Trending

વિશ્વના બીજા સૌથી મોટા રોડ નેટવર્કના નિર્માણમાં ભારતે ચીનને હરાવ્યું

નવી દિલ્હી: વિશ્વભરમાં સૌથી મોટા રોડ નેટવર્કના (Road Network) લિસ્ટમાં ભારત (India) ત્રીજા ક્રમાંક પર હતું. પરંતુ હવે યુનાઇટેડ સ્ટેટ્સ (United States) પછી ચીનને (China) હરાવીને બીજા ક્રમે છે. ભારતે 2014 થી અત્યાર સુધીમાં 1.45-લાખ કિમી રોડ નેટવર્ક વધારીને ચીનને પછાડીને બીજા સ્થાને પહોંચી ગયું છે. જે ભારત માટે ખૂબ જ ગર્વની વાત છે. ત્યાર બાદ માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ હતું કે આજના સમયમાં દેશનું રોડ નેટવર્ક લગભગ 1,45,240 કિમી છે, જ્યારે નાણાકીય વર્ષ 2013-14માં તે માત્ર 91,287 કિમી હતું. આમ છેલ્લા નવ વર્ષમાં દેશના રોડ નેટવર્કમાં 59 ટકાની ઊંચી વૃદ્ધિ જોવા મળી છે. વધુમાં તેમણે તેમના કાર્યકાળ દરમિયાન ભારતના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયની સિદ્ધિઓ શેર કરી હતી.

વિશ્વમાં સૌથી મોટા રોડ નેટવર્ક સાથે ભારત હવે યુનાઇટેડ સ્ટેટ્સ પછી બીજા ક્રમે છે. જો કે હાલ ભારતમાં લગભગ 63-લાખ કિ.મી.નું રોડ નેટવર્ક છે, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ પાસે 68 લાખ કિલોમીટરથી વધુનું રોડ નેટવર્ક છે જે વિશ્વમાં સૌથી મોટું છે. હવે ચીન લગભગ 52 લાખ કિલોમીટરના રોડ નેટવર્ક સાથે ત્રીજા સ્થાને છે. છેલ્લા નવ વર્ષોમાં ભારતમાં ઘણા બધા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેનું નિર્માણ થયું છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ભારતના અત્યાર સુધીના સૌથી લાંબા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનું નિર્માણ લગભગ પૂર્ણ કરી દીધું છે.

ભારતે માર્ગ નિર્માણના ક્ષેત્રમાં 7 વિશ્વ રેકોર્ડ બનાવ્યા
ગડકરીએ NHAI ના યોગદાનનો પણ ઉલ્લેખ કર્યો. જેણે આ સમયગાળા દરમિયાન સાત જેટલા વિશ્વ રેકોર્ડ નોંધ્યા છે. આ વર્ષે મે મહિનામાં NHAIએ 100 કલાકની અંદર 100 કિલોમીટરનો નવો એક્સપ્રેસવે બનાવ્યો હતો. ઉત્તર પ્રદેશમાં આગામી ગાઝિયાબાદ-અલીગઢ એક્સપ્રેસવેના નિર્માણ દરમિયાન સીમાચિહ્ન સિદ્ધિ હાંસલ કરવામાં આવી હતી. ગયા વર્ષે ઓગસ્ટમાં NHAI એ 105 કલાક અને 33 મિનિટના રેકોર્ડ સમયમાં NH-53 પર અમરાવતી અને અકોલા વચ્ચે 75 કિમી સતત સિંગલ બિટ્યુમિનસ કોંક્રિટ રોડનું સફળતાપૂર્વક નિર્માણ કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

NHAI એ સમગ્ર દેશમાં 30,000 કિલોમીટરથી વધુ હાઇવેનું નિર્માણ કર્યું
માર્ગ પરિવહન મંત્રી ગડકરીના કાર્યકાળ હેઠળ NHAI છેલ્લા કેટલાક વર્ષોમાં નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવેના નિર્માણમાં વ્યસ્ત છે. એપ્રિલ 2019 થી NHAI એ સમગ્ર દેશમાં 30,000 કિલોમીટરથી વધુ હાઇવેનું નિર્માણ કર્યું છે. જેમાં દિલ્હીને મેરઠ સાથે અથવા લખનૌને યુપીના ગાઝીપુર સાથે જોડતા મુખ્ય એક્સપ્રેસવેનો સમાવેશ થાય છે. એપ્રિલ 2020 અને માર્ચ 2021 ની વચ્ચે NHAI એ દરરોજ 37 કિલોમીટર હાઇવે બનાવવાનો રેકોર્ડ હાંસલ કર્યો હતો. કોવિડ-19 રોગચાળાને કારણે થયેલા વિલંબ તેમજ દેશના કેટલાક ભાગોમાં ચોમાસાની લાંબી સિઝનને કારણે પાછલા નાણાકીય વર્ષમાં ગતિ ઘટીને 28.64 કિલોમીટર પ્રતિ દિવસ થઈ હતી.

ટોલની આવક વધારીને 1.30 લાખ કરોડ કરવાનું લક્ષ્ય
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગડકરીએ એ વાત પર પણ ધ્યાન દોર્યું કે કેવી રીતે તેમના કાર્યકાળમાં રસ્તાઓ અને રાજમાર્ગોની આવકમાં પણ વધારો થયો છે. તેમણે માહિતી આપી હતી કે નવ વર્ષ પહેલા ટોલ વસૂલાત ₹4,770 કરોડથી વધીને હવે ₹41,342 કરોડ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે કેન્દ્ર હવે ટોલની આવક વધારીને 1.30 લાખ કરોડ કરવાનું લક્ષ્ય ધરાવે છે. ગડકરીએ વધુમાં કહ્યું કે કેવી રીતે ફાસ્ટેગના ઉપયોગથી ટોલ પ્લાઝા પર લાંબી કતારો ઘટાડવામાં મદદ મળી છે. મળતી માહિતી મુજબ ટોલ પ્લાઝા પર વાહનનો સરેરાશ સમય 47 સેકન્ડનો છે. જેને તેમનું મંત્રાલય ટૂંક સમયમાં 30 સેકન્ડ જેટલું કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Most Popular

To Top