Business

જીવનના દરેક ક્ષેત્રોમાં ખેલદિલી જરૂરી

લોકમાન્ય ગંગાધર તિલક એક આદર્શ પિતા પણ હતા. તેમનાં સંતાનોમાં કોઇ દુર્ગુણો ન પ્રવેશે તેની એ ખૂબ કાળજી રાખતા હતા. એક દિવસ તેઓ કોઇ લેખ તૈયાર કરી રહયા હતા અને એકાએક પેનમાં શાહી ખૂટી ગઇ એટલે તેમણે પુત્રને બોલાવીને કહયું, ‘દીકરા ખડિયો લાવને, પેનમાં શાહી પૂરવી છે’, અને પુત્રે કબાટમાંથી શાહીનો ખડિયો કાઢી તેના પિતાને આપવા માંડયો ત્યાં ખડિયો નીચે પડી ગયો અને તૂટી ગયો. તિલકે જરા પણ ગુસ્સે થયા વિના કહયું, બેટા, મેં સમયસર ખડિયો ન પકડયો એટલે પડી ગયો. કંઇ નહીં, ભૂલ મારી છે, તું ચિંતા કરીશ નહીં.’ એટલે પુત્રે કહયું, ‘નહીં પિતાજી, તમારી કોઇ ભૂલ નથી, ભૂલ તો મારી છે, કેમ કે ખડિયો આપને આપવામાં મેં થોડી ઉતાવળ કરી એટલે ચૂકથી એ પડી ગયો તમે ખડિયો પકડો એ પહેલાં જ મેં છોડી દીધો.’ તિલકે કહયું, ‘બેટા તું સાચો છે, હું તારી પરીક્ષા કરી રહયો હતો, તેં તારી ભૂલ કબૂલી લીધી એ તારી ખેલદિલી છે. જીવનમાં ખેલદિલી જ સફળતા અને સરળતા બક્ષે છે. મને આજે તારા ઉપર ખૂબ માન થયું છે.

આવો જ બીજો પ્રસંગ અત્રે યાદ કરું છું. મહારાષ્ટ્રમાં એક બાળકે શરદ પૂનમનું વ્રત કર્યું હતું એટલે તેને જાગરણ કરવાનું હતું. તેણે મા પાસે ચોપાટનાં સોગઠાં રમવા માગ્યાં. માએ કહયું બેટા તું કોની સાથે રમીશ? જો બધા સૂઇ ગયા છે. મા, હું ગમે તેની સાથે રમીશ, તું સોગઠાં આપને. બાળકે કહયું અને માએ સોગઠાં આપ્યાં. એ લઇને બાળક ઘરની બહાર લાઇટના થાંભલા પાસે ગયો અને એ થાંભલા સામે બેસીને સોગઠાં કાઢયાં. અડધાં સોગઠાં થાંભલાનાં અને અડધાં પોતાનાં. કોઇ ન મળ્યું એટલે થાંભલા સાથે રમવા માંડયો. એક હાથે પોતાનો દાવ ખેલે અને બીજા હાથે થાંભલાનો દાવ. આમ રમત રમતાં એ બે વાર હારી ગયો, થાંભલો જીતી ગયો એટલે ઘેર આવી માને વાત કરી. માએ કહયું, અરે, એ નિર્જીવ થાંભલાએ તને હરાવી દીધો? અને મા હસી પડી.

બાળકે સહજ રીતે કહયું ‘હા, મા એ બે વાર જીતી ગયો અને હું હારી ગયો. પણ એમાં ખોટું શું? એનાં સોગઠાં હું બીજા હાથે રમતો હતો, પણ મારાં સોગઠાં ઓછાં પડયાં એટલે એ જીતી ગયો’. બાળકની ખેલદિલી જોઇ માને ખુશી થઇ. બાળક સાચો હતો એટલે રમતમાં હાર પણ સ્વીકારી લીધી નહીં તો એ યુકિત કરીને નિર્જીવ થાંભલાને હરાવી શકયો હોત પણ બાળક સાચો હતો. માએ બાળકને ઊંચકી લીધો અને વહાલથી ચુંબન કર્યું. એ સાચો બાળક પાછળથી પ્રસિધ્ધ ન્યાયમૂર્તિ જસ્ટીસ રાનડે તરીકે ઓળખાયા. આ બે દાખલા એટલે આપ્યા કે જીવનમાં દરેક ક્ષેત્રે ખેલદિલી જરૂરી છે. કારણ કે જીવન એક રમત છે, કયારેક પાસાં સીધાં પડે તો કયારેક ઊંધાં, કયારેક હાર પણ મળે પણ હારને ખેલદિલીથી સ્વીકારવી પડે. હારને પચાવતાં આવડે એ માણસ દુ:ખી ન થાય. દરેક હાર જીતનું પ્રથમ પગથિયું છે. હાર જ જીતનું મૂલ્ય શીખવે છે. જીવનમાં વ્યવસાય, નોકરી કે લગ્નજીવન યા સામાજિક સંબંધો બધામાં ખેલદિલી જરૂરી છે. તમારી ભૂલ છે તો સ્વીકારી લો, કયારેય ઝઘડો નહીં થાય, કયારેય દુશ્મનાવટ નહીં થાય. ખેલદિલી જ સફળ અને સુચારુ જીવનનો મહામંત્ર છે.

Most Popular

To Top