Comments

કોર્ટ અને પોસ્ટ ઑફિસ ૨૪ કલાક માટે કેમ ન ચાલે?

દેશની અતિ વિશાળ વસ્તી, તેના પ્રમાણમાં અલ્પ મૂડી અને સાધનો, બિનપિયત જમીન અને અવિકસિત સુવિધાઓના કારણે લોકો નિરંતર ભીડ, ભૂખ અને ભયાવહ સંઘર્ષ વેઠી રહ્યા છે ત્યારે સ્થિતિના ઉપાય તરીકે તાજેતરમાં એક એવું સૂચન ચર્ચાયું કે વ્યક્તિ પોતાની શારીરિક મર્યાદામાં રહી ભલે ૮-૧૦ કલાક કામ કરે, પરંતુ ઉદ્યોગ માફક ન્યાય, શિક્ષણ, સરકારી સેવાઓ ૧૬ થી ૨૦ કલાક માટે ન વિસ્તારી શકાય? ભૌતિક સાધન-સુવિધાઓમાં આર્થિક રોકાણો વધારવા કરતાં વિકાસનો દોર ડબલ શિફ્ટમાં વહેંચી ન શકાય?

૨૦૧૯-૨૦ના વર્ષમાં રાજ્યના દરિયા કાંઠા ઉપરાંત મુખ્ય ૬૩ જળાશયો તેમજ ૧૪ વહેતી નદીઓમાં ૨૨૮.૩૩ ટન માછલીઓ પકડવામાં આવી. માછીમારોનું કામ રાત્રિ અને દિવસ તેમ બે ભાગમાં સતત પ્રક્રિયા તરીકે થાય છે. રાજ્યના ૧૦૭,૬૦૯ કિલોમીટરના માર્ગ ઉપર દોડતાં ૫૬ લાખ વાહનો માટેના ૭.૧૧ લાખ લિટર ડીઝલ અને પેટ્રોલની ખપત, રસ્તા અને વાહનોના અવિરત સંબંધની અસરકારતા દર્શાવે છે. રાજ્યનાં ૧૮,૪૧૨ પી.એસ.સી. સેન્ટરો અને દવાખાનાંમાં સારવાર મેળવેલાં ૧૪૫.૬૭ લાખ આઉટ ડોર પેશન્ટ અને ૮૫ લાખ ઇન્ડોર પેશન્ટની વિગતોમાં આરોગ્ય સેવાનું દીર્ઘકાલીન આયોજન સ્પષ્ટ થાય છે. એક કરતાં વધુ ડૉકટરો, ઇજનેરો અને ખેડૂતો પોતાનાં સાધનોને વધુ કલાક માટેની સેવા માટે જોડે છે તો એક શાળા, પંચાયત કે ન્યાયાલયમાં કામકાજનો સમય કેમ ન વિસ્તરે?

યોજના આયોગના અહેવાલમાં સાધનોના બેવડા ઉપયોગની ચર્ચા મૂકી છે. પરંતુ બેવડા ઉપયોગના વિચારની મર્યાદા એ બને છે કે આપણા દેશમાં જેટલી ગરીબી પૈસાની છે તેથી વિશેષ ગરીબી માનવીય મૂલ્યો અને ગુણવત્તાની છે. વાસ્તવિક રીતે પરિસ્થિતિ એ રહે છે કે ગમે તેટલી બેરોજગારી જણાય, પરંતુ સંસ્થા, ઉદ્યોગ કે એકમો માટે કામનો માણસ મળતો નથી. કોઈ પણ પ્રવૃત્તિના સંચાલન માટે માણસોમાં જે પ્રકારે નિષ્ઠા, ખંત અને પ્રામાણિકતાની અપેક્ષા હોય છે તે અપેક્ષા બર લાવે તેવાં માણસો શોધ્યાં જડતા નથી!

ભારત જેવા વિકસતા રાષ્ટ્ર માટે સંસાધનોના અસરકારક ઉપયોગની ચિંતામાં વજૂદ છે, પરંતુ ગાંધીજીના સાધનશુદ્ધિના દૃષ્ટિકોણથી જોતાં ખાદીમાં વીજળી અને સિન્થેટિક યાર્ન જેવા મુદ્દે ગાંધીવિચારધારામાં ભાગ થયા છે. નાની અને મોટી સિંચાઈ યોજનાની પરસ્પરની સંકલિત ઉપયોગિતા વિષે પાણીની તરફદારી કરતાં લોકો એકમત સાધી શકતાં નથી. આ અને આવાં અનેક ક્ષેત્રોમાં ઉદાહરણ આપી શકાય ત્યારે એક સાધન કે વ્યવસ્થા ઉપર બેવડા પ્રયત્નોને લાગુ પાડવાના વિચાર સાથે એકમતી સાધી શકાશે?

વ્યવસ્થાના બેવડા ઉપયોગની વાત થાય ત્યારે વાત માત્ર સેવાક્ષેત્ર પૂરતી મર્યાદિત રહેતી નથી. પરંતુ કામ માટે જરૂરી કાચો માલ ઉત્પાદિત માલનું બજાર પણ પરસ્પર સંકળાયેલ હોય છે અને સરવાળે ખેતી અને ખાણ તમામ ચીજોની જનની કહેવાય છે ત્યારે પાણી વિના કે વીજળી વિના ગાડું ઝડપ પકડી શકશે? સાધનોના બેવડા ઉપયોગની ચર્ચા સમયે બેંક વ્યાજ અને ભાવાંકનો સુમેળ, લિગ્નાઇટ-ઑઇલ અને વૃક્ષના પરિપકવ જથ્થા વચ્ચે પણ મર્યાદિત વપરાશ, દુષ્કાળની અને હોનારતની સંભાવનાઓ સામે અનાજસંગ્રહ, મર્યાદિત વીજઉત્પાદન ઇત્યાદિ બાબતોનો પણ વિચાર થવો ઘટે.

ઉદાહરણરૂપે રાજ્ય નાણાં નિગમોએ ગત વર્ષે નાનાં ઔદ્યોગિક એકમો માટે રૂ.૯૩૧.૧૮ કરોડની લોન મંજૂર કરેલ હોવા છતાં બીજાં ૭,૭૨૮ એકમો માટે અંદાજીત રૂ. ૧૮૦૦ કરોડની ખોટ રહી છે. ગરીબો માટે મફત ઘરથાળ યોજના અન્વયે માત્ર ગુજરાતમાં ૭,૫૦૦ પ્લોટનું વિતરણ થયું છે. આમ છતાં નાણાંકીય સાધનોના અભાવે રાજ્યમાં હજુ ૨૩ લાખ ગરીબો આવાસ સુવિધાથી વંચિત બેઠાં છે.

ખાદી અને ગ્રામોદ્યોગ વિકેન્દ્રિત રીતે વધુ રોજી આપનાર હોવા છતાં ઉત્પાદન સામાન માર્કેટ ફ્રેન્ડલી ધોરણે બજારમાં ટકી રહેવા સક્ષમ ન હોઈ તેનો વિસ્તરણ ઉપર ૧૪થી ૨૨%નો કાપ સ્વીકારવો પડે છે અને સૂર્યપ્રકાશ આધારિત મીઠા ઉદ્યોગમાં સાધનોના બેવડા વપરાશનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. આમ બેવડા ઉપયોગનો વિચાર પોતાનામાં ઘણી મર્યાદા લઈ ઊભો છે. છતાં માનીએ કે બધું સાંગોપાંગ પાર ઊતરે અને પાર વિનાનું ઉત્પાદન થાય તો તે કયાં ઠાલવવું? કદાચ મુંબઈની ગોરેગાંવ ડેરી માફક દૂધની કિમત ન પરવડે તો દૂધ દરિયામાં નાખી દઈએ. લોકશાહીના ભવિષ્યને નજરઅંદાજ ન કરીએ તો પ્રશ્ન રહે છે કે થોડાં વધુ લોકોને કામ આપવા માટે પ્રાકૃતિક સંપત્તિનો હ્રાસ કરી નાંખવાની ધૃષ્ટતા સહી શકાય ખરી?

આઝાદી પૂર્વેનો એક પ્રસંગ અહીં વિચાર પ્રેરે છે. સમાજસેવી રોમાંરોલાંએ એક વખત ગાંધીજી અને સરદારને સવાલ પૂછેલો : આઝાદ ભારત પાસે સીમિત સાધનો રહેવાનાં. આથી ‘‘એક રોટલો હોય અને બે ભૂખ્યા માણસ હોય તો શું કરવું?’’ બાપુએ કહ્યું, ‘“બંનેએ પ્રેમથી અડધો અડધો રોટલો વહેંચી ખાવો.’’ આઝાદ ભારતમાં સીમિત સાધનોના ઉપયોગ સંબંધના આ પરોક્ષ જવાબમાં સરદારે કહ્યું : ‘‘એક માણસે ગંગામાં પડીને મરી જવું જોઈએ.’’ સાધનોના બેવડા ઉપયોગના વિચારમાં આજની કે બહુ તો આવતી પેઢી માટે રોટલા છે અને ભાવિ પેઢી માટે માત્ર ગંગામાં મૃત્યુ.

આમ છતાં સાધનોના બેવડા ઉપયોગની પરસ્પર વિરોધાભાસી વિચારસરણીના સીમાડે ઊભા રહી જોઈ શકાય છે કે સ્થાવર અને જંગમ મિલકતોના બેવડા ઉપયોગમાં બુદ્ધિગમ્યતા છે, તે પ્રકારે સેવાઓના બેવડા ઉપયોગમાં પણ આમ લોકોને રાહત છે. પરંતુ ઉત્પાદનપ્રક્રિયાને બજાર નિયમથી વિરુદ્ધ દિશામાં હાંકી જવામાં સરવાળે પ્રાકૃતિક નુકસાન જ રહેશે. સવાલ નવી સામાજિક રચનાનો, બીબાંઢાળ માળખામાંથી બહાર નીકળવાનો છે, જેનો પ્રારંભ કયાંકથી થવો ઘટે. શકય છે અપરિગ્રહના વિચારમાં ભાવિ વિકાસનો ઉપાય જડે!
ડો.નાનક ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top