Sports

WTC FINAL: બહુપ્રતિક્ષિત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલનો પહેલો દિવસ વરસાદે ધોઇ નાંખ્યો

સાઉધેમ્પ્ટન : ટીમ ઇન્ડિયા (INDIA) અને ન્યુઝીલેન્ડ (NEW ZEALAND) વચ્ચેની બહુપ્રતિક્ષિત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલ (FINAL)નો આજનો પહેલો દિવસ (FIRST DAY) ટોસ થયા વગર જ વરસાદે (RAIN) ધોઇ નાંખ્યો હતો.

પહેલો દિવસ ધોવાઇ જવાના કારણે હવે જરૂર પડ્યે ઉપયોગમાં લેવા રખાયેલા રિઝર્વ ડે અર્થાત છઠ્ઠા દિવસે પણ મેચ રમાડી શકાશે. આજે શુક્રવારે અહીં સતત વરસાદ પડતો રહેવાના કારણે ટોસ પણ થઇ શક્યો નહોતો. પહેલો દિવસ વરસાદે ધોઇ નાંખ્યો હોવાથી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (ICC)એ ડબલ્યુટીસી ફાઇનલ માટે નિર્ધારિત કરેલા નિયમો અનુસાર હવે જરૂર પડશે તો છઠ્ઠા દિવસે પણ રમત થઇ શકે છે, કારણકે પહેલા દિવસે જ છ કલાકની રમત બરબાદ થઇ ગઇ હતી. પહેલા દિવસે રમત શક્ય ન બની હોવાથી હવે શનિવારે આવતીકાલે રમત અડધો કલાક વહેલી અર્થાત ભારતીય સમય અનુસાર બપોરે 3.00 વાગ્યે શરૂ કરવામાં આવશે.

વરસાદ અને તોફાની પવન ફુંકાવાની આગાહી પહેલાથી જ કરવામાં આવી હતી અને ગત સાંજથી જ અહીં જોરદાર વરસાદ ચાલુ થઇ ગયો હતો, જે આજે બપોર પછી પણ ચાલું જ રહ્યો હતો. ચારે તરફ પાણી હોવાને કારણે મેદાન ભીનું થયું હતું અને સુપર સોકરની મદદ લેવા છતાં તે રમતને યોગ્ય બની શક્યું ન હતું. અમ્પાયર માઇકલ ગફ અને રિચર્ડ ઇલિંગવર્થે ઘણીવાર મેદાનનું નિરિક્ષણ કર્યા પછી સ્થાનિક સમય અનુસાર બપોરે 3 વાગ્યે અને ભારતીય સમયાનુસાર સાંજે 7.30 વાગ્યે પહેલા દિવસની રમત પૂર્ણ થયાની જાહેરાત કરી હતી.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે સાઉધેમ્પ્ટનની પસંદગી કરવા માટે આઇસીસીની ટીકા
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી)ની ફાઇનલનો પહેલો દિવસ વરસાદે ધોઇ નાંખ્યો તેની સાથે જ ડબલ્યુટીસી ફાઇનલ રમાડવા માટે સાઉધેમ્પ્ટનની પસંદગી કરવા સામે સોશિયલ મીડિયા પર આઇસીસીની ટીકા કરવા સાથે સવાલો ઉઠવા માંડ્યા હતા. જો કે એવું માનવામાં આવે છે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી) અને ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી)એ સાઉધેમ્પ્ટનની પસંદગી કરતાં પહેલા બીસીસીઆઇને વિશ્વાસમાં લીધું હતું. ઇસીબીનો તર્ક એવો હતો કે આ સ્ટેડિયમમાં ફાઇવસ્ટાર હોટલ જેવી સુવિધા હોવાથી અહીં બાયો સિક્યોર બબલ તૈયાર કરવાનું સરળ રહેશે.

ઇંગ્લેન્ડમાં અન્ય સ્થળે મેચ હોત તો વરસાદ નહીં પડે એવી કોઇ ગેરન્ટી નથી
સાઉધેમ્પ્ટનમાં સતત વરસાદ ચાલુ રહેવાના કારણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલનો પહેલો દિવસ વરસાદે ધોઇ નાંખ્યા પછી આ મેદાનની પસંદગી કરવા માટે સોશિયલ મીડિયા પર આઇસીસીની ટીકા કરવામાં આવી હતી. જો કે ઇંગ્લેન્ડને ધ્યાને લેવામાં આવે તો કહેવાય છે કે અહી હવામાન બદલાતા વાર નથી લાગતી અને એ સ્થિતિમાં જો અન્ય કોઇ મેદાન પર પણ મેચ રમાઇ હોત તો ત્યાં વરસાદ ન પડ્યો હોત એવી કોઇ ગેરન્ટી આપી શકે તેમ નથી.

ઇંગ્લેન્ડના છેલ્લા પાંચ વર્ષોમાં 32માંથી માત્ર ચાર ટેસ્ટ ડ્રો રહી છે
ઇંગ્લેન્ડમાં છેલ્લા પાંચ વર્ષોમાં મેન્સ ક્રિકેટની 32 ટેસ્ટ મેચોની યજમાની કરી છે, તેમાંથી માત્ર ચાર જ ટેસ્ટ ડ્રો રહી છે અને તેના કારણે એવું કહી શકાય છે કે ઇંગ્લેન્ડમાં પહેલો દિવસ વરસાદ ધોઇ નાંખે તે પછી પણ પરિણામ આવવાની સંભાવના વધુ રહે છે. આ વાતને ધ્યાને લઇએ તો ડબલ્યુટીસી ફાઇનલ પણ રોમાંચક બનવાની પુરી સંભાવા છે.

Most Popular

To Top