Columns

ભાજપ જાતિઆધારિત વસતિગણતરીથી કેમ ડરે છે?

ભારતના રાજકારણમાં જાતિનું પરિબળ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભારતનું બંધારણ બિનસાંપ્રદાયિક છે, પણ ચૂંટણીના સમયે રાજકીય પક્ષો જાતિ અને ધર્મના આધારે ઉમેદવારો ઊભા રાખે છે અને તેના આધારે મત પણ માગે છે. ભારતમાં બ્રિટીશ રાજ હતું ત્યારે ૧૮૭૨ માં વસતિગણતરીનો પ્રારંભ થયો. ત્યારથી લઈને ૧૯૩૧ સુધી બ્રિટીશરો જાતિઆધારિત વસતિગણતરી કરતા હતા. ભારતને સ્વતંત્રતા મળી તે પછી ૧૯૫૧ માં પહેલી વખત વસતિગણતરી થઈ ત્યારથી આજ સુધી ભારતમાં જાતિઆધારિત ગણતરી કરવામાં આવતી નહોતી.

વસતિગણતરી દરમિયાન વનવાસી અને દલિતોની વસતિ અલગથી ગણવામાં આવતી હતી; પણ અધર બેકવર્ડ ક્લાસ (ઓબીસી) તરીકે ઓળખાતી જાતિઓની વસતિ અલગ ગણવામાં આવતી નથી. ૨૦૧૧ માં યુપીએનું રાજ હતું ત્યારે વસતિગણતરી દરમિયાન જાતિ, ધર્મ વગેરે માહિતી ભેગી કરવામાં આવી હતી, પણ તેનો ડેટા ક્યારેય જાહેર કરવામાં આવ્યો નહોતો. હવે ભારતના લગભગ તમામ વિપક્ષો ભેગા થઈને ૨૦૨૧ ની વસતિગણતરી જાતિઆધારિત કરવાની માગણી કરી રહ્યા છે, પણ ભાજપને ડર છે કે તેથી નવા સવાલો પેદા થશે; માટે સરકાર તેના માટે તૈયાર નથી.

ભારતમાં ૧૯૫૦ થી સરકારી નોકરીમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં દલિત અને વનવાસીઓ માટે ક્વોટાની ફાળવણી કરવામાં આવે છે, જેને અનુક્રમે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. ૧૯૭૯ માં કેન્દ્ર સરકારે અન્ય પછાત જાતિઓ નક્કી કરવા માટે મંડલ કમિશનની રચના કરી હતી, જેના હેવાલમાં ઓબીસીને ૨૭ ટકા અનામત આપવાની ઘોષણા કરવામાં આવી હતી, પણ સરકાર તેનો અમલ કરતાં ડરતી હતી. છેવટે ૧૯૯૦ માં વી.પી.સિંહની સરકારે તેનો અમલ કર્યો તેને કારણે દેશમાં અનામતવિરોધી રમખાણો ફાટી નીકળ્યાં હતાં. આ રમખાણોને કાબૂમાં રાખવામાં નિષ્ફળ જવાને કારણે વી.પી. સિંહ સરકારનું પતન થયું હતું.

મંડલ પંચની ભલામણોનો અમલ કર્યા પછી ઉત્તર ભારતના રાજકારણમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું હતું. ઉત્તર પ્રદેશ અને બિહાર જેવાં રાજ્યોમાં જાતિના આધારે રાજનીતિ કરતાં રાજકીય પક્ષોનો ઉદય થયો હતો અને તેઓ સત્તા પર પણ આવ્યા હતા. ઉત્તર પ્રદેશમાં મુલાયમ સિંહ યાદવનો અને બિહારમાં લાલુપ્રસાદ યાદવનો પક્ષ સત્તા પર આવ્યો તેમાં મંડલ કમિશનને કારણે પેદા થયેલી યાદવ-કૂર્મી મતબેન્કનો બહુ મોટો ફાળો હતો. ઉત્તર પ્રદેશમાં માયાવતી અને બિહારમાં નીતીશકુમાર જેવા નેતાઓ પણ પછાત વર્ગની રાજનીતિના કુશળ ખેલાડીઓ હતા. મંડલ પંચને કારણે આ બે રાજ્યોમાં ભાજપ અને કોંગ્રેસ જેવા બે મોટા રાષ્ટ્રીય પક્ષોને દાયકાઓ સુધી સત્તાથી વંચિત રહેવું પડ્યું હતું. બિહારમાં ભાજપે નીતીશકુમાર સાથે યુતિ કરી તે પછી તે સત્તા પર આવી શક્યો હતો તો ઉત્તર પ્રદેશમાં તેણે સત્તા પર આવવા માટે છેક ૨૦૧૭ સુધી રાહ જોવી પડી હતી.

ભારતમાં ઓબીસીની વસતિ કુલ વસતિના આશરે ૫૨ ટકા હોવાનું માનવામાં આવે છે. દેશની અડધા કરતાં વધુ વસતિ ધરાવતા વર્ગ માટે ૨૭ ટકાની અનામત રાખવામાં આવી છે તે પણ એક જાતનો અન્યાય જ છે. જો કે ઓબીસીને ૨૭ ટકા અનામત આપવામાં આવી તેનો પણ વગદાર સવર્ણો દ્વારા ૧૯૯૦ માં વિરોધ કરવામાં આવ્યો હતો અને દેશભરમાં તોફાનો કરવામાં આવ્યાં હતાં. કેન્દ્ર સરકારને ડર છે કે જો જાતિઆધારિત વસતિગણતરી કરવામાં આવશે તો તેમાં ઓબીસીનો હિસ્સો વધુ જણાતાં સ્થાનિક પક્ષો તેમના માટે વધુ અનામતની માગણી કરીને તેમની લાગણીઓ ઉશ્કેરશે. સુપ્રિમ કોર્ટના ચુકાદાને કારણે સરકાર તેમને વધુ ટકા અનામત આપી નહીં શકે, જેનું રાજકીય નુકસાન તો કેન્દ્રમાં સત્તા પર રહેલા ભાજપ પક્ષને જ ભોગવવું પડશે. આ કારણે ભાજપ જાતિઆધારિત વસતિગણતરીનો વિરોધ કરે છે, પણ સ્થાનિક પક્ષો તેની તરફેણ કરે છે.

૧૯૯૦ સુધી ભારતમાં અનુસૂચિત જાતિઓ (દલિતો) માટે ૧૫ ટકા અને અનુસૂચિત જનજાતિઓ (વનવાસીઓ) માટે ૭.૫ ટકા અનામત રાખવામાં આવતી હતી. મંડલ પંચના અમલને પગલે ઓબીસી માટે ૨૭ ટકા અનામત રાખવામાં આવતાં અનામતનો કુલ આંકડો ૪૯.૫ ટકા પર પહોંચી ગયો હતો. ગુજરાત જેવાં કેટલાંક રાજ્યો દ્વારા પાટીદાર જેવી કોમને રાજી કરવા માટે બીજા પાંચ ટકા અનામતની જાહેરાત કરવામાં આવી હતી, પણ સુપ્રિમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે કોઈ સંયોગોમાં અનામતની ટકાવારી ૫૦ ટકાથી વધવી જોઈએ નહીં. ભાજપને ડર છે કે જો જાતિઆધારિત વસતિગણતરી કરવામાં આવશે તો ટકાવારી વધારવાની માગણી થશે.

ભાજપે ૨૦૧૪ ની અને ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવી તેની પાછળ સવર્ણ હિન્દુઓ ઉપરાંત દલિતોનો અને ઓબીસીનો ટેકો પણ કામ કરી ગયો હતો. ભારતમાં કોઈ પણ રાજકીય પક્ષ ૫૦ ટકાથી વધુ વસતિ ધરાવતા ઓબીસીના ટેકા વગર ચૂંટણી જીતી શકે નહીં તે દીવા જેવી સ્પષ્ટ બાબત છે. દલિતો, વનવાસીઓ અને ઓબીસીના લોકો હિન્દુ સમાજનો જ ભાગ છે તે હકીકત ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ ગઈ હતી. ભાજપે મંડલ પંચની રાજનીતિનો મુકાબલો કરવા માટે કમંડલ (હિન્દુત્વ) ની રાજનીતિનો આશરો લેવો પડ્યો હતો. તેમાં ટ્રિપલ તલાક, સીએએ, લવજિહાદ અને રામમંદિર જેવા મુદ્દાઓનો ઉપયોગ કરવો પડ્યો હતો.

જો લોકસભાની ૨૦૦૯ ની, ૨૦૧૪ ની અને ૨૦૧૯ ની ચૂંટણીનાં પરિણામો પર નજર નાખીએ તો ખ્યાલ આવશે કે ૨૦૧૪ માં અને ૨૦૧૯ માં ભાજપે ઓબીસીની મતબેન્કમાં મોટું ગાબડું પાડ્યું છે, જેને કારણે તેને સ્પષ્ટ બહુમતી મળી હતી. ૨૦૦૯ માં ઓબીસીના ૨૨ ટકાએ ભાજપને મત આપ્યા હતા, પણ ૪૨ ટકાએ સ્થાનિક પક્ષોને મત આપ્યા હતા. એક દાયકામાં ભાજપે ઓબીસી મતબેન્કમાં મોટું ગાબડું પાડ્યું હતું.

૨૦૧૯ માં ૪૪ ટકા ઓબીસી મતો ભાજપને મળ્યા હતા; જ્યારે સ્થાનિક પક્ષોને માત્ર ૨૭ ટકા મતો જ મળ્યા હતા. આ સમય દરમિયાન કોંગ્રેસને મળતા ઓબીસી મતોની ટકાવારીમાં ખાસ કોઈ ફરક પડ્યો નહોતો, કારણ કે તેની મતબેન્ક ઓબીસી નથી. તો પણ ભાજપની મુસીબત એ છે કે તેને લોકસભાની ચૂંટણીમાં જેટલો ઓબીસીનો ટેકો મળે છે તેટલો ટેકો રાજ્યની વિધાનસભાની ચૂંટણી વખતે મળતો નથી. દાખલા તરીકે ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ૧૪ ટકા ઓબીસીના મતો સમાજવાદી પાર્ટીને મળ્યા હતા, પણ વિધાનસભાની ચૂંટણીમાં તેને ૨૯ ટકા મતો મળ્યા હતા. બિહારની પરિસ્થિતિ પણ ઉત્તર પ્રદેશ જેવી જ છે.

ભાજપને ડર છે કે જો જાતિઆધારિત વસતિગણતરી કરવામાં આવે તો બંધારણ સુધારીને પણ ઓબીસીનો ક્વોટ ૨૭ ટકાથી વધારવાની ફરજ પડશે, જેને કારણે ભાજપની સવર્ણ મતબેન્ક નારાજ થઈ જાય તેવી પૂરી સંભાવના છે. વળી જો સરકાર સુપ્રિમ કોર્ટના ચુકાદાને કારણે ઓબીસીની અનામતની ટકાવારી વધારી ન શકે તો ભાજપની ગોળા સાથે ગોફણ પણ ચાલી જાય તેમ છે. મંડલ પંચના હેવાલને કારણે ૧૯૯૦ માં ભાજપને જે આંચકો લાગ્યો તેમાંથી તે માંડ બહાર આવ્યો છે. તેના માટે તેણે ઘણું સેટિંગ કરવું પડ્યું છે. માટે હવે જાતિઆધારિત વસતિગણતરી કરીને તે વીંછીનો દાબડો ખોલવા માગતો નથી. માટે જ વિપક્ષો તેની માગણી બુલંદ બનાવી રહ્યા છે.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top