Vadodara

ઉત્તરાયણના સેમ્પલ રિપોર્ટ પેન્ડિંગ, ને હવે આરોગ્ય વિભાગનું હોળી-ધુળેટી પહેલાં ચેકિંગનું નાટક?



વડોદરામાં ઉત્તરાયણ પૂર્વે લેવાયેલા ખાદ્ય સેમ્પલના રિપોર્ટ હજુ જાહેર કર્યા નથી, અને હવે આરોગ્ય વિભાગ ફરી એકવાર ચેકિંગમાં ત્વરિત બન્યું છે. આવતીકાલથી શરૂ થનારા હોળી-ધુળેટીના પર્વના સંદર્ભે, શહેરમાં ખાદ્યસામગ્રીના ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આજે શહેરની વિવિધ દુકાનો પર આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ધાણી, ચણા, ખજૂર, પાપડી, સેવ અને હાયડાનું ચેકિંગ કરવામાં આવ્યું. આ કામગીરી નગરપાલિકાના કમિશનર દિલીપ રાણાની સુચનાથી અને અધિક આરોગ્ય અધિકારી ડો. મુકેશ વૈધના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે.



પ્રાથમિક તપાસ દરમિયાન, કેટલીક દુકાનોમાં પાપડી, ભૂંગળા અને સેવમાં અપ્રમાણસર ફૂડ કલર મળ્યો. એફએસએસએઆઈના નિયમો મુજબ, આરોગ્ય વિભાગની ટીમે કલરયુક્ત ખાદ્યસામગ્રી જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના આરોગ્ય વિભાગે ફૂડ સેફ્ટી અને હાઇજિન માટે ઉલ્લેખનીય કાર્યવાહી કરી છે, પરંતુ ઉત્તરાયણ પૂર્વે લેવામાં આવેલા ખાદ્યસામગ્રીના સેમ્પલના રિપોર્ટ હજુ જાહેર કરવામાં આવ્યા નથી.

પ્રશ્ન એ છે કે, ઉત્તરાયણના સેમ્પલ રિપોર્ટ હજુ જાહેર કેમ નથી? શું માત્ર પર્વો પહેલા દેખાવ માટે ચેકિંગની કાર્યવાહી થાય છે? જો ખોરાક અસુરક્ષિત છે, તો સીધી અને પારદર્શક કાર્યવાહી શા માટે નહીં? શહેરીજનોની આરોગ્ય સુરક્ષાની ખાતરી કરવા માટે, આરોગ્ય વિભાગને માત્ર હાલની જ નહીં, પણ અગાઉ લેવામાં આવેલી ચકાસણીના રિપોર્ટ પણ જાહેર કરવાં જોઈએ જેથી નાગરિકો અસલી હકીકત જાણી શકે.

Most Popular

To Top