Dakshin Gujarat

કડોદરા: ઉભેલી બાઈક પતિએ અચાનક દોડાવતા પત્ની રસ્તા પર પડી અને ટ્રક નીચે કચડાઈને મૃત્યુ પામી

પલસાણા: સુરત (Surat) નજીક કડોદરા (Kadodara) નેશનલ હાઈવે પર વિચિત્ર અકસ્માતમાં (Accident) મહિલાએ પતિ અને દીકરીની નજર સામે જીવ ગુમાવ્યો છે. મહિલાના પતિએ બાઈક આગળ દોડાવતા આંચકો લાગતા મહિલા રસ્તા પર પડી ગઈ અને પાછળથી આવતી ટ્રકના ટાયર તેના શરીર પર ફરી વળ્યા હતા.

  • કડોદરા બારડોલી રોડ પર રહેતા ભંગારના વેપારી કિશનસિંહ ચુડાવતની પત્નીનું અકસ્માતમાં મોત
  • ટ્રાફિક ખુલતા પતિએ બાઈકને એકદમ જ દોડાવતા ઝટકો ખાઈને પત્ની રસ્તા પર પડી અને પાછળથી આવતી ટ્રકના પૈંડા તેના શરીર પર ફરી વળ્યા, ઘટના સ્થળે જ મોત થયું

કડોદરા ખાતે રહેતું દંપતી તેની દીકરી સાથે મોટર સાયકલ ઉપર કામ અર્થે નીકળ્યું હતું ત્યારે કડોદરા સીએનજી પેટ્રોલપંપ સામેના ચાર રસ્તા ઉપર ટ્રાફિક જામ હોવાથી મોટરસાયકલ ઉભી રાખી હતી. દરમિયાન ટ્રાફિક ખુલતાની સાથે બાઈક જોરમાં ઉપાડવા જતા પાછળ બેઠેલી મહિલા નીચે રસ્તા પર પડી ગઈ હતી. તે જ સમયે પાછળ આવતી એક ટ્રકના પૈંડા મહિલા પર ફરી વળતા તેનું ઘટના સ્થળે દીકરી અને પતિની નજર સામે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

આ ઘટનાની મળતી માહિતી અનુસાર કડોદરા નગર ખાતે બારડોલી રોડ પર આવેલી સાંઈ આશીર્વાદ કોમ્પલેક્સના શીતલ એપાર્ટમેન્ટમાં રહેતા અને સ્ક્રેપની દુકાન ચલાવી પરીવારનું ગુજરાન ચલાવતા કિશનસિંહ સરદારસિંહ ચુડાવત (ઉં.વ 44) ગઈકાલે મંગળવારે તેમનું બાઇક (નં. જીજે 21 ઇટી 2498) ને લઇ તેમની પત્ની લક્ષ્મીસિંહ (ઉં.વ 43) તથા તેમની દીકરી સોનલ (ઉં.વ 15) ને લઈ બાઇક પર કડોદરા નેશનલ હાઇવે 48 પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે કડોદરા સીએનજી પંપની સામે ટ્રાફિક જામ હતો. તેને પગલે તેઓ બાઇક લઈ ઉભા હતા.

જ્યારે ટ્રાફીક હળવું થયું તે સમયે કિશનસિંહએ તેમનું બાઇક આગળ હંકારતા બાઇકનો આંચકો લાગતા પાછળ બેઠેલી તેમની પત્ની લક્ષ્મીસિંહ બાઇક પરથી નીચે પડી પડી ગઈ હતી. તે જ સમયે પાછળથી આવી રહેલી ટ્રક (નં એચઆર 38 એસી 6026) ની નીચે આવી જતા ટ્રકનું ટાયર તેમની ઉપરથી પસાર થઇ ગયું હતું. જેને પગલે લક્ષ્મીસિંહનું ઘટના સ્થળે જ કમમાટીભર્યુ મોત નિપજ્યું હતું. આ અંગે કડોદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top