Comments

બોર્ડની પરીક્ષા જેવી જ યુનિવર્સિટી પરીક્ષામાં કડકાઈ કેમ ના થાય?

રોજગારલક્ષી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે સરકાર યોજે છે તેમાં ગેરરીતિ અટકાવવા સરકારે કડક કાયદો ઘડી નાખ્યો અને રજૂ પણ કરી દીધો. વળી ગુજરાત શિક્ષણ બોર્ડે પણ દસમા બારમાની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવાનો એક્શન પ્લાન તેયાર કરી દીધો. આપણે એ સ્વીકારવું જ પડે કે શિક્ષણ બોર્ડ દ્વરા લેવાતી દસમા બારમાની પરીક્ષામાં હવે સાવ પહેલાં જેવું નથી. પેપર લખવાથી માંડીને પેપર તપાસવાની કામગીરી ખાસ્સી નિયમબદ્ધ છે. પેપર તપાસવામાં ભૂલ કરનારાં શિક્ષકો એક માર્કના ૨૦૦ રૂપિયા દંડ ચૂકવે છે. આની સામે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં યુનિવર્સિટી કક્ષાની પરીક્ષાઓનું ધોરણ સાવ કથળી ગયું છે. પહેલાં ત્યાં કડકાઈ હતી, ફ્લાઈંગ સ્કવોડ હતી, અધ્યાપકોને પણ સજા થતી, જ્યારે છેલ્લાં વર્ષોમાં આ બધું જ જાણે સાવ બંધ થઇ ગયું છે.

ખાનગી યુનિવર્સિટી, ખાનગી કોલેજો, જ્ઞાતિ મંડળોનાં સંચાલકો અને માત્ર પરીક્ષા આપવા આવતાં વિદ્યાર્થીઓ- બધાએ ભેગા મળીને નૈતિકતાને તો તળિયે બેસાડી છે. આ લેખમાળામાં આગાઉ પણ આ વાત આપણે કરી હતી, પણ આજે ફરી કરીએ છીએ કારણકે જો સ્પર્ધાત્મક પરીક્ષાઓ કડક રીતે લઇ શકાય, બોર્ડની પરીક્ષાઓ કડક રીતે લઇ શકાય તો યુનિવર્સિટીની પરીક્ષાઓ કેમ ના લઇ શકાય?

જો સમાજ અને સરકાર પોતાના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર સુધારવા માંગતાં હોય તો બે ત્રણ વર્ષ રાજ્ય કક્ષાએ કેન્દ્રિત ધોરણે યુનિવર્સિટીની પરીક્ષાઓમાં શુદ્ધિકરણ કરવું જોઈએ. આ અઘરું નથી. હવે યુનિવર્સિટી સ્કવોડ માત્ર નામની રહી છે. સેલ્ફ ફાઈનાન્સ કોલેજોના અધ્યાપકોને કોલેજો ઉપર મોકલી દેવામાં આવે છે અને તેમને દૂર સુદૂરના વિસ્તારોમાં એકલા હાથે જ આ સામુહિક ચોરી પકડવાની હોય છે. આ શક્ય નથી.

ગયાં વર્ષોમાં  આપણે કોરોનાની અસરને નામે બધું ચલાવી લીધું. વર્ષ ગમે તેમ પૂરાં કર્યાં પણ, હવે આ ચલાવી લેવાય નહીં. સરકાર કક્ષાએ  એક ફ્લાઈંગ સ્કવોડની રચના થાય અને તેમાં યુનિવર્સિટીમાં તે અણધાર્યા પરીક્ષાની મુલાકત લે તો ખબર પડે કે સડો કઈ હદે વ્યાપક બન્યો છે. રાજ્યમાં ઝોન વાઈઝ આવી તપાસ થવી જોઈએ, જેમાં શિક્ષણ અને બહારના એમ બન્ને પ્રકારના આગેવાનો અધિકારીઓ હોય.

બીજું સરકારે એક સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડવી જોઈએ કે કોઈ પણ યુનિવર્સિટીમાં પરીક્ષાનું સંચાલન કઈ રીતે થાય  અને પોલીસ સ્ટેશનોને પણ સૂચના આપવી કે પરીક્ષા સમયે કોલેજોને કઈ રીતે મદદ કરવી. ગયા પરીક્ષાના દિવસોમાં એક જાગૃત જિલ્લા કલેકટરે પત્ર બહાર પાડ્યો હતો કે પરીક્ષાના દિવસોમાં કોલેજ નજીક ઝેરોક્ષ દુકાન ચાલુ રાખી શકાશે નહીં. સરકાર આ રાજ્ય સ્તરે કરી શકે. દરેક કોલેજમાં પ્રવેશતાં વિદ્યાર્થીનું પૂર્ણ ચેકિંગ થાય, પછી જ તે પરીક્ષા ખંડમાં દાખલ થાય તો મોટો પ્રશ્ન ઉકલી જાય.

પહેલાં યુનિવર્સિટી ઓછી હતી. કોલેજો ઓછી હતી. શહેરોમાં એક કોલેજના વિદ્યાર્થીનો નંબર બીજી કોલેજમાં જતો એટલે વિદ્યાર્થી અજાણી જગ્યાએ મોટા પાયે કોપી કરતાં ખંચકાતો. હવે ગામડામાં રીમોટ વિસ્તારમાં કોલેજો ખુલી ગઈ છે. સંચાલકો જ કોપી કરાવવા ઉત્સાહી હોય છે. અધ્યાપકો ઉછીની ઝંઝટમાં પડવા માંગતા નથી. આ સંજોગોમાં આદર્શ વિચારો દ્વારા પરીક્ષાશુદ્ધિ શક્ય નથી. સમાજ અને સત્તા બન્નેએ ભેગાં થઇને આ વિચારવું રહ્યું. થોડા સમય પહેલાં એક સજ્જન પોતાના દીકરાને પરીક્ષા આપવા જતી વખતે શુભેચ્છા આપતાં બોલ્યા કે “બેટા, માર્ક બે પાંચ ઓછા આવે તો વાંધો નથી, પણ જે આવે તે આપણા પોતાના આવે.”

–      હવે આવી વાતો વેવલાવેડા ગણાય છે. પરીક્ષા આપવા જતાં પોતાના દીકરાને ચોરી ના કરતો એવું કેટલાં માબાપ કહેતાં હશે? અથવા પરીક્ષા આપીને પાછા આવેલા દીકરાને તે આજે કેવી પરીક્ષા આપી તે કોણ પૂછતું હશે? જ્ઞાનની જિજ્ઞાસા માણસમાં પોતાનામાં હોય છે એ તાલાવેલી આપણાં યુવાનોમાં નથી.આપણે જો ગમ્ભીરતાપૂર્વક આપણી યુનિવર્સિટીની પરીક્ષાઓ યોજીએ તો આઈએલ ટી એસ કે ટોફેલની જેમ તેમાં પણ વિદ્યાર્થીઓ ગંભીરતાપૂર્વક ભાગ લે. શિક્ષણની ગુણવત્તાનો આધાર તેનાં મૂલ્યાંકન અને પરીક્ષણ પર છે. જો તે સુધરે તો જ ગુણવત્તા સુધરે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top