Editorial

વર્લ્ડ બેન્કના કોન્ટ્રાક્ટ કર્મચારીઓની કફોડી હાલત: દીવા તળે અંધારું!

જેને આપણે વિશ્વ બેન્ક પણ કહીએ છીએ તે વર્લ્ડ બેન્ક આખા વિશ્વના દેશોને ધિરાણ આપવાનું, વિવિધ પ્રકારે સહાય કરવાનું, દુનિયાના દેશોમાંથી ગરીબી દૂર કરવાનું, આર્થિક અસમાનતા ઘટાડવાનું વગેરે કામ કરતી હોવાનું કહેવાય છે. આ બેન્ક આખા વિશ્વની આર્થિક સ્થિતિની ચિંતા કરે છે પણ હાલમાં એક અહેવાલ એવા આવ્યા છે કે વર્લ્ડ બેન્કના અમેરિકાના વૉશિંગ્ટન ખાતે આવેલા વડામથકમાં કામ કરતા કોન્ટ્રાકટ પરના કર્મચારીઓની હાલત ખૂબ કફોડી છે. તેમને એટલો ઓછો પગાર ચુકવાય છે કે તેમને પોતાનું ઘર ચલાવવામાં પણ મુશ્કેલી પડે છે અને ભોજન માટે ક્યારેક તો તેમણે સખાવતી કૂપનો પર આધાર રાખવો પડે છે. આ અહેવાલ ખરેખર જ આઘાત જનક છે. વિશ્વભરના કર્મચારીઓનો પગાર સુધરે તે માટે વર્લ્ડ બેન્ક પ્રયાસો કરતી હોવાનું કહેવાય છે પરંતુ તેના જ વડામથકમાં કામ કરતા કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓની કફોડી હાલત દીવા તળે અંધારું એ કહેવતને સાચી પાડતી જણાય છે.

આન્દ્રે બ્લોન્ટ નામનો એક કર્મચારી લગભગ છેલ્લા દસ વર્ષથી વર્લ્ડ બેન્કના વડામથકે આવતા મહાનુભાવોને ભોજન પીરસવાનું કામ કરે છે અને તે કહે છે કે તેને અત્યાર સુધી માત્ર એક પગાર વધારો મળ્યો છે અને તે પ૦ સેન્ટનો!
હાલમાં વિશ્વ બેન્કની વસંત બેઠકમાં ભાગ લેવા માટે વિશ્વભરમાંથી નેતાઓ વૉશિંગ્ટન ડીસીમાં હતા ત્યારે બ્લોન્ટ અને તેના સાથીદારો પોતાની દયાજનક સ્થિતિ તરફ સૌનું ધ્યાન દોરવા પ્રયાસ કરી રહ્યા હતા. આ કર્મચારીઓ એક એવી સંસ્થાના કાર્યક્રમોમાં ભોજન પીરસવાનું કામ કરે છે જે સંસ્થાનું કામ ગરીબી સામે લડવાનું છે, અને આ સંસ્થાના આ કર્મચારીઓ પોતે જ નાણાકીય સંઘર્ષ કરી રહ્યા છે.

યુનિયન લીડરો કહે છે કે વર્લ્ડ બેન્કના ચોથા ભાગના ચોથા ભાગના ફૂડ વર્કરો કોન્ટ્રાક્ટ પરના કામદાર તરીકે કાર્ય કરે છે અને તેઓ કમ્પાસ ગ્રુપ નોર્થ અમેરિકા મારફતે અહીં કોન્ટ્રાક્ટ કામદાર તરીકે જોડાયા છે. તેઓ પોતાના બે છેડા ભેગા કરવા માટે પબ્લિક બેનીફીટ અથવા ફૂડ સ્ટેમ્પો પર આધાર રાખે છે. આ કફોડી હાલત છે એમ ૩૩ વર્ષીય બ્લોન્ટ કહે છે જે વર્લ્ડ બેન્કની બહાર યુનિયન સભ્યો સાથે દેખાવો કરી રહ્યો હતો. વર્લ્ડ બેન્કના અધિકારીઓ આખી દુનિયામાં લોકોને કઇ રીતે મદદ કરવી તે માટે ચર્ચાઓ કરતા રહે છે પણ આ સંસ્થાના પોતાના જ સેંકડો કર્મચારીઓને ઘર ચલાવવામાં પણ મુશ્કેલી પડે છે.

બીજી બાજુ, વર્લ્ડ બેન્કની અંદર લોબીમાં એન્ડ પોવર્ટી(ગરીબીનો અંત લાવો) લખેલા ટી-શર્ટ્સ અને ટોટ બેગ્સ વેચાણ માટે મૂકાયેલ છે. આ બેન્કની ભવ્ય બિલ્ડિંગમાં મોંઘા કાફેટેરિયામાં ઉંચી બ્રાન્ડના રેસ્ટોરાંઓ આવેલા છે જ્યાં મોંઘાદાટ સૂપ્સ અને મોંઘી વાનગીઓ મળે છે. અહીં એ પ્રશ્ર થવો પણ સ્વાભાવિક છે કે આખા વિશ્વની ગરીબીની ચિંતા કરતી સંસ્થાના વડામથકની બિલ્ડિંગમાં આવા મોંઘા કાફેટેરિયાની શી જરૂર? સાદી સીધી કેન્ટિન કે રેસ્ટોરાંથી કામ નહીં ચાલી જાય? વર્લ્ડ બેન્કમાં ભારત, બાંગ્લાદેશ, ભુટાન અને શ્રીલંકા વગેરેથી આવતા પ્રતિનિધિમંડળો માટે ભોજન સમારંભો યોજાય છે અને આ ભોજન સમારંભમાં મોંઘી ડીશો જ પીરસાતી હશે, ધનવાન કે ગરીબ કોઇ પણ દેશોના નેતાઓ માટેના ભોજન સમારંભો તો આજે ખર્ચાળ જ હોય છે!

અને તેમને પીરસવાનું કામ કરતા કર્મચારીઓએ પોતે કુટુંબ માટે ભોજન મેળવવા સંઘર્ષ કરવો પડતો હોય તેવું પણ બની શકે છે એન વર્લ્ડ બેન્કમાં તો તેવું બનતું જણાયું જ છે. કામદાર યુનિયનના એક નેતા કહે છે કે વર્લ્ડ બેન્કનું કામ દરેક દેશના લોકોની આવક વધારીને ગરીબીનો અંત લાવવાનું છે પણ અમે માનીએ છીએ કે તેમણે શરૂઆત અહીં કામ કરતા ફૂડ સર્વિસ કર્મચારીઓથી કરવી જોઇએ, જેઓ સખત મહેનત કર્યા પછી પણ પોતાના ખર્ચાઓ ચુકવવામાં મુશ્કેલી અનુભવે છે. આ કર્મચારીઓને કલાકના ૧૭ કે ૧૮ ડોલર જેટલો પગાર મળે છે જ્યારે ઇનડેક્સ પ્રમાણે વૉશિંગ્ટન શહેરની મોંઘવારી જોતા અહીં વ્યક્તિને કલાકના ૨૨.૧૫ ડોલર પગાર મળે તે જરૂરી છે.

આજે વિશ્વમાં આર્થિક અસમાનતા ઘણી જ વધી છે. અને આર્થિક અસમાનતાનું એક મહત્વનું કારણ એ છે કે વિશ્વના સંખ્યાબંધ દેશોમાં સામાન્ય કર્મચારીઓના પગારો ખૂબ નીચા હોય છે. અબજોમાં આળોટતી ધનવાન કંપનીઓ પોતાના કર્મચારીઓનું બેફામ શોષણ કરીને વધુને વધુ નફો કમાઇને વધુને વધુ તગડી થતી જાય છે અને તેના સામાન્ય કર્મચારીઓને સારુ જીવનધોરણ મળી રહે તેટલો પગાર મળતો નથી તેવું વિશ્વના અનેક દેશોમાં જોવા મળે છે. યોગ્ય લઘુતમ વેતન ધારાનો સચોટ અમોલ બહુ ઓછા દેશોમાં થતો જણાય છે.

તેમાં પણ કોન્ટ્રાક્ટ પ્રથા આવી પછી તો કર્મચારીઓની સ્થિતિ ઓર કફોડી બની છે. વર્લ્ડ બેન્ક જેવા મંચો પર ચર્ચા કરવા ભેગા મળતા ધુરંધરોને આ બાબતની જાણ નહીં હોય તેવું ભાગ્યે જ બને, પણ તેઓ આ બાબતમાં કશું નક્કર કરતા નથી અને અમુક મર્યાદાઓને કારણે કરી શકતા નથી. પરંતુ વર્લ્ડ બેન્ક જેવી સંસ્થાએ પોતાના હેડ ક્વાર્ટરમાં કામ કરતા કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ અંગે તો કંઇક કરવું જ જોઇએ.

Most Popular

To Top