Comments

શાળા કોલેજોમાં શિયાળો એ વૈવિધ્ય સભર આવક કમાવાની ઋતુ છે

ઉત્તર ગુજરાતના નાના ગામની સ્કુલ બસને પ્રવાસમાં અકસ્માત નડ્યો અને 2 બાળકોના મૃત્યુ થયા પણ હાલ ગુજરાતમાં જે આનંદ ઉત્સવનો માહોલ છે. તેમાં આ સમાચાર સાવ જ દબાઈ ગયા. આમ પણ રાજકીય પક્ષોની એક-બે પાનાની જાહેરાતો અનેક ઉપયોગી સમાચારોનો ભોગ લઈને જ છપાતી હોય છે. શિયાળો આવે એટલે શાળા કોલેજોમાં વિવિધ પ્રવૃત્તિઓની મોસમ જામે. શિક્ષણ સાથે આ પ્રવૃત્તિઓ જરૂરી પણ છે નાના પ્રવાસ,રમત-ગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, યુવક મહોત્સવ, વાર્ષિકોત્સવ શિક્ષણ સંકુલને ઉત્સાહ અને રંગોથી ભરી દે છે. આવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીમાં સમૂહ જીવનના ગુણ ખીલવે છે, તેનામાં રહેલી શક્તિઓ બહાર લાવવામાં મદદ કરે છે. માત્ર વ્યવસાય લક્ષી અને પરિણામ લક્ષી થનાર બાળકો કે વાલીઓ વ્યક્તિત્વ વિકાસના અન્ય પાયાઓની ઉપેક્ષા કરે છે.

જોકે છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ વલણ વધ્યું છે. માતા પિતા જ બાળકોને શિક્ષણ સિવાયની કોઈ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા દેતા નથી પણ આ બધું ઉચ્ચ વર્ગ અને ઉંચી ફી વાળી શાળાઓમાં થાય છે.વળી, આજના સમયમાં મધ્યમ માર્ગી શાળા કોલેજોમાં આ તમામ પ્રવૃતિઓ સંચાલકો તો માત્ર આવક કમાવવા માટે જ હથિયાર રૂપ માને છે અને માટે પ્રવાસનું આયોજન હોય કે વાર્ષિકોત્સવ એ વિદ્યાર્થીઓના આંતરિક ગુણ ખીલવવા કરતા કમાણીનું સાધન છે.

 તાજેતરમાં જ ગુજરાતના શિક્ષણમંત્રીએ જાહેર કરવું પડ્યું કે, વિદ્યાર્થીઓ જ્યાંથી ઈચ્છે ત્યાંથી અને જેવું ઈચ્છે તેવું સ્વેટર ખરીદી શકશે. આ જાહેરાતને આપણાં સમાચાર માધ્યમોએ ચમકાવ્યા પણ ખરા પણ કોઈએ એ ન કહ્યું કે, આ કેવું શાસન જ્યાં શાળાઓ વિદ્યાર્થીઓને ફરજીયાત સ્વેટર ખરીદવા દબાણ કરે છે અને શિક્ષણમંત્રીએ વચ્ચે દખલ કરવી પડે છે અને સ્વેટર ખરીદવાની ફરજ પાડવી તે તો હિમશીલાની ટોચ છે. વાસ્તવમાં તો આ ઋતુ એ કમાણીની ઋતુ છે.

શાળા સંચાલકો હવે ખાનગી ટુર્સ ટ્રાવેલ સાથે ગઠબંધન કરી પ્રવાસમાં કમાણી કરે છે કોઈ પૂછતું નથી કે, શા માટે સરકારી બસોનો ઉપયોગ નથી થતો. વળી પ્રવાસના નામે વિદ્યાર્થી દીઠ 2-3 હજાર ઉઘરાવવામાં આવે છે વાલીઓ કે પત્રકારો કોઈને આ બાબત ઉઘાડી પડવી ગમતી નથી. વાર્ષિકોત્સવ પણ હવે ખાનગી સ્કુલોમાં કમાણીનું સાધન બન્યું છે. પહેલાં આવા સંસ્કૃતિક કાર્યક્રમ સ્કુલોના ખર્ચે થતાં હતા હવે આ કાર્યક્રમ વિદ્યાર્થીના ખર્ચે થાય છે. ડાન્સમાં ભાગ લેનારા વિદ્યાર્થી ડાન્સનો ડ્રેસ તે પોતાના ખર્ચે લાવે છે.

આપણે ક્યારેય વિચારતા નથી કે, સરકારનું મૂળભૂત કામ કાયદો વ્યવસ્થા જાળવવાનું છે. શાળા કોલેજો મનફાવે તેમ ફી ઉઘરાવી ન શકે. સલામતીના પગલાં લીધા સિવાય પ્રવાસનું આયોજન થઇ જ કેવી રીતે શકે. સ્કુલ ડ્રેસ,પુસ્તકો, સ્વેટર,સ્કુલ પાસેથી જ ખરીદવું તેવું કહી જ કેવી રીતે શકે?. આમાં રોજ એક એક બાબત માટે મંત્રીએ જાહેરાતો ના કરવાની હોય. શાળાઓ પ્રવેશ વખતે જ અદ્ભુત ફી ઉઘરાવી લે છે પછી વરસ દરમિયાન જુદાં જુદાં કારણોસર વાલીઓને ખંખેર્યા કરે તે કોઈ કાળે ચાલે નહી.

થોડાં વર્ષો પહેલાં અમદાવાદની સ્કુલના પ્રવાસમાં વિદ્યાર્થીના આકસ્મિક મૃત્યુ બાદ હાઈકોર્ટે કડક ચુકાદા આપ્યા અને શિક્ષણ વિભાગે કડક સૂચનાઓ જાહેર પણ કરી વર્ષ જતા આ સુચના ઘોળીને પી ગયા.વિભાગ પણ બધું ભૂલી ગયું. કોલેજો ડેવલપમેન્ટ કે સાંસ્કૃતિક પ્રવૃત્તિના નામે ફી ઉઘરાવી નહીં શકે તેવા ગુજરાત હાઈકોર્ટના 2-2 વારના ચુકાદા પછી પણ ગુજરતમાં કોલેજો બે ફામ ફી ઉઘરાવી રહ્યું છે.

પ્રશ્નો ઘણાં છે, મૂળ પ્રશ્ન એ છે કે, ગુજરાતમાં છેલ્લાં વર્ષોમાં પ્રજાકીય જાગૃતિમાં ઓટ આવી છે. સ્કુલ રીક્ષાઓમાં વિદ્યાર્થીઓ ભરવામાં આવે જ છે. ફીમાં લૂંટ ચાલે જ છે. ટ્યુશન પ્રથા તો મોટો વ્યવસાય બની છે. લાયકાત વગરના ઓછા પગારના શિક્ષકો,અધ્યાપકો ચારેકોર છે પણ હવે પ્રજા કે મીડિયામાં પહેલાં જેવો હોબાળો નથી, જાણે બધું કોઠે પડી ગયું છે. ખાનગી બસો, જીપમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અપ ડાઉન કરે છે.

શાળા-કોલેજ આજુબાજુ બિન આરોગ્યપ્રદ ખાવાનું મળે છે, ખવાય છે. સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ જીવના જોખમે ભણે છે. ઉત્તર ગુજરાતની સ્કુલ બસને અકસ્માત નડ્યો તેવા નાનાં મોટાં અકસ્માત થયા જ કરે છે અને છાપાના નાના ખૂણે સમાચાર છપાયા કરે છે. આપણી જવાબદારી પૂરી ખરેખર જે સમાજના જાહેર જીવનમાંથી નિસ્બત ખતમ થઇ જાય છે ત્યાં પ્રગતિ અટકી જાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top