Vadodara

પાલિકાની વહીવટી વોર્ડ 7 ની કચેરી બહાર લાગેલું પીએમ મોદીની જાહેરાતનું બેનર હટાવાયું :

અત્યાર સુધી લાગેલા બેનર પર ચૂંટણી તંત્રની નજર ના પડી, સિક્યુરિટી ગાર્ડ દ્વારા હટાવાયું :

આદર્શ આચાર સંહિતા લાગુ છતાં થઈ રહ્યું છે ઉલ્લંઘન

લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. પરંતુ ઘણી જગ્યાઓ પર જોતા આદર્શ આચાર સંહિતાનો ઉલ્લંઘન થતું હોવાનું જોવા મળ્યું છે. શહેરના નાગરવાડા પાસે પાલિકાની વહીવટી વોર્ડ નંબર 7 ની કચેરી ખાતે પીએમ મોદીના ફોટાવાળું પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિનું જાહેરાતવાળું બેનર લાગેલું હતું. જે બેનર ધ્યાને આવતા ઉતારી લેવામાં આવ્યું હતું.

લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતા જ શહેરમાં આદર્શ આચાર સંહિતા લાગુ કરી દેવાઈ છે. ત્યારે શહેરમાં હજી પણ કેટલીક જગ્યાઓ પર આદર્શ આચાર સંહિતાનો અમલ થતો નથી. ત્યાં પાલિકાનીજ વહીવટી વોર્ડ 7 ની કચેરી બહાર પીએમ મોદીના ફોટાવાળું એક બેનર ગતરોજ સુધી લાગેલું હતું. જોકે બીજા દિવસે તેને ફરજ પરના સિક્યુરિટી ગાર્ડ દ્વારા જ ઉતારી લેવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ચૂંટણી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં શહેર-જિલ્લાની જાહેર મિલકતો પરથી ૫૭૬૩ દિવાલો પરના લખાણો, ૧૧૭૧ પોસ્ટર્સ તથા ૬૭૯ બેનર્સ તેમજ ૫૯૮ જેટલી અન્ય પ્રચારાત્મક સામગ્રી સહિત કુલ ૮૨૧૧ જ્યારે ખાનગી મિલકતો પરથી ૮૨૧ દિવાલ પરના લખાણો, ૯૮૨ પોસ્ટર્સ, ૧૦૧ બેનર્સ અને અન્ય ૨૦૬ સહિત કુલ ૨૧૧૦ જેટલી રાજકીય પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવી છે. એટલે કે વડોદરા શહેર-જિલ્લાની જાહેર તથા ખાનગી મિલકતો પરથી કુલ ૧૦,૩૨૧થી વધારે રાજકીય પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવી છે.

Most Popular

To Top