Sports

વર્લ્ડકપ 2023 માટે સરકાર કર રાહત નહીં આપે તો BCCIને થશે રૂ. 955 કરોડનું નુકસાન

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર જો 2023ના વન ડે વર્લ્ડકપ (Oneday Worldcup) માટે આઇસીસીની (ICC) બ્રોડકાસ્ટિંગ આવક પર 21.84 ટકા ટેક્સ (Tax) સરચાર્જ વસૂલવાના નિર્ણયને વળગી રહેશે તો ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ને રૂ. 955 કરોડનું નુકસાન થશે. આ રકમ બીસીસીઆઇએ આઇસીસીને ચૂકવવી પડશે. ભારતમાં આવતા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં 50 ઓવરનો વર્લ્ડકપ યોજાવાનો છે. ટેક્સ સરચાર્જ એટલે મૂળ કિંમત સિવાયના કોઈપણ સામાન અથવા સર્વિસ પર વધારાની ફી અથવા ટેક્સની વસૂલાત. તે સામાન્ય રીતે વર્તમાન ટેક્સમાં ઉમેરવામાં આવે છે અને તે માલ અથવા સર્વિસની અવતરિત કિંમતમાં સામેલ નથી. આઇસીસીની પ્રથા મુજબ, યજમાન દેશે વૈશ્વિક ટુર્નામેન્ટના આયોજન માટે સરકાર પાસેથી કર મુક્તિ લેવી પડે છે, પરંતુ ભારતના કર નિયમોમાં આવી મુક્તિની જોગવાઈ નથી.

2016માં ટી-20 વર્લ્ડકપની યજમાનીમાં પણ બીસીસીઆઈને આવી છૂટ મળી ન હતી અને તેને 193 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું અને એ કેસ પણ હાલમાં આઇસીસી ટ્રિબ્યુનલમાં પેન્ડિંગ છે. 18 ઓક્ટોબરે એજીએમ પહેલા રાજ્ય એકમોને મોકલવામાં આવેલા બોર્ડના અહેવાલમાં જણાવાયું હતું કે આઈસીસીની આગામી મોટી ટુર્નામેન્ટ વર્લ્ડકપ 2023 છે, જે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાવાની છે. બીસીસીઆઈએ એપ્રિલ 2022 સુધીમાં આઈસીસીને ટેક્સ મુક્તિ વિશે જાણ કરવાની હતી.તેમાં વધુમાં કહેવાયું હતું કે આઇસીસીએ સમયમર્યાદા વધારીને 31 મે કરી છે.

બીસીસીઆઇ ટેક્સ સરચાર્જને 21.84 ટકાથી ઘટાડીને 10.92 ટકા કરાવવા પ્રયાસરત
બીસીસીઆઈએ આ નાણાકીય વર્ષની શરૂઆતમાં આઈસીસીને જાણ કરી હતી કે 10 ટકા ટેક્સ (સરચાર્જ ઉપરાંત) ચૂકવવો પડી શકે છે. બીસીસીઆઈ ટેક્સ સરચાર્જને વર્તમાન 21.84 ટકાથી ઘટાડીને 10.92 ટકા કરવા માટે વાતચીત કરી રહી હોવાનું માનવામાં આવે છે. જો આમ થશે તો તેને 430 કરોડ રૂપિયાની આવક ગુમાવવી પડશે. એ રકમ જો કે તેણે આઇસીસી પાસે રેવેન્યુ પુલમાં લેવાના નીકળતી રકમમાંથી કપાશે.

આઇસીસીને 2023મા રમાનારા વન ડે વર્લ્ડકપથી 4400 કરોડની આવકની ઘારણા
ટેક્સ સરચાર્જ મામલે ભારત સરકાર પાસે રાહતની આશા રાખતું આઇસીસી અને બીસીસીઆઇને બ્રોડકાસ્ટિંગથી જંગી કમાણી થાય છે, એ કમાણી કેવી છે તે માત્ર એટલાથી જ સમજી શકાય છે કે 2023માં ભારતમાં યોજાનારા 2023ના વન ડે વર્લ્ડકપના પ્રસારણથી આઇસીસીને 4,400 કરોડ રૂપિયાની આવક થવાની ધારણા છે. બીસીસીઆઇને પણ તેમાંથી ઘણો હિસ્સો મળે છે. 2016 અને 2023 વચ્ચે આઇસીસીના રેવન્યુ પૂલમાં બીસીસીઆઇનો હિસ્સો 3336 કરોડ રૂપિયાની આસપાસ છે.

Most Popular

To Top