Vadodara

પત્નીને મારી મિલકતમાં રસ છે, તેથી વિવાદ સર્જી રહી છે: ભરતસિંહ સોલંકી

અમદાવાદ : પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીના તેમની પત્ની સાથેના વિવાદો હવે જગ જાહેર થયા છે, ત્યારે શુક્રવારે પ્રથમ વખત ભરતસિંહ સોલંકીએ તમામ બાબતો અંગે સ્પષ્ટતા કરી હતી. સાથે જ થોડાક સમય માટે સક્રિય રાજકારણમાંથી બ્રેક લેવાની પણ જાહેરાત કરી હતી. જોકે સામાજિક કામો જેમકે ક્ષત્રિય, ઠાકોર, ઓબીસી, આદિવાસી, દલિત સમાજના લોકોના સંગઠન અને પ્રચારમાં આજે જે સમય આપી રહ્યો છું, તેના કરતાં વધુ સમય આપીશ અને સંગઠનના માળખાને કઈ રીતે મજબૂત કરવામાં આવે તે માટેના પ્રયાસો કરીશ.

ભરતસિંહ સોલંકીએ પોતાની પત્નીના વિવાદ અંગે તેમજ તાજેતરમાં વાયરલ થયેલા વિડીયો અંગે મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી હતી, કે મારી 30 વર્ષની જાહેર જીવનની કારકિર્દીમાં ક્યારે પણ ભ્રષ્ટાચાર, તકરાર કે અન્ય કોઈપણ પ્રકારનો કોઈ જ વિવાદ કે આક્ષેપ થયો નથી, પરંતુ ચૂંટણીઓ આવવાની સાથે જ મારી સામે વાતને તોડી મરોડીને રજૂ કરી ખોટા આક્ષેપો – વિવાદ કરવામાં આવી રહ્યા છે. જે મારી 30 વર્ષની રાજકીય કારકિર્દીને ખતમ કરવાના પ્રયાસો છે, મારી પત્નીને મારી મિલકતમાં જ રસ છે. તે હું ક્યારે મરું તેની જ રાહ જોતી હોય છે. તેણે અનેક વખત દોરા-ધાગા, ભુવાઓ પાસે હું ક્યારે મરીશ તેવું પૂછાવ્યું હતું.

ભરતસિંહ સોલંકીએ વધુમાં કહ્યું હતું કે જ્યારે મને કોરોના થયો હતો અને મારી સ્થિતિ નાજુક હતી તે સમયે પણ મારી પત્નીએ મને પૂછ્યું હતું કે મારું શું?, તમારા પછી મારી પ્રોપર્ટીનું શું થશે? તે સમયે પણ તે મારી પાસે પ્રોપર્ટી માંગતી હતી તેને માત્ર ને માત્ર મારી પ્રોપર્ટીમાં જ રસ છે. મેં મારી તમામ સામાજીક ફરજ બજાવી છે. ક્યાંય કાઢી મુકી નથી. તે મારા પોતાના ઘરમાં ઘુસી ગઈ છે. તેમ છતાં હું મારા જુના મકાનમાં રહું છું. સામાજીક રીતે આ વિવાદને ઉકેલવા તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ તે કોઈપણ રીતે માનવા તૈયાર નથી. બસ મને બદનામ કરવા કોંગ્રેસ વિરોધી ખોટા લોકોના હાથ બની રહી છે.

મારું માનવું હતું કે ઘરની વાત ઘરમાં જ રહે તો સારું, વાત બહાર ન જાય તેવો મારો હંમેશા પ્રયાસ હતો, પરંતુ જ્યારે વાત જીવ ઉપર આવી જાય છે, ત્યારે નાછૂટકે મારે મારા અંગત જીવનની વાતોને જાહેરમાં કરવી પડે છે. મારી પત્ની સાથે છુટાછેડા અંગે કોર્ટમાં કેસ પડતર છે, મારી પાસે અનેક પુરાવો છે, જે હું કોર્ટમાં રજુ કરીશ. મારે આ તબક્કે મારી પત્ની સામે કોઇ જ આક્ષેપો કરવા નથી.

તાજેતરમાં જ વાયરલ થયેલા વિડીયો અંગે તેમણે કહ્યું હતું કે તે યુવતીના ઘરે હું આઈસક્રીમ ખાવા માટે ગયો હતો. આ યુવતીને ઘણા સમયથી જાણું છું અને તેની સાથે પારિવારિક સંબંધો પણ છે. એ યુવતીના ઘરમાં મારી પત્ની સાથે કેટલાક લોકો ત્યાં આવ્યા હતા અને ધમાલ મચાવી હતી. આ ઘટના અંગે આગળ જે કંઈ કરવાનું હશે, તે કાર્યવાહી કરવામાં આવશે ત્યારે વધુ સ્પષ્ટ થઇ જશે. મારે ત્રીજા લગ્ન કરવા છે, મને કોઈ સ્વીકારવા તૈયાર હશે તો, મારું ત્રીજું લગ્ન પણ થશે. હાલમાં હું મારા છૂટાછેડાની રાહ જોઈ રહ્યો છે.

મીડિયા દ્વારા મારા નિવેદનોને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યાં છે : ભરતસિંહ
ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે મીડિયા દ્વારા મારા નિવેદનોને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે. હું હિન્દુ ધર્મનો રક્ષક છું. રામનું મંદિર બને તો ભારતને આનંદ થાય એ વાત હું ૨૫ વર્ષથી કહેતો આવ્યો છું. રામ મંદિરમાં સૌની ભાગીદારી છે. હું હિન્દુ ધર્મનો હિમાયતી અને સાચો રક્ષક છું, પરંતુ દરેક વાતને રાજકીય રંગ આપવામાં આવે છે.

Most Popular

To Top