એક સમયનું સહકારી હબ આજે સૂનકારમાં ફેરવાયું, વેપારીઓ અને રોકાણકારોમાં નિરાશા
કૌભાંડ, બેદરકારી અને જવાબદારીના અભાવે સહકારી ક્ષેત્રે વિશ્વાસ ગુમાવ્યો
ડભોઈ: એક સમય એવો હતો જ્યારે સમગ્ર જિલ્લામાં સહકારી ક્ષેત્રે ડભોઇનું આગવું સ્થાન ગણાતું હતું. નેવાંના દાયકામાં શહેરમાં વિસથી વધુ સહકારી મંડળીઓ અને બેંકો ધમધમતી હતી. વેપારીઓથી લઈને સામાન્ય સભાસદ સુધી સૌ માટે આ મંડળીઓ આર્થિક આશીર્વાદ સમાન હતી. ડ્રાફ્ટની ઝડપી સુવિધા, સી.સી. લોન, સભાસદ લોન તથા ગોલ્ડ લોન જેવી સેવાઓને કારણે ડભોઈના બજારમાં આર્થિક પ્રવાહ સતત જળવાતો હતો. સાંજના પાંચ-સાડા પાંચ વાગ્યા પછી પણ ડ્રાફ્ટની સુવિધા મળતી હોવાથી વેપારીઓ માટે ડભોઈ સહકારી ક્ષેત્રનું કેન્દ્રબિંદુ બની ગયું હતું.
પરંતુ સમય જતાં સહકારી ક્ષેત્રે ભારે આંચકો અનુભવવો પડ્યો. સુરત સ્થિત બેંક ઓફ બરોડાના થાપણ-કમ-ધીરાણ કૌભાંડ બાદ ગુજરાતની અનેક અગ્રણી સહકારી બેંકો અને મંડળીઓ આર્થિક સંકટમાં સપડાઈ ગઈ. પરિણામે ડભોઈની નાગરિક સહકારી બેંક, મહાલક્ષ્મી બેંક, સિટી કો-ઓપ., રોશન કો-ઓપ., દ્વારકેશ, આદિત્ય, દર્ભાવતી, પિપલ્સ, સર્વોદય, કામધેનુ, મહેદવીયા, અર્બન સહિત અઢાર જેટલી મંડળીઓ એક પછી એક ફડચામાં જતાં બંધ થવા પામી છે. આજે આ સંસ્થાઓની ઇમારતો પર કાટ ચડી ગયો છે અને શહેરના આર્થિક વ્યવહારો ખોરંભે પડી ગયા છે.
સ્થાનિક લોકોના મતે ગુજરાતમાં સહકારી મંડળી કે બેંક ફડચામાં જાય ત્યારે ડિરેક્ટર મંડળની સીધી જવાબદારી નક્કી થતી નથી, જ્યારે મહારાષ્ટ્રમાં આવાં કેસોમાં ડિરેક્ટર બોર્ડને જવાબદાર ઠેરવવાની જોગવાઈ હોવાથી ત્યાંનું સહકારી ક્ષેત્ર વધુ મજબૂત અને વિશ્વસનીય ગણાય છે. ડભોઈમાં વિવિધ જ્ઞાતિ અને સમાજ આધારિત સહકારી મંડળીઓ ઉભી થઈ હતી, પરંતુ કર્મચારીઓની પસંદગીમાં પારદર્શિતાના અભાવ અને માનીતા લોકોને સ્થાન આપવાની પ્રથાએ પણ સહકારી ક્ષેત્રને નુકસાન પહોંચાડ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આજે સ્થિતિ એવી બની છે કે અનેક રોકાણકારોને પોતાની જીવનભરની બચત ગુમાવવાનો વારો આવ્યો છે અને સહકારી ક્ષેત્ર પ્રત્યે લોકોનો વિશ્વાસ ડગમગી ગયો છે.
રિપોર્ટર: દીપક જોશી