બે મહિના પૂર્વે બનેલા રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું
સ્થાનિક લોકોએ તંત્ર સામે નારાજગી દર્શાવી સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી
( પ્રતિનિધિ )વડોદરા,તા.5
વડોદરા શહેરના ઉંડેરાથી કોયલી તરફ જવાનો રસ્તો બીસમાર હાલતમાં જોવા મળી રહ્યો છે.લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રસ્તો ખરાબ હોવાના કારણે ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ત્યારે સ્થાનિક લોકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી વહેલી તકે આ રોડની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે માંગણી કરી હતી.
વડોદરાના ઉંડેરાથી કોયલી તરફ જવાના મુખ્ય માર્ગની હાલત ખખડધજ થતા લોકોમાં અકસ્માતનું જોખમ વધ્યું છે. દરરોજ નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે.ખાડામાં પાણી ભરાઈ રહેતા ખાડા દેખાતા નથી.રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવતા સ્થાનિક લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. વિસ્તારના રહીશ મહેન્દ્રભાઈ પઢીયારે જણાવ્યું હતું કે, આ પહેલા પણ બે વખત કમ્પ્લેન કરી છે કે, આ પંચવટીથી લઈને ઉંડેરા કોયલી સુધીના રસ્તા પર જે નવો રોડ બન્યો બે મહિના પણ નથી થયા, પાણી ભરાય છે અને ખાડા પડી ગયા છે. કોઈ સુધારો થતો નથી. રોજ પબ્લિક પડે છે અને જાય છે. આ મુખ્ય રસ્તો છે ઇન્ડસ્ટ્રીઝનો પણ કોર્પોરેશનમાંથી કોઈ જોવા આવતું નથી. મેમાં ઉઘરાવે છે. બધું જ કરે છે ટેક્સ પણ વસુ લે છે. પણ ખબર નહીં આ બધો પૈસો ક્યાં જાય છે. સમજ પડતી નથી. સત્વરે આ રોડ ઉપર પાણીની લાઈનો પણ નાખેલી છે. વરસાદી પાણી ભરાઈ રહ્યા છે, પણ એનો કોઈ નિકાલ નથી. આ વરસાદની શરૂઆત છે. હજુ જ્યારે મુખ્ય વરસાદ છે. ત્યારે શું હાલ થશે. દરરોજ લોકોને અકસ્માતનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી આની પર ધ્યાન આપીને સત્વરે આનો નિકાલ કરે એવી અમારી માંગણી છે. અત્રે નોંધનીય છે કે, વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઠેર ઠેર રોડ ઉપર ખાડા પડી ગયા છે. લોકોને હવે કમરના દુખાવા પણ ઉપડી રહ્યા છે. પરંતુ, તેમ છતાં પણ પાલિકાનું તંત્ર ભર નિંદ્રા માણી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
