Madhya Gujarat

આણંદમાં ગૌવંશની કતલ કરતાં 4 કતલખાના પકડાયાં

આણંદ : આણંદ શહેરના પોલસન ડેરી રોડ પર આવેલા ખાટકીવાડમાં પોલીસે દરોડો પાડી પાંચ જેટલા કતલખાનામાં ગૌવંશ કતલનું કૌભાંડ પકડી પાડ્યું હતું. જોકે, પોલીસ પહોંચે તે પહેલા ખાટકીઓએ એક વાછરડીને કાપી નાંખી હતી. જોકે, પોલીસે સમગ્ર વિસ્તારને ઘમરોળી છ ખાટકીને ગેરકાયદે કતલખાના ચલાવતા પકડી પાડ્યાં હતાં. તેમની પાસેથી છરા સહિતના હથિયારો કબજે કર્યાં હતાં. આ અંગે પોલીસે કુલ પાંચ અલગ અલગ ગુના નોંધ્યાં હતાં. આણંદ શહેર પોલીસની સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે પોલસન ડેરી રોડ પર આવેલા ખાટકીવાડ વિસ્તારમાં મુબીન મસ્જીદ પાસે રહેતા મુસ્તુફા ઉર્ફે હૈદર સીદ્દીક હુસેન કુરેશી અને આશીફ અબ્દુલકરીમ કુરેશી (રહે.બિસ્મીલ્લા સોસાયટી, ખાટકીવાડ આણંદ) પોતાના મકાનમાં ગૌવંશ કતલ કરે છે.

આ બાતમી આધારે શહેર પોલીસની ટીમે ટીમ બનાવી રવિવારની મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં બે શખસ વાછરડીઓ કાપવાના ધારદાર છરાઓ સાથે વાછરડી કાપતા હતાં. જોકે, પોલીસને જોઇ બન્નેએ ભાગવાની કોશિષ કરી હતી. પરંતુ વિસ્તારને કોર્ડન કરી બન્ને શખસને પકડી લીધાં હતાં. જેમની પુછપરછ કરતાં તે મુસ્તુફા ઉર્ફે હૈદર સીદ્દીક હુસેન કુરેશી (રહે.ખાટકીવાડ) અને આશીફ અબ્દુલકરીમ કુરેશી (રહે.ખાટકીવાડ) હોવાનું જણાવ્યું હતું.

આ અંગે પોલીસે તપાસ કરતા મકાનના રસોડામાં એક લાલ કલરની વાછરડીના ગળાના ભાગેથી કાપેલી હાલતમાં પડી હતી. તેના આગળના પગનું ચામડું ઉતારી ઢીંચણમાંથી કાપી નાંખ્યું હતું. વાછરડીને મારી નાંખી હતી. જોકે, તેની નજીકમાં એક જીવતો લાલ કલરનો વાછરડો હતો. મારી નાંખેલી લાલ વાછરડીની નજીકમાં બે લોખંડના ધારદાર મોટા છરા તથા બે ધારદાર નાના છરાઓ મળી આવ્યાં હતાં. જે જોતા લોહીથી ખરડાયેલા હતાં. આ બે ધારદાર મોટા છરા તથા બે નાના ધારદાર છરાઓ, વાછરડા સહિત કુલ રૂ.25 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મુસ્તુફા ઉર્ફે હૈદર અને આસીફ અબ્દુલકરીમ કુરેશી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અબ્દુલ કુરેશીએ પાંચ નાના પાડાને દોરડાથી ક્રૂરતાથી બાંધ્યાં હતાં
આણંદ શહેર પોલીસની એક ટીમે અબ્દુલ કરીમ ઉસ્માન કુરેશીના ઘરે દરોડો પાડ્યો હતો. જેમાં ઘરની સામે ખુલ્લી જગ્યામાં પાંચ નાના પાડાને પગ તથા માથું દોરડાથી ક્રૂરતાપૂર્વક બાંધેલા મળી આવ્યાં હતાં. જોકે, અબ્દુલ ઘરે મળી આવ્યો નહતો. આથી, પોલીસે અબ્દુલ કુરેશી સામે ગુનો નોંધ્યો હતો.

Most Popular

To Top