Sports

વર્લ્ડ કપ ટ્રોફી સાથે ગોલ્ડન બોલ અને ગોલ્ડન બેટનો રોમાંચ, ભારતના આ બે ખેલાડીઓ છે દાવેદાર

ODI વર્લ્ડ કપની (World Cup) ફાઇનલ મેચ 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા (India Australia) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો જોરદાર ફોર્મમાં છે અને 20 વર્ષ બાદ ICC ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ રમવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ત્યારે હવે વર્લ્ડ કપનું મોટું આકર્ષણ ગોલ્ડન બેટ અને ગોલ્ડન બોલ પર સૌની નજર છે. આ રેસમાં બે ભારતીય ખેલાડીઓના નામ સૌથી ટોપ પર છે.

  • હવે વર્લ્ડ કપનું મોટું આકર્ષણ ગોલ્ડન બેટ અને ગોલ્ડન બોલ પર સૌની નજર
  • આ રેસમાં બે ભારતીય ખેલાડીઓના નામ સૌથી ટોપ પર

વર્લ્ડ કપ ક્રિકેટ 2023માં જે ટીમ ફાઈનલ મેચ જીતશે તેને આઈસીસી દ્વારા વર્લ્ડ કપ ટાઈટલ અને $4 મિલિયન આપવામાં આવશે. આ સિવાય સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનને ગોલ્ડન બેટ અને સૌથી વધુ વિકેટ લેનાર બોલરને ગોલ્ડન બોલ આપવામાં આવશે. આઈસીસીના આ બે ખિતાબની રેસમાં બે ભારતીય ખેલાડીઓ સૌથી આગળ હોય તેવું લાગી રહ્યું છે. તેમાંથી એકની જીત લગભગ નિશ્ચિત છે. તેની નજીક ક્યાંય અન્ય કોઈ ખેલાડી નથી. ચાલો જાણીએ કે ટીમ ઈન્ડિયાના કયા ખેલાડીઓ ગોલ્ડ બેટ અને બોલની રેસમાં સૌથી આગળ છે.

ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વર્લ્ડ કપ 2023 દરમિયાન શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે 10 મેચમાં 711 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ આ સિઝનમાં વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાનો સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. સચિન તેંડુલકરે 2003 ODI વર્લ્ડ કપ દરમિયાન 673 રન બનાવ્યા હતા. આ વર્લ્ડ કપમાં રનના મામલે વિરાટ કોહલીની નજીક પણ કોઈ બેટ્સમેન નથી. આવી સ્થિતિમાં વિરાટ કોહલી ગોલ્ડન બેટ જીતશે તે નિશ્ચિત માનવામાં આવે છે.

ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની સફળતામાં ભારતીય બોલરોની ભૂમિકા ઘણી મહત્વની રહી છે. જ્યાં મોહમ્મદ શમીએ પોતાની શાનદાર બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા અને 23 વિકેટ લીધી. શમી અત્યારે ગોલ્ડન બોલની રેસમાં સૌથી આગળ છે. જોકે એડમ ઝમ્પા 22 વિકેટ સાથે બીજા સ્થાને છે. પરંતુ ચાહકોને આશા છે કે શમી અન્ય કોઈ બોલરને આગળ આવવા દેશે નહીં. ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલ મેચમાં ચાહકોની નજર ફરી એકવાર શમી અને વિરાટ કોહલી પર રહેશે.

Most Popular

To Top