National

ખેલ મંત્રાલય સાથેની મિટીંગ બાદ પણ કુસ્તીવીરોના ધરણાં યથાવત, WFIના પ્રમુખના રાજીનામાની માંગ

નવી દિલ્હી: ઈન્ડિયન રેસલિંગ ફેડરેશનના પ્રમુખ સામે યૌન શોષણના આક્ષેપો સાથે બે દિવસથી દેશની મહિલા કુસ્તીવીરો ધરણાં પર બેઠી છે. આજે ગુરુવારે કેન્દ્રીય ખેલ મંત્રાલયે વિરોધ પ્રદર્શન કરી રહેલી મહિલા કુસ્તીવીરો સાથે વાતચીત કરી હતી. જોકે, કોઈ ઉકેલ આવ્યો હોય તેમ લાગતું નથી. મિટીંગ બાદ ફરી મહિલા પહેલવારો જંતર મંતર પર જઈ ધરણાં પર બેઠી હતીં. અહીં તેઓએ આક્રોશ સાથે કહ્યું હતું કે, જ્યાં સુધી ઈન્ડિયન રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહને તેમના પદ પરથી દૂર નહીં કરવામાં આવે ત્યાં સુધી મહિલા કુસ્તીવીરો ધરણાં સ્થળ પરથી હટશે નહીં.

દિલ્હીના જંતર-મંતર મેદાન પર બે દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહેલી મહિલા કુસ્તીબાજોએ ફરી એકવાર સ્પોર્ટ્સ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. મહિલા રેસલર વિનેશ ફોગાટ સતત બીજા દિવસે ગુસ્સામાં જોવા મળી હતી. ફોગાટે WFI પ્રમુખને પડકાર ફેંકતા કહ્યું કે, બ્રિજભૂષણ શરણ સિંહમાં હિંમત હોય તો તે વિરોધ પ્રદર્શન કરી રહેલી મહિલા પહેલવાનોની સામે અહીં આવે. અમારી સાથે બે મિનિટ બેસીને વાત કરે. અમે દાવો કરીએ છે કે બ્રિજભૂષણ અમારી સામે બેસી શકશે નહીં. અમારી પાસે અહીં એવા પીડિત ખેલાડીઓ છે જેઓનું શોષણ થયું છે અને તેઓ પુરાવા લઈને બેઠા છે.

વિનેશ ફોગાટે આ સાથે એવું પણ કહ્યું કે જો બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવામાં આવે તો 4-5 મહિલા રેસલર આ મામલે FIR નોંધાવશે. જો અમારા જેવા કુસ્તીબાજો સાથે આવું થતું હોય તો બીજી છોકરીઓ કેટલી સુરક્ષિત છે? જો આપણે પણ સુરક્ષિત નથી તો ભારતમાં એક પણ છોકરીનો જન્મ ન થવો જોઈએ. આવા આકરા શબ્દોમાં વિનેશ ફોગાટે રોષ વ્યક્ત કર્યો હતો.

વિનેશ ફોગાટે કહ્યું કે અમે પુરાવાને સાર્વજનિક કરવા માંગતા નથી. આક્ષેપો ખોટા નથી. અમારી પાસે પુરાવા છે અને તે પણ પીડિતા છે. પ્રમુખનું રાજીનામું લેવાની સાથે અમે તેમને જેલમાં ધકેલીશું. અમે ફેડરેશનને બંધ કરવાની માંગ કરી રહ્યા છીએ. જો આ ફેડરેશન રહેશે તો તેમના લોકો કામ કરશે અને પછી મુશ્કેલી ઊભી કરશે. યુપીમાં શોષણના કારણે કુસ્તી ખતમ થઈ ગઈ છે. હવે મહારાષ્ટ્ર અને કેરળમાં પણ કુસ્તી ખતમ થઈ રહી છે.

કુસ્તીબાજોનું પ્રતિનિધિ મંડળ રમતગમત મંત્રાલયમાં રમત સચિવ અને SAI ના ડીજીને મળ્યું
ધરણાંના બીજા દિવસે ગુરુવારે બપોરે રમત મંત્રાલયના અધિકારીઓને પ્રદર્શનકારી મહિલા કુસ્તીબાજો મળ્યા હતા. કુસ્તીબાજોએ કહ્યું કે, અધિકારીઓએ અમારી માંગણી શાંતિપૂર્વક સાંભળ્યા બાદ તેના ઉકેલની ખાતરી આપી છે. જોકે, હજુ કોઈ કાર્યવાહી થઈ નથી. તેથી જ્યાં સુધી બ્રિજભૂષણ વિરુદ્ધ પગલાં ન ભરાય ત્યાં સુધી ધરણાં ચાલુ રહેશે.

બ્રિજભૂષણે આરોપોને નકાર્યા
બ્રિજ ભૂષણે આરોપોને નકારી કાઢવા સાથે કહ્યું હતું કે જો આરોપો સાચા સાબિત થશે તો તે ફાંસીના માંચડે ચઢવા તૈયાર છે. બીજી તરફ આ મામલે રેસલિંગ ફેડરેશને 22 જાન્યુઆરીએ ઈમરજન્સી મીટિંગ બોલાવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બ્રિજ ભૂષણ શરણ સિંહ પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. આ પહેલા આજે તેમણે રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથે ફોન પર વાતચીત કરી હતી અને પોતાનો કેસ રજૂ કર્યો હતો. બ્રિજ ભૂષણે કહ્યું કે તેમને એક ષડયંત્રમાં ફસાવવામાં આવી રહ્યા છે. એક પણ આરોપમાં સત્ય નથી.

Most Popular

To Top