Comments

એક નાળિયેર એક પથ્થર

એક બહુ ઊંચું નારિયેળનું ઝાડ હતું.તેની પર સરસ પાણીદાર નાળિયેર ઊગ્યાં હતાં.નાળિયેરના ઝાડને તેની બધા કરતાં વધારે ઊંચાઈનું બહુ અભિમાન હતું.નાળિયેરના ઝાડની થોડે દૂર જ એક કાળા રંગનો ચમકદાર મોટો પથ્થર હતો.તે ત્યાં જ પડ્યો રહેતો અને આવતાં જતાંની ઠોકર ખાતો.નાળિયેરનું ઝાડ હંમેશા તે પથ્થરની મજાક ઉડાડતું કે તું તો કાળો છે, બદસૂરત છે. તારી કોઈ કિંમત નથી. તું તો હલી પણ શકતો નથી.મને તો જો ,મારી ઊંચાઈ જો,મારાં પાણીદાર ફળ,અહીં ઊંચાઈથી મને આખું ગામ દેખાય છે.નાળિયેરનું ઝાડ મનમાં જે આવે તે પથ્થરને બોલતું અને તેની મજાક ઉડાડતું.બધા નાળિયેર પણ પથ્થર પર હસતા.પથ્થર પાસે તેનો કોઈ જવાબ ન હતો. તે બિચારો બધું સાંભળતો, મનમાં જ સમસમીને બેસતો, કંઈ બોલી ન શકતો, પણ તેને બહુ જ દુઃખ થતું.

એક દિવસ ત્યાંથી એક મૂર્તિકાર પસાર થયો; તેનું ધ્યાન કાળા ચમકદાર પથ્થર પર પડ્યું.તે પથ્થરને એકનજરે જોઈ રહ્યો અને થોડી વાર સુધી જોયા બાદ તેને પોતાના ઓજારો કાઢીને સતત ત્રણ  દિવસ અને રાત મહેનત કરી તે તે પથ્થરમાંથી એક સરસ ભગવાનની મૂર્તિ બનાવી અને તે મૂર્તિ એટલી સરસ બની કે રાજાએ તે મૂર્તિ ખરીદી લીધી અને ગામમાં સરસ મંદિર બંધાવી ત્યાં તે મૂર્તિની સ્થાપના કરી.એક દિવસ જે બધાની ઠોકર સહેતો હતો તે જ પથ્થર આજે મૂર્તિ બની માન મેળવી રહ્યો હતો. એક દિવસ એક ભક્ત મંદિરમાં દર્શન માટે આવ્યો. તેના હાથમાં પેલા નાળિયેરના ઝાડ પર ઊગેલું નાળિયેર હતું.ભક્તે ભગવાનના ચરણમાં પ્રણામ કરી નાળિયેરને ભગવાનના ચરણ પાસે ફોડ્યું; જાણે નિયતિએ ન્યાય કર્યો.પોતાની ઊંચાઈ પર અભિમાન કરતા નાળિયેરના ઝાડ અને તેના નાળિયેરનું અભિમાન તૂટ્યું.જે પથ્થરની તેઓ સતત મજાક ઉડાડતા હતા આજે તેનાં જ ચરણોમાં સ્થાન મળ્યું હતું.

આ નાનકડી બોધ કથા સમજાવે છે કે તમે જયાં છો અને જે છો તે તમારી નિયતિ છે…ઉપર ઊઠવું …નીચે પડવું એ દુનિયાનો દસ્તુર છે.આજે સુખ તો કાલે દુઃખ …આજે નિષ્ફળતા તો કાલે સફળતા ..સમયનું ચક્ર ચાલ્યા જ કરે છે.માટે તમે જયારે સફળ હો , ઉપર હો અને આગળ વધી રહ્યા હો ત્યારે કોઈ નિષ્ફળ , બેબસ, નીચે પડનાર કે પાછળ રહી જનારની મજાક ન ઉડાડવી.બધાને સાથે લઈને આગળ વધવું અને તેમ ન કરી શકો તો હંસી તો ક્યારેય ઉડાડવી નહિ અને નુકસાન તો પહોંચાડવું જ નહિ.કોનો સમય  કયારે બદલાશે તે કહી શકાય નહિ.માટે કોઈની મજાક ન કરવી અને કોઈને નીચા ન ગણવા.           
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top