મધ્યરાત્રિના વરસાદી કહેરમાં કાચું મકાન તૂટી પડ્યું, સદનસીબે વૃદ્ધ મહિલાનો આબાદ બચાવ
(પ્રતિનિધિ) ગોધરા, તા. 19
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કાંકણપુર નજીક આવેલા પીપળીયા ગામની ઇન્દિરા નગરીમાં મધ્યરાત્રે વરસેલા ધોધમાર વરસાદે એક વૃદ્ધ મહિલાનું આશિયાનું છીનવી લીધું છે. દરિયાબેન ઉદાભાઈ પરમાર નામના વૃદ્ધા પોતાના ઈંટોથી બનાવેલા કાચા મકાનમાં એકલા રહેતા હતા ત્યારે ભારે ગાજવીજ અને વરસાદ વચ્ચે તેમનું ઘર અચાનક ધરાશાયી થઈ ગયું હતું. જોકે, આ દુર્ઘટનામાં તેમનો આબાદ બચાવ થતાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી, પરંતુ માથા પરથી છત છીનવાઈ જતાં તેઓ ઘરવિહોણાં બન્યાં છે.
યેલો એલર્ટ વચ્ચે વરસાદી આફતનો ભોગ બનેલા દરિયાબેનને સહાય માટે સ્થાનિકોની માંગ
હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં વરસાદને લઈને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આગાહીને પગલે પંચમહાલ જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. કુદરતી આફતનો ભોગ બનેલા દરિયાબેનની દયનીય સ્થિતિને જોતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. વૃદ્ધ મહિલા હાલ નિરાધાર બની જતાં વહીવટી તંત્ર દ્વારા તેમને તાત્કાલિક આર્થિક સહાય અને રહેઠાણની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે.
રિપોર્ટર : આશિષ બારીયા