Business

ખોટું અભિમાન

એક યુવાનને પોતાના બાપ દાદાના પૈસાનું બહુ અભિમાન હતું.પાણીની જેમ પૈસા વાપરે અને જે મળે તે બધાના અપમાન કર્યા વિના આગળ વધે જ નહિ.તે એમ માનતો હતો કે પોતાની પાસે આટલા બધા પૈસા છે એટલે તે જેમ ફાવે તેમ વર્તન કરી શકે છે અને કોઈ તેને રોકી પણ નહિ શકે.યુવાનના પિતા બહુ સજ્જન વેપારી હતા.તેમને પોતાના પુત્રનું આવું અભિમાનભરેલું વર્તન બિલકુલ પસંદ ન હતું.તેમને ચિંતા રહેતી કે ઈશ્વરકૃપાથી અનેક પેઢીથી મારા ઘર અને કુટુંબ પર મા લક્ષ્મીની કૃપા છે પણ આ છોકરાનું આવું વર્તન બધું ધોઈ અને ખોઈ નાખશે.પિતાએ પુત્રને સમજાવવાનું નક્કી કર્યું.

એક દિવસ બાજુના ગામના સૌથી પૈસાદાર નગર શેઠનું અવસાન થયું.પિતાએ યુવાન પુત્રને કહ્યું, ‘દીકરા, ચલ ગાડી કાઢ. આજે ડ્રાઈવર નથી આવ્યો તેથી તારે પણ મારી સાથે આવવું પડશે. ખરખરો કરવા બાજુના ગામમાં જવાનું છે.’રસ્તામાં પિતાએ વાત શરૂ કરી કે ‘આ નગરશેઠ એટલે આ ગામના જ નહિ, આજુબાજુના વીસ ગામમાં સૌથી પૈસાદાર..પાંચ પાંચ હવેલી..બહોળું કુટુંબ ..અનેક દાન ધર્માદાનાં કાર્યો…ઘરમાં નોકરચાકરની ફોજ ..દર દાગીનાના તો જાણે ખજાના ..બહુ જાહોજહાલી. બધું અહીં મૂકીને શેઠ ગયા…માણસ મરી જાય એટલે તેનાં કર્મ પ્રમાણે આત્માને ફળ મળે …કાર્ય અને વર્તન પ્રમાણે લોકોના દિલમાં સ્થાન મળે …અને શરીરની તો છેલ્લી મંઝિલ ચાર જણની મદદે સ્મશાને પહોંચવું ..લાકડાની ચિતા પર સ્વજનના હાથે જ ભડ ભડ બળવું અને અંતે રાખ.’યુવાન છોકરો પિતાની વાત સાંભળી રહ્યો.

બાપ દીકરો શેઠની હવેલીએ પહોંચ્યા ત્યાંથી અનેક માણસો શેઠના પાર્થિવ દેહને લઈને સ્મશાને પહોંચ્યા.સ્મશાનમાં આગળ એક ચિતા ગોઠવાતી હતી.શેઠના દેહને લઈને અનેક માણસો આવ્યા હતા.પણ જે ચિતા ગોઠવાતી હતી તેની પર જેમનો દેહ હતો તેણે લઈને માંડ ચાર માણસ આવ્યા હતા.ગામલોકો વાતો કરતા હતા.સાવ ગરીબ માણસ હતો. પાસે કંઈ ના હતું. બધું પૂરમાં તણાઈ ગયું હતું. જે મળે તે લઈને ગુજારો કરતો હતો.ચાર દિવસથી કંઈ ખાધું ના હતું અને છેવટે ગુજરી ગયો.આ વાતો બાપ દીકરાએ પણ સાંભળી.

વેપારી પિતાએ પોતાના પુત્રને કહ્યું, ‘જો દીકરા, એક ગામનો સૌથી અમીર માણસ..મૃત્યુ થયું ..મરી ગયા બાદ ..સ્મશાન ..સ્મશાનમાં સળગતી ચિતા..અને અંતે રાખ અને એક ગામનો ગરીબ માણસ…મૃત્યુ થયું …મરી ગયા બાદ …સ્મશાન …સ્મશાનમાં સળગતી ચિતા અને અંતે રાખ ….એટલે જો બધાના જીવનમાં પાસે ગમે તેટલા પૈસા સોના ચાંદી હોય કે ન હોય સાથે કંઈ નથી આવવાનું. અમીર હોય કે ગરીબ, બધાનો અંત આ રાખ જ છે. એટલે ખોટું અભિમાન કરવું નહિ.પિતાએ મોકો જોઇને પુત્રને જીવનની હકીકત સમજાવી. ખોટું અભિમાન ન કરવા સમજાવ્યું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top