National

કેજરીવાલ નવી મુશ્કેલીમાં! બંગલાનાં બ્યુટિફિકેશન પાછળ કરવામાં આવેલ ખર્ચનું CAG ઓડિટ કરશે

નવી દિલ્હી: દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી (CM) અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) મોટી મુશ્કેલીમાં ફસાયા છે. અરવિંદ કેજરીવાલે થોડા મહિના પહેલા જ પોતાના સત્તાવાર બંગલાનું રિનોવેશન (Renovation) કરાવ્યું હતું. જેમાં અનેક પ્રકારની ગડબડી તેમજ તેનાં બ્યુટિફિકેશન પાછળ લગભગ 44 કરોડ જેટલો ખર્ચ થયો હોય તેવું સામે આવ્યું હતું જેના કારણે સવાલો પણ ઉઠ્યાં હતા. આ મામલે કાર્યવાહી કરતા ગૃહ મંત્રાલયે કેગને (CAG) આ તપાસનાં આદેશ આપ્યાં છે. 24 મે 2023ના રોજ એલજી સચિવાલયની ભલામણ બાદ ગૃહ મંત્રાલયે આ કાર્યવાહી કરી છે.

CAG મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સિવિલ લાઈન્સ દિલ્હી ખાતેના સત્તાવાર આવાસના બ્યુટિફિકેશન માટે જે ખર્ચ થયો છે તે માટે વિશેષ ઓડિટ કરશે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાની ભલામણ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા CAG ઓડિટ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 24 મેના રોજ એલજીની ઓફિસે કેજરીવાલના સત્તાવાર બંગલાના રિનોવેશનથી સંબંધિત ખર્ચ સંબંધિત મામલાને લઈને કેગ દ્વારા વિશેષ ઓડિટની ભલામણ કરી હતી. જેમાં મુખ્યમંત્રીના નામના સરકારી નિવાસસ્થાનના રિનોવેશનમાં નાણાંકીય ગેરરીતિ આચરવામાં આવી હોવાની ચર્ચા હતી.

થોડા સમય પહેલા ભાજપે આરોપ લગાવ્યો હતો કે શહેરના સિવિલ લાઈન્સ વિસ્તારમાં સ્થિત કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનના ‘બ્યુટીફિકેશન’ પર લગભગ 45 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ માટે કેજરીવાલ પાસે રાજીનામાની માંગ પણ કરવામાં આવી હતી.

જાણો LGએ પત્રમાં શું લખ્યું હતું
એલજીએ લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ સરકારી બંગલાના બ્યુટિફિકેશન પાછળ મોટી રકમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ આ બ્યુટિફિકેશનનું કામ ત્યારે કરાવવામાં આવ્યું છે જ્યારે દેશમાં કોરોના મહામારી ચરમ સીમા પર હતી. કોરોના મહામારીના સમયે દિલ્હીના સીએમ પોતાના બંગલાના બ્યુટિફિકેશન પાછળ લાગ્યા હતા.

કઈ વસ્તુ પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો
દસ્તાવેજો દર્શાવે છે કે તે 9 સપ્ટેમ્બર 2020 અને જૂન 2022 વચ્ચે 6 હપ્તામાં ખર્ચો કરવામાં આવ્યો હતો. કુલ ખર્ચમાં આંતરિક સુશોભન માટે રૂ. 11.30 કરોડ, પથ્થર અને માર્બલ ફ્લોરિંગ માટે રૂ. 6.02 કરોડ, આંતરિક સલાહકાર માટે રૂ. 1 કરોડ, ઇલેક્ટ્રિકલ ફીટીંગ્સ અને સાધનો માટે રૂ. 2.58 કરોડ, ફાયર ફાઇટિંગ સિસ્ટમ માટે રૂ. 2.85 કરોડ, રૂ. વોર્ડરોબ અને એસેસરીઝ ફીટીંગ માટે 1.41 કરોડ અને રસોડાના સાધનો પાછળ રૂ. 1.1 કરોડ ખર્ચાયા છે.

Most Popular

To Top