Dakshin Gujarat

અંકલેશ્વર ભરૂચ માર્ગ પર ઇકો અને બાઈક વચ્ચે અકસ્માત, યુવાનનું ઘટના સ્થળે જ મોત

અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર ભરૂચ જુના નેશનલ હાઇવે (National Highway) ઉપર નર્મદા મૈયા બ્રિજ અવરજ્વર કરતા વાહનો માટે અકસ્માત (Accident) ઝોન સાબિત થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. બ્રિજ ઉપર અવારનવાર અકસ્માતની ઘટનાઓ સતત સામે આવી રહી છે જે બાદ ખુદ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાએ સ્થળ નિરીક્ષણ કરી માર્ગ પરથી પસાર થતા વાહનો માટે સ્પીડ નિયંત્રણ અંગેના સૂચનો જાહેર કર્યા હતા જેના ગણતરીના કલાકોમાં જ વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી.

  • અંકલેશ્વર ભરૂચ માર્ગ પર ઇકો અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત
  • અંકલેશ્વર ના આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળે જ મોત

આજરોજ સવારે નર્મદા મૈયા બ્રિજના અંકલેશ્વર છેડે ઇકો કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે જતી ઇકો કારના ચાલકે બાઈક ચાલકને કારની અડફેટે લીધો હતો. અંકલેશ્વર ના દિવા રોડ, અંબિકા નગરમાં રહેતા 50 વર્ષીય ચેતન કુમાર ધીરજ લાલ મહેતા ની બાઈક ને અડફેટે લેતા ચેતન રોડ પર પટકાયો હતો. તેને ગંભીર ઈજા પહોચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, અકસ્માતના પગલે એક સમયે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે સ્થાનિક પોલીસ દ્વારા ટ્રાફિકને રાબેતા મુજબ કરાવી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથધરી મામલે વધુ તપાસ શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ માસ દરમ્યાનમાં જ અનેક અકસ્માત અંકલેશ્વર ભરૂચ ને જોડતા નર્મદા મૈયા બ્રિજની આસપાસ સર્જાઈ ચુક્યા છે જેમાં કેટલાય લોકો ઈજાગ્રસ્ત તો કેટલાકે જીવ પણ ગુમાવ્યા છે.

ઓવર સ્પીડ વાહનો પર સ્પીડ ગનથી પકડવાની અમલવારી
અંકલેશ્વર: નર્મદા મૈયા બ્રિજ ઓવર સ્પીડ વાહનોને કારણે અકસ્માતોનો સ્પોટ બની રહ્યો હોય જેના પર રોક લાવવા બ્રિજ પર તમામ વાહનોની સ્પીડ લિમિટ 40ની કરી દેવાઈ છે. જિલ્લા વહીવટી તંત્રે જાહેરનામું જારી કર્યા બાદ આજે મંગળવારથી જ વાહનની ઝડપની મર્યાદા પ્રતિ કલાક 40 કિલોમીટરનો અમલ કરાવવાનું શરૂ કરી દીધું છે. બ્રિજ અને તેના છેડે પોલીસ કાફલા, ટ્રાફિક પોલીસે વિવિધ પોઇન્ટ પર ગોઠવાઈ સ્પીડ ગનની મદદથી ઓવર સ્પીડ વાહનોને પકડી પડવાનું શરૂ કરી દીધું છે.

સ્પીડ ગનની મદદથી ઓવર સ્પીડ વાહનોને ઝડપી પાડી મેમો પકડાવી દંડનીય કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. સાથે બ્રિજ પર વિવિધ સ્થળે 40 ની સ્પીડ લિમિટના સાઈન બોર્ડ, રીફલેક્ટર લગાવવાનું તેમજ બ્રિજના માર્ગની ઉપરી સપાટીને બરછટ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. વધુમાં બ્રિજ પર વાહન અને વાહન ચાલકોના ચેકિંગ સાથે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કરતા લોકોને પકડવા પણ ઝુંબેશ હાથ ધરાઈ રહી છે.

Most Popular

To Top