Dakshin Gujarat

મીની ગોવા તરીકે જાણીતા દમણમાં નમો પથ અને રામસેતુ પર દિવાળી વેકેશનને લઈ પર્યટકો ઉમટી પડ્યાં

દમણ: (Daman) મીની ગોવા (Goa) તરીકે જાણીતા બનેલા દમણમાં દિવાળી વેકેશન અને બેસતા વર્ષને લઈને પર્યટકોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું અને પર્યટકો અને દમણ તથા આસપાસના વિસ્તારના લોકોએ પોતાના પરિવાર સાથે દરિયા કિનારે મોજ મસ્તી કરી નવા વર્ષની ઉજવણી કરી હતી.

  • મીની ગોવા તરીકે જાણીતા બનેલા દમણમાં દિવાળી વેકેશન અને નવા વર્ષને લઈ પર્યટકોનું જોવા મળી રહ્યું છે ઘોડાપૂર
  • નાની દમણ નમો પથ અને મોટી દમણ રામ સેતુ પર પર્યટકોએ પરિવાર સાથે ખાણીપીણી અને મોજમસ્તી સાથે નવા વર્ષની ઉજવણી કરી

દિવાળી વેકેશન પડતાની સાથે જ પર્યટકો માટે હોટ ફેવરીટ ગણાતા અને ખાસ કરીને મીની ગોવા તરીકે જાણીતા બનેલા દમણમાં દક્ષિણ ગુજરાત સહિત બરોડા, અમદાવાદ અને મહારાષ્ટ્ર તથા મુંબઈ સહિતના પર્યટકો દમણની સહેલગાહે ઊમટી પડ્યા છે. જેને લઈ દમણમાં હાલના દિવસોમાં પર્યટકોનો મોટા પ્રમાણમાં જમાવડો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હિન્દુઓના નવા વર્ષ અને ભાઈબીજના દિવસે મોટી સંખ્યામાં પર્યટકો દમણના નાની દમણ સી-ફેસ સાઈટ પર બનેલા નમો પથ તથા મોટી દમણ લાઈટ હાઉસથી જામપોર બીચ સુધી બનેલા રામસેતુ રસ્તા પર પર્યટકોની ભારે ભીડ જોવા મળી હતી.

અહીં પર્યટકો પરિવાર સાથે દરિયા કિનારે ખાણીપીણી અને મોજ મસ્તીની સાથે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી કરી રજાઓનો આનંદ માણ્યો હતો. આ તરફ દરિયા કિનારે ખાણીપીણીનો નાનો મોટો ધંધો રોજગાર કરતા લોકોની દિવાળી પણ ઊમટી પડેલા પર્યટકોને લઈ સુધરી હતી. જ્યારે નાની દમણના દેવકા સ્થિત આવેલ તમામ હોટલો, બાર એન્ડ રેસ્ટોરન્ટ પણ પર્યટકોથી હાઉસફૂલ થઈ ગઈ હતી. આ તરફ નવા વર્ષ અને ભાઈબીજના તહેવારને લઈ મોટી સંખ્યામાં ઉમટી પડેલા પર્યટકોને લઈ શહેરના રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. જ્યારે દેવકા જામપોર પર પણ મોટી સંખ્યામાં વાહનોનો ખડકલો જોવા મળ્યો હતો. જે ટ્રાફિક વ્યવસ્થાને દમણ પોલીસે સુચારૂ રૂપથી પુનઃ કાર્યાન્વિત કર્યું હતું. ત્યારે દિવાળી વેકેશનને લઈ દમણમાં રોજે રોજ વિવિધ સ્થળોએથી પર્યટકો પ્રદેશની મુલાકાતે આવી પરિવાર સાથે મોજ મસ્તી કરી આનંદ ઉઠાવી રહ્યા છે.

Most Popular

To Top