Charotar

આણંદ નવા બસ સ્ટેન્ડમાં રૂ.2.82 લાખના દાગીના ભરેલા પાકીટની તફડંચી

લગ્નમાં જતા હોવાથી દસ તોલા જેટલું સોનાના દાગીના લઇને નિકળ્યાં હતાં

આણંદ શહેરનું નવું બસ સ્ટેન્ડ પર પોલીસની ગેરહાજરીથી તસ્કરોએ મોકળુ મેદાન મળી ગયું છે. અહીં છાશવારે મોબાઇલ, પર્સ ચોરીના બનાવો બની રહ્યા છે. જેમાં હાલમાં વડોદની મહિલાના 2.82 લાખ દાગીના ભરેલા પર્સની ચોરીનો બનાવ બન્યો હતો. આ અંગે શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદના વડોદ ગામના રેલવે સ્ટેશનની બાજુમાં નંદહરિવિલા સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્રસિંહ ગણપતસિંહ ઝાલા નંદેસરી જીઆઈડીસીમાં નોકરી કરે છે. ધર્મેન્દ્રસિંહના કૌટુંબીક બહેનના લગ્ન હળવદ ખાતે રાખેલા હોવાથી તેમના પત્ની હિનાબહેન, દોઢ વર્ષની દિકરી સાથે આણંદના નવા બસ સ્ટેન્ડ પર 3જી માર્ચના રોજ આવ્યાં હતાં. તેઓ લગ્નમાં જતાં હોવાથી ઘરેથી સોનાના ઘરેણા અને કપડા તેમજ બીજો સામાન સાથે હતો. હિનાબહેને સોનાના ઘરેણા તેમની પાસેના લેડીઝ પર્સમાં રાખેલાં હતાં. આણંદ નવા બસ સ્ટેન્ડમાંથી મોરબી જવા માટે કોઇ સીધી બસ ન હોવાથી અમદાવાદથી બસમાં સાંજના ચડ્યાં હતાં. બસમાં ચડતી વખતે ઘણી ભીડ હતી. એક્સપ્રેસ હાઈવે પર સામરખા ટોલનાકુ આવતા હિનાબહેનની દિકરી રડવા લાગી હતી. આથી, લેડીઝ પર્સમાંથી પાણીની બોટલ કાઢવા જતાં તેની ચેઇન અડધી ખુલ્લી હતી અને અંદરની નાની ચેન વાળુ ખાનુ ખુલ્લું હતું. તેમાં રાખેલા સોનાના ઘરેણાં જે એક કોથળીમાં મુકી પર્સમાં મુકેલાં હતાં. તે સોનાના ઘરેણાની કોથળી ગાયબ હતી. આ કોથળીમાં સોનાનો સેટ, બુટ્ટી પાંચ તોલા, કાનની સેરો અડધો તોલો, નથણી એક તોલો, માથે પહેરવાની સોનાની બંધી ત્રણ તોલા, સોનાનું ડોકીયું એક તોલાનું મળી કુલ રૂ.2,82,500ના દાગીના ચોરી થઇ ગયાં હતાં. આણંદ નવા બસ સ્ટેન્ડમાં બસમાં ચડતી વખતે કોઇ અજાણ્યા શખ્સે ભીડનો લાભ લઇ દાગીના ભરેલા પર્સની ચોરી કરી લઇ ગયો હોવાનું જણાયું હતું. આ અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top