Entertainment

અજય દેવગન અક્ષયકુમારને બોક્સઓફિસ પર ટક્કર આપશે?!

અક્ષયકુમારની ‘રામસેતુ’ની સાથે દિવાળી પર અજય દેવગનની ‘થેન્ક ગૉડ’ રજૂ થવાની જાહેરાત ટ્રેલરમાં થયા પછી કોની ફિલ્મ મેદાન મારી જશે એની ચર્ચા ચાલી છે. અક્ષયકુમારની છેલ્લી ઘણી ફિલ્મો નિષ્ફળ રહી છે ત્યારે અજયની સફળ રહી હોવાથી બોક્સઓફિસ પર તેનો હાથ ઊંચો રહેવાની શક્યતા છે. અજયની મહેમાન ભૂમિકાવાળી ‘RRR’ અને ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ ને સફળતા મળી હતી. એ ઉપરાંત તેના નિર્દેશનવાળી ‘રનવે 34’ પણ પ્રશંસા મેળવી ગઇ હતી. ફિલ્મ ‘શેરશાહ’ ના એક વર્ષ પછી સિધ્ધાર્થ દેખાવાનો હોવાથી વધુ મહત્ત્વની બની રહે એમ છે.

‘રામસેતુ’ ના હજુ પોસ્ટર જ આવ્યા છે અને એના કારણે અક્કી ટ્રોલ થઇ ચૂક્યો છે ત્યારે 25 ઓકટોબરે રજૂ થનારી અજયની ‘થેન્ક ગૉડ’ નું કોમેડીથી ભરપૂર ટ્રેલર આવી ચૂક્યું છે. જેને મિશ્ર પ્રતિભાવ મળ્યો છે. કેટલાકને એમાંની કોમેડી સડકછાપ લાગી છે તો ઘણાને પૈસા વસૂલ લાગી છે. નિર્દેશક ઇન્દ્રકુમારે ‘મસ્તી’ અને ‘ધમાલ’ થી કોમેડી ફિલ્મોમાં સિક્કો જમાવી દીધો હતો. એ સફળતાને તેઓ એ પછીની કોમેડી ફિલ્મોમાં દોહરાવી શક્યા નથી ત્યારે ‘થેન્ક ગૉડ’ ને અજય દેવગન અને સિધ્ધાર્થ મલ્હોત્રાના સ્ટાર પાવરને કારણે સારું ઓપનિંગ જરૂર મળી શકે છે. અજય પોતાના રૂઆબદાર અંદાજમાં જામી રહ્યો છે અને સિધ્ધાર્થ સહજ અભિનય કરવા સાથે જબરદસ્ત ઇમોશનલ દેખાઇ રહ્યો છે.

રકુલપ્રીત સિંહ પોલીસની દમદાર ભૂમિકામાં છે. ઇન્દ્રકુમારે કોમેડી સાથે દરેક મસાલા નાખ્યા છે. નોરા ફતેહીનું આઇટમ ગીત પણ દર્શકોને આકર્ષી શકે છે. બોક્સઓફિસ પર કોમેડી ફિલ્મનું ભવિષ્ય કેવું રહેશે એ કહેવું મુશ્કેલ હોય છે. . સિધ્ધાર્થ મલ્હોત્રાને અકસ્માત થાય છે અને તેની આત્મા ચિત્રગુપ્ત અજયના દરબારમાં પહોંચે છે. જ્યાં તેના કર્મોનો હિસાબ- કિતાબ શરૂ થાય છે. ‘રામસેતુ’ ની જેમ ‘થેન્ક ગૉડ’ સામે પણ કેસ થયો હોવાથી શરૂઆતથી જ વિવાદમાં આવી ગઇ છે. 3 મિનિટના ટ્રેલરમાં કોમેડી દ્રશ્યો ખાસ હસાવતા નથી પરંતુ નવા લુકમાં દેખાતા અજયનો એક સંવાદ ‘તુમ લોગ ભગવાન કો તો માનતે હો લેકિન ભગવાન કી એક ભી નહીં માનતે’ જરૂર લોકપ્રિય થઇ ગયો છે. ટ્રેલર મનોરંજન આપવાનો વાયદો તો કરી રહ્યું છે.

Most Popular

To Top