોના નજરમાં વસવા લાગી છે. આ ઓવરો પહેલા નદી કાંઠાના ઉપયોગ માટે બનાવવામાં આવ્યો હતો. આજે અહીં કેટલાંક લોકો ફરવા આવતા હોય છે. સુરતની નવી ઓળખ તરીકે આ ઓવારો ઉભરી આવી રહ્યો છે.
યુનિવર્સીટીના કેમ્પસમાં સ્થિત તળાવની આસપાસ મોર નૃત્ય કરતા હોય
VNSGUના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે અહીં બે તળાવ છે. ઈંગ્લીશ ડિપાર્ટમેન્ટ પાસે મોટું અને અન્ય એક તળાવ નાનું છે. અહીં તળાવની આસપાસ 6 એકર જગ્યામાં ઘનિષ્ઠ જંગલ બનાવાયું છે. 2004-05 માં નક્ષત્ર વન અને ત્યારબાદ તળાવ બનાવાયું હતું. તળાવનું સૌંદર્ય અને નીરવ શાંતિ સુકુન આપનારા છે. Gen-Zનું આ ધીરે ધીરે ફેવરિટ સ્થળ બની રહ્યું છે. અહીં તેઓ મિત્રો સાથે બેઠા હોય છે. જોકે, ઘણા સુરતીઓને આ તળાવ વિશે ઓછી માહિતી છે. તળાવ પાસેનું ફોરેસ્ટ બોટની વિષયના વિધાર્થીઓ માટે વિવિધ વનસ્પતિઓના અભ્યાસ અને પ્રાણીશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે ખિસકોલી, પતંગિયા, ઉંદરનો અભ્યાસ કરવા માટેની નેચરલ લેબ છે. આ તળાવ પાસે 14થી 15 મોર દેખાતા હોય છે. કોઈ મોર નૃત્ય કરતા પણ દેખાઈ જાય છે. વરસાદમાં આ તળાવનું સૌંદર્ય સોળે કળા ખીલી ઉઠે છે.
બોટ ડોક બીચ શાંત, સુંદર અને અજાણ્યો દરિયાકિનારો
આ શાંત અને સુંદર સ્થળ એરપોર્ટથી માત્ર 5-6 મિનિટના અંતરે આવેલું છે. અહીં બોટ અને જહાજોનો નજારો જોવા મળે છે. સુરતના હિડન પ્લેસીસમાં આ બીચનો પણ સમાવેશ થાય છે. સામાન્ય કહી શકાય એવા ડુમસ બીચની સરખામણીમાં આ જગ્યા શાંત અને ઓછી ભીડભાડ વાળી જગ્યા છે. અહીં યંગસ્ટર્સ સાંજના સમયે સૂર્યાસ્તનો નજારો જોવા અને ફોટોગ્રાફી અને રિલ્સ બનાવવાની મજા લેતા હોય છે. ઘણા યંગ કપલ્સ અહીં થોડો સમય શાંતિપૂર્ણ માહોલમાં વિતાવવાનું પસંદ કરે છે. અહીં લાંગરવામાં આવતી બોટમાં બેસીને ફોટો પડાવવાની અલગ મજા છે. અહીં બાઇક કે કાર દ્વારા પહોંચી શકાય પણ તમારે ત્યાં કલાકો ગાળવા હોય તો સાથે પાણી અને નાસ્તો લઈને જવું પડે કેમકે આ સુવિધાઓ હજી અહીં નથી ઉભી થઇ.
ઐતિહાસિક મહત્ત્વ ધરાવતો ડંકા ઓવારો
ડંકા ઓવારાનો એક સમૃદ્ધ ઇતિહાસ રહ્યો છે. તાપી નદી અને અરબી સમુદ્રના સંગમ સ્થાને આવેલા આ કાંઠેથી દેશ-વિદેશનો વેપાર વહાણોમાં થતો, ત્યારે અહીં વહાણોના આવાગમન અને સુરક્ષા માટે ચોક્કસ ડંકા વગાડીને સંકેત આપવામાં આવતો એટલે તે ડંકા ઓવારા તરીકે ઓળખાયો. જ્યાં તાપી નદી અરબી સમુદ્રને મળે છે તેવા ડુમસ દરિયા કિનારાથી થોડે દૂર આવેલા લોકોની ઓછી આવનજાવનવાળા આ શાંત સ્થળ પર સાંજે સૂર્યાસ્તનો તથા એકાંતમાં બેસીને બોટની આવનજાવનનો નજારો ખૂબ નયનરમ્ય લાગે છે. શાંતિની ક્ષણો વિતાવવા માંગતા સુરતીઓ અહીં આવતા હોય છે. અહીં બોટિંગ પણ થઈ શકે છે. આ જગ્યાનું ઐતિહાસિક મહત્ત્વ રહ્યું હોવા છતાં આજના સુરતીઓની આ સ્થળ પર ઓછી નજર પડી છે એટલે જ કદાચ તેનું કુદરતી સૌંદર્ય હજી પણ જળવાયેલું છે.