Comments

કોંગ્રેસના આંતરકલહનો પાકે પાયે જવાબ છે?

પી.કે. તરીકે પણ જાણીતા ચૂંટણીવ્યૂહ રચનાકાર પ્રશાંત કિશોર 2024 ની લોકસભાની ચૂંટણીના ધ્યેય સાથે પોતે રજૂ કરેલા કોંગ્રેસના પુનર્જીવન યોજનાની ચર્ચા કરવા સાથે પક્ષની ટોચની નેતાગીરીને સતત પ્રવૃત્ત રાખે છે. પડદા પાછળની લાંબા સમયની મસલત પછી પક્ષના મોવડીમંડળે તેને જાહેર કરી છે. પી.કે.એ પહેલાં પક્ષના પસંદ કરેલા નેતાઓએ સાપેક્ષ પ્રેઝન્ટેશન રજૂ કર્યું પછી કોંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીએ પક્ષના વરિષ્ઠ નાગરિકો સમક્ષ ચર્ચા મંત્રણા કરી કે પી.કે. અને તેની જાદુઇ ફોર્મ્યુલાનો સ્વીકાર કરવો કે નહીં અને પી.કે.એ કોંગ્રેસમાં જોડાઇ ધરીરૂપ ભૂમિકા ભજવવી જોઇએ કે નહીં. પી.કે.તો કોંગ્રેસી બનવા અને ટોચની જગ્યાએ બેસવા તલપાપડ છે જેનો ગાંધી પરિવાર સિવાય બીજા વિરોધ કરશે જ એવી ધારણા રખાય છે.

આ બેઠકોમાંથી ઉદ્‌ભવતા સંકેતો કોઇ નિર્દેશ આપતા હોય તો તે એ છે કે પી.કે. સાથે સોદો પાકો થશે. સવાલ એ છે કે પી.કે. કોંગ્રેસમાં જોડાશે કે માત્ર સલાહકાર તરીકે કામ કરશે. ચર્ચા એ જ ચાલી રહી છે. સોદો પાકો થયો હોય તો પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે આ મુદ્દે  ચોળી ચોળીને કેમ ચીકણું કરવામાં આવે છે? લાગે છે કે આ સોદાને મામલે સોનિયા ગાંધી સર્વાનુમતિ નહીં તો બહુમતી સર્જવા માંગે છે. બેઠકોમાં પી.કે.ના મામલે વિરોધ સૂર ભલે મર્યાદિત પ્રમાણમાં પણ મક્કમ સ્વરે સંભળાયો છે. વિરોધ સૂરનું સીધું નિશાન પી.કે. ન હતા પણ વિરોધ તો હતો જ.

પક્ષના ઉત્તરદાયી તરીકે નિમણૂક થવાની મહત્ત્વાકાંક્ષા ધરાવનાર પી.કે. સામે પોતાનો મત અનામત રાખનાર કોંગ્રેસીઓ ઝૂકી જશે પણ તેને પોતાના ભાગ્ય વિધાતા તરીકે નહીં સ્વીકારે એવી પૂરી સંભાવના છે. નિર્દેશો તો એવા મળે છે કે પી.કે. સાંકળનો નિર્ણય તો કાંઇક સ્તરે લેવાઇ જ ગયો છે અને મંત્રણાએ તો બધાને સાથે રાખવાનો અને જવાબદારીમાં ભાગીદાર બનાવવાનો વ્યાયામ માત્ર છે. નિષ્ફળતા મળે તો પોતાનું મોં છૂપાવી શકાય તે માટે રાજકીય પક્ષોમાં આવી કામગીરી થતી જ આવી છે.

આમ છતાં પી.કે.ના મામલે કોંગ્રેસની નેતાગીરી દરખાસ્તને ઉમળકાભેર આવકારી લેવાના મતની નથી. હેવાલ એવા છે કે પક્ષમાં એવા કેટલાક લોકો છે જે દરખાસ્તને મૌન સંમતિ આપે છે. તો કેટલાક લોકો પી.કે.નો આડકતરો વિરોધ કરી તેને પક્ષમાં સ્થાન અપાશે કે કેમ તેની ચકાસણી કરી રહ્યા છે. તેઓ એવી ઇચ્છા રાખે છે કે પી.કે. લોકસભાની 2024 ની ચૂંટણી પહેલાં પક્ષને બેઠો કરવા માટે જ મદદ કરે.

પી.કે.એ કહ્યું હતું કે પત્રકારો એવું ચલાવે છે કે મારે કોંગ્રેસના મહામંત્રી બનવું છે. પણ પક્ષના કોઇ પદ માટે ખ્વાહેશ નથી ધરાવતો. કોંગ્રેસના પીઢ નેતા અને રાજય સભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખરગેએ તેમને જવાબ આપ્યો હતો. પી.કે. કોંગ્રેસના ઉપપ્રમુખ બનવા માટે તમારા નામની ભલામણ કરવાનું જણાવતા તમે મારી પાસે નહોતા આવ્યા? કોંગ્રેસના શુભેચ્છક માત્ર બની રહેવા સિવાય મનમાં બીજો કોઇ વિચાર પોતે નહીં ધરાવતા હોય તેવું નૈતિકતાના મોટા પંચ પરથી બોલવાની કોશિશ કરતા પી.કે. કોંગ્રેસના પીઢ નેતાના અણધાર્યા પ્રહારથી ખંચકાઇ ગયા હતા.

પી.કે.ને અન્યત્ર પણ આવો જ ખંચકાટ અનુભવવો પડયો હતો. તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના શાસનવાળા એક રાજયના મુખ્ય પ્રધાનના સલાહકાર તરીકે પોતાની સિધ્ધિઓ ગણાવતા પી.કે.ને એ જ રાજયના પક્ષના એક નેતાએ તેમના બણગા સામે સોંસરો પ્રશ્ન પૂછતાં પી.કે. શરણું શોધતા ભાગી ગયા હતા. પી.કે. પોતાની જાદુઇ લાકડી ફેરવી કોંગ્રેસ માટે શું કરવા માંગે છે? પક્ષને એવી ખાતરી થઇ છે કે પી.કે.ની જાદુઇ લાકડી જ કોંગ્રેસની તમામ બીમારીઓનો ઉકેલ છે? મહા સમિતિ અને રાજયોમાં આંતરિક લડાઇ તેમજ અનિર્ણાયકતાને જોઇને કંટાળી ગયેલા પક્ષના કાર્યકરો પક્ષ આળસ ખંખેરી બેઠો થઇ જાય તેવા કોઇ મોટા નિર્ણયની રાહ જુએ છે. આ સંજોગોમાં પી.કે. નામનો ઇલાજ શું ખભો છે? ભલે આવી દવા લેવામાં ખાસ્સો વિલંબ થયો હોય.

કોંગ્રેસને પોતાને આભડી ગયેલી અનિર્ણાયકતાની મહામારી પી.કે.ને પણ દોષ દેવાનો છે. સમયસર અને મક્કમ નિર્ણય લેવાની હિંમતને અભાવે પી.કે.ની રાજકીય પક્ષોમાં ઉછળકૂદ સામે શંકાનાં વાદળ ઘેરાયાં કે તેઓ જનતા દળ (યુ)માં જોડાશે કે મમતા બેનરજીના તૃણમૂલ કોંગ્રેસ, દ્રવિડ મુનેત્ર કળગમ અને તેલંગણા રાષ્ટ્રીય સમિતિ સહિતના અડધો ડઝનથી વધુ પ્રાદેશિક પક્ષોના ચૂંટણી સલાહકાર બનશે. ગોવામાં તૃણમૂળ કોંગ્રેસનાં કોઇ મૂળ ન હતાં ત્યાં પણ ચૂંટણી લડવાની પી.કે.ની મમતા ને સલાહ ચર્ચાનો વિષય બની ગઇ. કોંગ્રેસ માટે કામ કરવાની તેમની તૈયારીના હેવાલ વચ્ચે આમ આદમી પક્ષ- આપ સાથેના તેમનાં છાનગપતિયાં પણ કોંગ્રેસમાં ગૂંચવાડો પેદા કર્યો. આપ કોંગ્રેસના ભોગે વધી રહ્યો છે એ હકીકત છે અને પંજાબે પણ તે પુરવાર કર્યું છે.

આ સંજોગોમાં કોંગ્રેસ મોવડીમંડળ પી.કે.ને માથે ચડાવીને ચાલે તે રમૂજપ્રેરક છે. પક્ષના વરિષ્ઠ નેતાઓ પણ પોતાનું મોં ખોલતા નથી તે પણ રમૂજપ્રેરક છે. ભલે તેઓ મોવડીમંડળનું દિલ નહીં દુખવવા માંગતા હોય, પણ સ્પષ્ટ શબ્દોમાં કહી શકે. જો કે કોંગ્રેસમાં હજી સુધી કોઇએ મોવડીમંડળ સામે મોં ખોલ્યું નથી, ગમે તે સંજોગો હોય. નિર્દેશો એવા છે કે 2024 ની સામાન્ય ચૂંટણી માટે પી.કે.નું કોંગ્રેસ સાથે ગોઠવાઇ રહ્યું છે, પણ પક્ષમાં આંતરકલહને ખતમ કર્યા વગર એ થઇ શકશે? પી.કે. પાસે તેનો જવાબ છે?
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top