Madhya Gujarat

કડાણાના મુવાડા વિસ્તારો વિકાસથી વંચીત

સંતરામપુર: કડાણા તાલુકાના નાના રાજનપુરના વાગડીયાના મુવાડાના રહિશોએ વિકાસના ફળ હજુ ચાખવા મળ્યાં નથી. આ મુવાડામાં ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે. આ ઉપરાંત નવીન આંગણવાડી, કાચા રસ્તા સહિતના પ્રશ્નોનો લાંબા સમયથી ઉકેલ આવતો નથી. જેના કારણે રોષની લાગણી જન્મી છે. કડાણામાં આવેલા દધાલીયા ગ્રુપે ગ્રામ પંચાયત વિસ્તારના નાના રાજનપુરના વાગડીયાના મુવાડા ફળીયામાં કાચા રસ્તાના કારણે વાહન ચાલકોને પસાર થવુ મુશ્કેલ બન્યું છે.

આ કાચા રસ્તા પર ખાડા – ટેકરા હોવાના કારણે સગર્ભા મહિલા કે બિમાર વ્યક્તિને લાવવા લઇ જવું ત્રાસદાયક બની જાય છે. આ રોડ નવીન બનાવવા ગ્રામજનો વરસોથી માગણી કરી રહ્યા છે. પરંતુ વહીવટી તંત્ર દ્વારા કે પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા કોઇ પગલાં ભરવામાં આવી રહ્યાં નથી. આ રસ્તા પર વરસાદથી કાદવ – કિચ્ચડ થઇ જતાં મુવાડાના વાસીઓને ફરજીયાત ઘરમાં જ પુરાઇ રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. આથી, ચોમાસા પહેલા આ રસ્તાને આરસીસી રોડ બનાવવા માંગણી ઉઠી છે. નાના રાજનપુરના વાગડીયાના મુવાડા ફળીયાના રસ્તા, પીવાના પાણીની સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

એક જ હેન્ડના કારણે છતે પાણીની તરસી રહેતી પ્રજા
વાગડીયાના મુવાડા ફળીયામાં માત્ર એકજ હેન્ડપંપ હાલ છે. ફળીયાની વસતી છૂટીછવાઈ દુર દુર છે. આ ફળીયામાં કડાણા જુથ યોજના હેઠળનું પાણી પાઈપ લાઈનથી અપાય છે, પરંતુ આ પાણી નિયમિતપણે અને પુરતા ફોર્સથી નહીં આવતું હોઈ અને પાણી પુરતાં નકકી કરેલા સમય સુધી નહીં અપાતાં લોકો છતે પાણીએ તરસ્યાં રહે છે. આ ફળીયામાં હાલ ગ્રામજનોને પશુઓ માટે પાણીની સમસ્યા હાલ જોવાં મળે છે. જે આ ફળીયાની પીવાનું પાણીની સમસયા વહેલી તકે વહીવટી તંત્ર દ્વારા હલ કરાય અને નવીન જરુરીયાત મુજબના હેન્ડપંપ મુકાય તેવી ગ્રામજનોની વરસો જુની માંગ વહીવટી તંત્ર દ્વારા સંતોષાય તે જરુરી છે.

સમ્પમાં મશીનરી ફીટ ન થતાં શોભાના ગાંઠિયા સમાન બન્યો
વાગડીયાના મુવાડા ફળીયાની પાણીની સમસ્યા હોઈ અને હયાત કડાણા જુથ પાણી પુરવઠા યોજના હેઠળ પાણીની પાઈપ લાઈન અરવિંદભાઈ દલા વાગડીયાના ઘર નજીક નાંખી પાંચ – છ વરસ અગાઉ પાણી ભરવાનો સમ્પ અને પમ્પ રુમ પણ સરકારની યોજના હેઠળ બનાવી હતી. પરંતુ ગમે તે કારણસર આ સમ્પ કાર્યરત કરવામાં આવ્યો નથી અને પમ્પ રુમમાં પણ મશીનરી ફીટ કરવામાં આવી નથી. આ સમ્પ અને પમ્પ રુમ અને મશીનરી પાછળ ખર્ચાયેલા જે લાખો રૂપિયાનો સરકારી નાણાંનો કરાયેલો ધુમાડો વેડફાયો છે. આ થયેલી કામગીરીની અને આ સમ્પ અને પમ્પ રુમ કેમ લોકોપયોગી નિવડેલ નથી ? તેની તલસ્પર્શી તપાસ સરકાર દ્વારા અને મહીસાગર જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાવવાની રજુઆતો કરવામાં આવી છે.

સામુહિક શૌચાલયના કામમાં નર્યો ભ્રષ્ટાચાર આચરાયાની ગ્રામજનોને શંકા
વાગડીયાના મુવાડા ફળીયા જાહેર સુખાકારી માટે સામુહિક શૌચાલય વરસ 2020-21માં મંજુર થયેલા શૌચાલયની કામગીરી લાલાભાઈ મુનાભાઈ વાગડીયાના ઘર નજીક કરાઈ રહી છે. જે આ સામુહિક શૌચાલયની કામગીરી આજદિન સુધી પુરી થઈ નથી. જાહેર સુખાકારી હેઠળના વિકાસના કામો સમયસર પુરા ન થતાં નાણા વેડફાઇ રહ્યાં છે.

બે વરસથી આંગણવાડીનું કામ પુર્ણ થયું નથી
વાગડીયાના મુવાડા ફળીયામાં મનરેગા યોજના હેઠળ નવીન આંગણવાડી કેન્દ્ર મંજુર થતાં આ મકાનની કામગીરી શરુ કરવામાં આવી હતી. જેને બે વરસ થશે છતાં પણ આ નવીન આંગણવાડી કેન્દ્રના મકાનની કામગીરી પુરી થઈ નથી. આ નવીન આંગણવાડી કેન્દ્રના મકાનની ફરતે બનાવેલી કમ્પાઉન્ડ વોલની કામગીરી પાયાથી જ પ્લાન એસ્ટીમેન્ટ મુજબની નહીં કરવામાં આવતાં આ આંગણવાડી કેન્દ્રના મકાનની પાછળની કમ્પાઉન્ડ વોલની દિવાલ ધરાશયી થઈ ગઇ છે. પેવર બ્લોકની કામગીરી હલકી કક્ષાની થયેલાનું જોવા મળી રહ્યું છે. આ કામગીરી બરાબર ન થતાં પેવરબલોક કેટલાક સથળેથી ઉખડી ગયા છે. આ ઉપરાંત લાઇટ ફીટીંગનું વાયરીંગનું કામ જોવા મળી રહ્યું નથી.

Most Popular

To Top