Business

ફિનલેન્ડ કેમ દુનિયાનો સૌથી ખુશ દેશ છે?

સંયુક્ત રાષ્ટ્ર સંઘ પ્રાયોજિત 2022ના વર્લ્ડ હેપીનેસ ઈન્ડેક્સમાં ફિનલેન્ડ પ્રથમ ક્રમે આવ્યો છે. ભારત ગયા વર્ષે 139 ક્રમે હતું. આ વર્ષે તેમાં સાધારણ સુધારો થયો છે અને તે 136મા ક્રમે આવ્યું છે. UNના સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ સોલ્યુશન નેટવર્ક દ્વારા જારી આ ઇન્ડેકસમાં ફિનલેન્ડ લગાતાર 5મા વર્ષે પ્રથમ ક્રમે છે. તેની સાથે યુરોપના જ ડેન્માર્ક, આઈસલેંડ, સ્વિત્ઝર્લેન્ડ અને નેધરલેંડ પણ સૌથી સુખી 5 દેશોમાં છે.

આ ઇન્ડેકસ, સામાન્ય રીતે પ્રતિ વ્યક્તિ GDP, સામાજિક સહયોગ, આયુષ્ય સીમા, જીવન જીવવાની સ્વતંત્રતા, ઉદારતા અને ભ્રષ્ટાચારની ધારણા જેવા માપદંડો પર તૈયાર થાય છે. તેમાં લોકોની ખુશહાલ જિંદગીની સાથે-સાથે આર્થિક અને સામાજિક આંકડાઓ પણ ધ્યાનમાં લેવામાં આવે છે. આને જો ઉદાહરણથી સમજવું હોય તો ફિનલેન્ડની વાત કરવી જોઈએ.
55 લાખની વસ્તીવાળો આ દેશ તેની પ્રાકૃતિક સુંદરતા માટે દુનિયાભરમાં અવ્વલ છે. તેની પાસે પ્રાચીન જંગલ અને સમૃદ્ધ વન્ય જીવન છે. તેની સાથે, ત્યાંના ઓછા પ્રદૂષણ અને સ્વચ્છ હવા-પાણીને જોડી દો તો સમજી શકાય છે કે રહેવા માટે આ દેશ ઉત્તમ છે. ફિનલેન્ડનું ઉચ્ચ જીવનસ્તર, સુવિધાઓ અને અન્ય સિસ્ટમ્સ યુરોપના અન્ય દેશોની સરખામણીએ ઉત્કૃષ્ટ છે. અહીંની સરકારની નીતિઓ જનકલ્યાણ માટે હોય છે.

ફિનલેન્ડની સ્વાસ્થ્ય સેવા ઉત્તમ છે એટલું જ નહીં, નિ:શુલ્ક છે. તેની કાનૂન-વ્યવસ્થા શ્રેષ્ઠ છે. અપરાધ નહીંવત છે. પરિણામે લોકો સુરક્ષિત મહેસૂસ કરે છે. તેની શિક્ષણ વ્યવસ્થા પૂરા યુરોપમાં ઉત્તમ છે. તે લોકોને રોજગાર માટે લાયક તો બનાવે છે, સાથે-સાથે બહેતર અને સુખી જીવન કેમ જીવાય તેની સમજ પણ આપે છે. ફિનલેન્ડમાં માત્ર મધ્યમ વર્ગ છે. ગરીબી બહુ ઓછી છે. કોઈ બેઘર કે ભિખારી નથી. ગરીબ હોય તેને પણ શિક્ષણ અને સ્વાસ્થ્યની સમાન સુવિધા મળે છે. અમીર લોકો તેમની અમીરીનું પ્રદર્શન નથી કરતા.

ફિનલેન્ડમાં સ્ત્રી-પુરુષો વચ્ચે સામાજિક-આર્થિક-રાજકીય સમાનતા છે. ફિનલેન્ડના બંધારણમાં ધાર્મિક સ્વતંત્રતાની ખાતરી આપવામાં આવી છે. દેશમાં ભેદભાવને સ્થાન નથી. તેના બંધારણમાં બે પંક્તિ ખૂબસૂરત છે, “કોઈ પણ વ્યક્તિને તેના લિંગ, ઉંમર, વંશ, ભાષા, ધર્મ, શ્રદ્ધા, અભિપ્રાય, સ્વાસ્થ્ય, પંગુતા કે અન્ય કોઈ વ્યક્તિગત કારણોસર અલગથી જોવામાં નહીં આવે.”
યુરોપના અન્ય દેશોમાં પણ વધતાઓછા અંશે આ જ માપદંડો છે અને એટલે જ હેપીનેસ ઇન્ડેકસમાં દુનિયાના સૌથી સુખી 5 દેશો યુરોપિયન છે.

ભારત છેલ્લાં 7 વર્ષથી તળિયે છે. 2014માં, ભારતનો ક્રમ 111 હતો. તે પછી તે લગાતાર ગબડતો રહ્યો છે. 2018માં ભારત 133મા ક્રમે આવ્યું, ત્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ કહ્યું હતું કે, “આપણા દેશની આર્થિક પ્રગતિ છતાં, ભારત હેપીનેસ ઇન્ડેકસમાં પાછળ પડી રહ્યું છે. આનો અર્થ એ થયો કે વિકાસ માટે સર્વગ્રાહી અભિગમનો અભાવ છે. પ્રણવદાએ ત્યારે કહ્યું હતું કે નાગરિકોમાં સુખાકારીમાં સુધારો કરવા માટે સામાજિક, પર્યાવરણીય અને નાણાંકીય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

ભારતે 1991માં ઉદારીકરણનો રસ્તો અપનાવ્યો ત્યારથી સરકારો આંકડાઓ જાહેર કરીને દેશની આર્થિક વ્યવસ્થાનું ગુલાબી ચિત્ર પેશ કરતી રહી છે. વૈશ્વિક સર્વે પણ બતાવે છે કે ભારત તેજીથી વિકસી રહેલી અર્થવ્યવસ્થા છે અને દેશમાં અમીર લોકોની સંખ્યામાં લગાતાર વધારો થઇ રહ્યો છે. મીડિયામાં પણ બજારોના ચકાચોંધવાળા સમાચારો આવતા રહે છે. તેના પરથી એવું ચિત્ર ઊભું થાય છે કે લોકો એકદમ ખુશ છે, ધૂમધામથી ઉત્સવો મનાવે છે, બજારોમાં ખરીદી કરે છે, હરવા-ફરવા જાય છે અને ખાઈ-પીએ છે.

2014મા 111 ક્રમે ભારત હતું, ત્યારથી શેરબજારમાં તેજી જ રહી છે, પણ બીજી તરફ વર્લ્ડ હેપીનેસ ઈન્ડેક્સમાં તેનું સ્થાન ગબડતું રહ્યું છે. તેના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે સમાજના સુખનો માપદંડ આર્થિક પ્રગતિ નથી. એવું જો હોત, તો અમેરિકા (19), બ્રિટન (17) સંયુક્ત અરબ અમીરાત (24) કે ચીન (82) 10 સૌથી સુખી દેશના ક્રમમાં હોવા જોઈતા હતા. પહેલી વાત તો GDPથી દેશનો વિકાસ માપવામાં આવે છે પરંતુ તેને લઈને ઘણા સવાલો છે. GDP દેશની કુલ અર્થવ્યવસ્થાની ગતિનો સંકેત આપે છે પણ તેનો ફાયદો સામાન્ય લોકો સુધી પહોંચે છે કે નહીં તે ખબર નથી પડતું.
1974માં રીચાર્ડ ઈસ્ટરલીન નામના એક અર્થશાસ્ત્રીએ શોધી કાઢ્યું હતું કે અમેરિકામાં 1946થી 1970 વચ્ચે GDPમાં 65%ની વૃદ્ધિ થઇ હતી પણ સરેરાશ જીવનનો સંતોષ સ્થિર થઇ ગયો હતો. ઈસ્ટરલીને કહ્યું કે આર્થિક મંદી કામચલાઉ દુઃખ લાવે છે પણ લાંબાગાળાના GDPના વિકાસથી સુખ આવે તે જરૂરી નથી.

આર્થિક વિકાસનો એક વિરોધાભાસ છે કે તમારે એ કરતા જ રહેવું પડે, એમાં પાછા જવાનો માર્ગ બંધ થઇ જાય. સાઇકલ છોડીને સ્કૂટર ચલાવ્યું તેનાથી સુખ વધ્યું ના હોય તો પાછા સાઇકલ પર ના જવાય, આગળ મોટરકાર પર જ જવું પડે. આપણે આપણા જંગલવાસી પૂર્વજો કરતાં આજે અનેકગણા સમર્થ છીએ પણ આપણે ઇતિહાસમાં સૌથી સુખી છીએ? કંદમૂળ ખાતા અને પશુની ચામડી પહેરતા આપણા પૂર્વજોએ જે સ્વર્ગની કલ્પના કરી હતી, એ ઓલરેડી આજે સાકાર થઇ છે અને છતાં આપણે ‘અચ્છે દિન’નું સુખ મહેસૂસ નથી કરતા.

Most Popular

To Top