Dakshin Gujarat

નાંદીડા

ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પૂરક વ્યવસાય તરીકે પશુપાલન છે, ખાસ કરીને પાટીદાર સમાજ ખેતી સાથે જ્યારે રબારી, કોળી પટેલ અને કેટલાક હળપતિ સમાજના લોકો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે

મીંઢોળા નદીના કિનારે બારડોલી શહેરને અડીને આવેલું નાંદીડા ગામ મુખ્યત્વે બહુલ હળપતિ આદિવાસી ઉપરાંત પાટીદાર અને માહ્યાવંશી, કોળી પટેલ, નાયકા, ગામીત અને રબારી સમાજના લોકોની વસતી ધરાવે છે. ગામના લોકોએ મુખ્ય વ્યવસાય ખેતી અને પૂરક વ્યવસાય તરીકે પશુપાલનનો વ્યવસાય અપનાવ્યો છે. ખાસ કરીને પાટીદાર સમાજ ખેતી સાથે જ્યારે રબારી, કોળી પટેલ અને કેટલાક હળપતિ સમાજના લોકો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
ખેતીની દૃષ્ટિએ નાંદીડા ગામ સમૃદ્ધ માનવામાં આવે છે. મીંઢોળા નદીના તટમાં વસેલું ગામ હોવાથી નદીના કાંપને કારણે આ વિસ્તારની જમીન ખૂબ જ ફળદ્રુપ છે. બારડોલી સુગર ફેક્ટરી માંડ 3 કિમીના અંતરે હોવાથી અહીંના ખેડૂતો શેરડીની ખેતી કરવાનું વધુ પસંદ કરે છે. ઉપજાઉ જમીનને કારણે શેરડીનો સારો પાક લઈ શકાય છે. આ ઉપરાંત કેટલાક ખેડૂતો કેળ અને શાકભાજીના પાકને પણ પ્રાધાન્ય આપી રહ્યા છે. ગામમાં સિંચાઇના પાણીની સારી સુવિધાને કારણે ખેડૂતો મબલક પાક લઈ શકે છે. એટલું જ નહીં બારડોલી અને આજુબાજુનાં ગામોમાં આવેલી સહકારી સંસ્થાઓ પણ ખેડૂતોને ખાતર, બિયારણ, જંતુનાશક દવા સહિતની વસ્તુ વ્યાજબી ભાવે પૂરી પાડતી હોય ખેડૂતો આવી સંસ્થાઓ પર ખાસ આધાર રાખે છે.

ગામનાં મંદિરો આસ્થાનાં પ્રતીક

નાનકડા ગામમાં આવેલાં મંદિરો ગ્રામજનોના આસ્થાનાં પ્રતીક છે. ખાસ કરીને ગામના પ્રવેશદ્વાર પર જ આવેલા મોટા બાવાજી મંદિરે ગ્રામજનો શ્રદ્ધાપૂર્વક દર્શન માટે જતા હોય છે. ગામમાં અન્ય મંદિર પૈકી ખોડિયાર માતા મંદિર, રામજી મંદિર, ભવાની માતા મંદિર, વેરાઈ માતામંદિર, રાધાકૃષ્ણ મંદિર પણ આવેલું છે.

વસતી વિષયક માહિતી (2011)

નાંદીડા ગામમાં 2011ની દૃષ્ટિએ વસતી જોઈએ તો મહિલા અને પુરુષ લગભગ સમાન રેશિયો જળવાયેલો છે. મહિલાઓ કરતાં માત્ર 10 જ પુરુષ વધારે છે. આમ ગામમાં મહિલા-પુરુષનો લિંગ અનુપાત 50 %- 50 % ટકા જેટલો જોવા મળી રહ્યો છે. જે અન્ય ગામો કરતાં ખૂબ જ સારો છે. આ ઉપરાંત ગામમાં 256 જેટલાં ઘર છે અને ગામનો સાક્ષરતા દર પણ 70.40 ટકા એટલે કે કુલ 1136ની વસતીમાં 800 લોકો સાક્ષર છે. ગામની કુલ વસતીના 63 ટકા લોકો અનુસૂચિત જનજાતિના છે. જેમાં હળપતિ, નાયકા, ગામીતનો સમાવેશ થાય છે. જ્યારે 34 ટકામાં પાટીદાર, કોળી પટેલ, રબારી સમાજના લોકો છે. જ્યારે 3 ટકા અનુસૂચિત જાતિમાં માહ્યાવંશી સમાજના લોકો વસવાટ કરે છે

હાઇવેને જોડતો રસ્તો બનાવવા માંગ
નાંદીડા ગામ ભૌગોલિક દૃષ્ટિએ ભલે રાજ્ય ધોરી માર્ગ અને રાષ્ટ્રીય ધોરી માર્ગ સાથે જોડાયેલું હોય, પરંતુ રાષ્ટ્રીય ધોરી માર્ગ સાથે જોડતો રસ્તો બનાવવામાં નહીં આવ્યો હોવાથી લાંબો ચકરાવો મારવો પડે છે. આ રસ્તો ડામરનો બને એ માટે ગ્રામજનોએ અનેક રજૂઆત કરી છે પરંતુ કોઈ કામ થતું ન હોવાનું જણાવી રહ્યા છે. અગાઉ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં પણ આ રસ્તો મૂકવામાં આવ્યો છે. પરંતુ હજી સુધી રસ્તો બની શક્યો નથી. ત્યારે વહેલી તકે રસ્તો બનાવવામાં આવે તો ખેડૂતોની સાથે સાથે હાઇવે પર જવા માંગતા લોકોને પણ સીધો ફાયદો થઈ શકે એમ છે.

ગામનાં ફળિયાં
નિશાળ ફળિયું (માહ્યાવંશી ફળિયું)
પાટીદાર ફળિયું
પંચવટી ફળિયું
ડુંગરી ફળિયું
14 ગાળા ફળિયું
25 ગાળા ફળિયું
નવી વસાહત ફળિયું

Most Popular

To Top