Vadodara

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 14 મુખ્ય સ્થાનો ઉપર એનિમોમીટર લગાવશે

  • પવનની ગતિના નીરીક્ષણ માટે ગુજરાતમાં 9 અને મહારાષ્ટ્રમાં 5 સ્થળોએ આ ઉપકરણ મુકાશે
  • વડોદરા ભરૂચની મધ્યમાં તેમજ નર્મદા નદી ઉપર અને વડોદરા – આણંદ વચ્ચે મહી નદી ઉપર મુકવામાં આવશે.

દેશનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે ત્યારે આ પ્રોજેક્ટ માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં કુલ 14 સ્થાનોએ પવનની ગતિનું નિરીક્ષણ કરવા માટે એનિમોમીટર લગાવવામાં આવશે. વડોદરા અને ભરૂચ વચ્ચે બે સ્થળોએ જેમાં એક નર્મદા નદી ઉપર આ ઉપકરણ લાગશે તો વડોદરા આણંદ વચ્ચે મહી નદી ઉપર આ ઉપકરણ લગાવવામાં આવશે.

મહત્વાકાંક્ષી એવો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હાલ આકાર પામી રહ્યો છે. ભારત સરકારનું રેલવે મંત્રાલય આ અંગે સતત કાર્યરત છે અને આ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં કામ કરી રહ્યું છે. તાજેતરમાં જ રેલવે મંત્રી અશ્વિની કુમારે જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને અર્થતંત્રોને એકીકૃત કરવાના પરિપ્રેક્ષ્યથી જોવું પડશે. ભારતીય રેલવે જે પ્રથમ કોરિડોર કરી રહી છે તેમાં મુંબઈ, થાણે, વાપી, બરોડા, સુરત, આણંદ અને અમદાવાદ – આ તમામ અર્થવ્યવસ્થાઓ એક જ અર્થતંત્ર બની જશે. સવારે  સુરતમાં નાસ્તો કરો, મુંબઈમાં જઈને તમારું કામ પૂરું કરો  અને રાત્રે તમારા પરિવાર સાથે પાછા આવી શકો છો. આ પ્રોજેક્ટની આતુરતાથી રાહ જોવાઈ રહી છે ત્યારે બુલેટ ટ્રેનના રૂટ ઉપર ગુજરાત અને મહારાષ્ટ્રમાં 14 સ્થળોએ પવનની દિશા માપવા માટે એનિમો મીટર લગાવવામાં આવશે. પવનની ગતિ અને દબાણને માપવા માટે રચાયેલ આ એનિમોમીટર સૂચિત માર્ગ પર પર્યાવરણીય પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. પવનની ગતિશીલતા પર નજીકથી દેખરેખ રાખીને, પ્રોજેક્ટના હિસ્સેદારો સંભવિત જોખમોને ઘટાડવા અને હાઇ-સ્પીડ રેલ નેટવર્કના સરળ સંચાલનને સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય રાખે છે. ત્યારે વડોદરા – ભરૂચ વચ્ચે બે સ્થળોએ જેમાં એક નર્મદા નદી ઉપર અને બંને સ્ટેશનોની વચ્ચે એક ઉપરાંત વડોદરા અને આણંદ વચ્ચે મહી નદી ઉપર આ ઉપકરણ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે

કેવી રીતે કામ કરશે આ ઉપકરણ?

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર દેશના પશ્ચિમ ભાગમાં આવેલા દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પસાર થશે, જ્યાં પવનની ગતિ ખાસ કરીને અમુક વિસ્તારોમાં કેન્દ્રિત છે. આ મજબૂત પવનો વાયડક્ટ પર ટ્રેનની કામગીરીને અસર કરવાની ક્ષમતા ધરાવે છે.  આ ચિંતાને દૂર કરવા માટે, વાયડક્ટ પર એનિમોમીટરની સ્થાપના માટે 14 સ્થાનો જેમાં ગુજરાતમાં 9 અને મહારાષ્ટ્રમાં 5 સ્થપાશે.  આ ઉપકરણો ખાસ કરીને પવનની ગતિને મોનિટર કરશે, નદીના પુલ અને ગસ્ટ્સ (અચાનક અને તીવ્ર પવન) ની સંભાવના ધરાવતા વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરશે. એનિમોમીટર એ એક પ્રકારની આપત્તિ નિવારણ પ્રણાલી છે જે 0 થી 360 ડિગ્રીની રેન્જમાં 0-252 Kmph ની રેન્જમાં રીઅલ-ટાઇમ પવનની ગતિ ડેટા પ્રદાન કરવા માટે રચાયેલ છે. જો પવનની ઝડપ 72 Kmph થી 130 Kmph સુધીની હોય, તો ટ્રેનની ગતિ તે મુજબ ગોઠવવામાં આવશે. ઓપરેશન કંટ્રોલ સેન્ટર (ઓસીસી) વિવિધ સ્થળોએ સ્થાપિત એનિમોમીટર દ્વારા પવનની ગતિ પર નજર રાખશે.

Most Popular

To Top