Columns

ભૂલોમાંથી જે શીખે, તેને મંઝિલ મળે…!

સુંદર જીવન જીવો’ આ વિષય પર એક પરિસંવાદ હતો. એક પછી એક બધા સુંદર વિચારો રજૂ કરી રહ્યા હતા. આખા દિવસના પરિસંવાદ બાદ છેલ્લે સ્પીકરે આખા દિવસના ભાષણોમાં રજૂ થયેલા વિચારોમાંથી સુંદર જીવન જીવવા માટેનું હાર્દ સમજાવતા સરસ વાત કરી. તેમણે કહ્યું- આખા દિવસ બધાના વિચારો સાંભળી ચિંતન અને મનન કરી મને લાગે છે કે સુંદર જીવન જીવવાના ચાર મહત્ત્વના રાજમાર્ગ છે. જો આ રસ્તા અપનાવી લઇએ તો જીવન આપોઆપ સુંદર-સુંદરતમ્‌ બને. પહેલો રસ્તો છે- જીવનમાં પાછળ જુઓ એટલે કે પાછળ ફરી ઊંધા જવાનું નથી પણ ભૂતકાળની ભૂલોમાંથી શીખી અનુભવ મેળવી આગળ વધવાનું છે. વડીલો પાસે બેસી તેમના અનુભવ સાંભળજો. એમના અનુભવમાંથી શીખશો તો વધુ ફાયદો થશે. તમે ભૂલો કરવામાંથી બચી જશો.

સ્પીકરે આગળ કહ્યું બીજો રસ્તો છે જીવનમાં આજુબાજુ નજર રાખો. તમને સત્ય હકીકત અને વાસ્તવિકતા સમજાશે. આજુબાજુ એટલે સૌ પ્રથમ હમસફર પતિ કે પત્નીની દરેક બાબતમાં સલાહ લો. હમઉમ્ર મિત્ર અને કઝીન સાથે વાત કરી વાસ્તવિકતા જાણો. તેના દ્વારા તમને સાચી પરિસ્થિતિની જાણ થશે. કયાં ભૂલ થાય છે તેનો ચિતાર મળશે.
સ્પીકરે પછી ત્રીજા રસ્તાની વાત કરી- સતત આગળ વધો. ભવિષ્યનાં સપનાં જુઓ અને સાકાર કરવા આજથી જ મંડી પડો. તમારાં સંતાનો, મિત્રો, ભાઇબહેનનાં સંતાનો સાથે પણ વાતો કરો. તેમના જીવનની યોજના, સફળતા-નિષ્ફળતા-ભૂલોને સાંભળો જે તમને જીવન જીવવાની નવી આશા, નવું જોમ આપશે.

ચોથા રસ્તાની વાત કરતા સ્પીકર બોલ્યા સુંદર જીવન બનાવવાનો ચોથો રસ્તો છે- જાત સાથે સંવાદ. રોજ થોડો સમય પોતાની અંદર ઝાંખવામાં વિતાવો. સવારે તૈયાર થાવ ત્યારે અરીસામાં દેખાતા શખ્સને રોજ સવારે કહો- ‘તું ઉત્તમ છે, તને બધું આવડે છે અને રાત્રે સૂતી વખતે સરવૈયું કાઢી લો, કયાં ભૂલ થઇ, શું સારું થયું, બધું વિચારો. આમ કરવાથી તમારો આત્મવિશ્વાસ વધશે જેથી ભૂલો ઓછી થશે. આ મહામાર્ગ પર ચાલવાથી જીવન સુંદર બનશે, ભૂલોથી ગભરાવાનું શું? ‘માણસ માત્ર ભૂલને પાત્ર’ મતલબ કે દુનિયામાં રહેતો કોઇ પણ માનવી એવો નહીં હોય કે એણે પોતાના જીવનમાં જાણે-અજાણે કોઇ ભૂલ ન કરી હોય. ભૂલી જવું કે ભૂલ થવી એ સહજ બાબત છે પરંતુ વારંવાર એક જ ભૂલને દોહરાવવી એ ગુનો ગણાય છે.

એવું નથી કે ફકત નાના માણસો, અભણ કે અજ્ઞાની માણસો જ ભૂલ કરે છે પરંતુ સાક્ષરો, વૈજ્ઞાનિકો તથા મહાપુરુષો પણ તેમના જીવનમાં કયાંક ને કયાંક તો ભૂલ કરતા જ હોય છે. જગતનો એક પણ માનવી છાતી ઠોકીને નહીં કહી શકે કે એણે પોતાના સમગ્ર જીવન દરમિયાન એક પણ ભૂલ કરી નથી. ભૂલ થવાનાં અનેક કારણો હોઇ શકે છે. કયારેક ઉતાવળમાં, કયારેક સરતચૂકથી, કયારેક અજાણતાં, કયારેક અજ્ઞાનતાથી, કયારેક બેદરકારીથી, કયારેક વધારે પડતાં કામના બોજથી, આમ ઘણા પ્રકારે ભૂલો થતી જ રહે છે. અમુક પ્રકારની ભૂલોથી અસંખ્ય માણસો પર એની અસર પડે છે.

ઘણી વાર આપણે સાંભળીએ છીએ, છાપામાં વાંચીએ છીએ કે કોઇ લગ્નપ્રસંગમાં ભોજનના પ્રબંધમાં કેટિરંગવાળાની કોઇ ભૂલ કે ક્ષતિને કારણે એવા પ્રકારની રસોઇ બની જવાથી હજારો લોકોને એક સાથે ફૂડ પોઇઝનિંગ થવાની દુર્ઘટના બને છે. કેટરિંગવાળાની કોઇ ભૂલને કારણે જે વ્યકિતઓએ ભોજન ગ્રહણ કર્યું છે તેઓની તબિયત તો બગડે છે. સાથે સાથે હોસ્પિટલોમાં અંધાધૂંધી સર્જાય છે. કેટરિંગવાળાનો ધંધો વગોવાય છે સાથે સાથે જેને ત્યાં લગ્નપ્રસંગ છે તેની બદનામી થાય છે. આમ એક નાનકડી ભૂલથી કેટલાય માણસોને સહન કરવાનું આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્ય હોય કે ગંભીર પરંતુ ભૂલ એ ભૂલ જ છે.

તાજેતરમાં જ બનેલી મોરબીની પુલ તૂટવાની ઘટના એ ભૂલોનું જ પરિણામ છે. આવી ભૂલને લીધે કેટલાય માનવો મોતના મુખમાં હોમાયા. એક ભૂલને લીધે કેવી કરુણાંતિકા સર્જાઈ! ઘણી વાર રોડ અકસ્માત થાય છે તે સામાન્ય કે નાની ભૂલને કારણે જ થાય છે. કયારેક વાહનચાલકની ભૂલ હોય છે તો કયારેક સામાવાળાની ભૂલ હોય છે. કયારેક બેફામ દોડાવવી-નિયંત્રણનો અભાવ, કયારેક ટ્રાફિકના નિયમોની અજ્ઞાનતા જેવી ભૂલોને કારણે અકસ્માત સર્જાય છે અને બંને પક્ષને હાનિ પહોંચે છે.

આમ હર ક્ષેત્રે ભૂલોની પરંપરા સર્જાય છે. સીધેસીધી જિંદગી તો ચાલતી જ નથી, ભૂલોમાંથી જ આપણને ઘણું શીખવાનું મળે છે. મહાપુરુષો દૃઢપણે એવું માને છે કે ભૂલ થવાથી આપણે સતર્ક બની જઇએ છીએ અને મોટા નુકસાનમાંથી બની જઇએ છીએ. ભૂલોમાંથી આપણને બોધપપાઠ મળે છે અને નવું શીખવાની તક મળે છે. દુનિયામાં કોઇ એવું નથી કે જેણે ભૂલ ન કરી હોય તથા ઠોકર ન ખાધી હોય પરંતુ ઠોકરો અને ભૂલોમાંથી સબક શીખીને જ વ્યકિત પાર ઊતરે છે. ભૂલોની પરંપરા સર્જવી એ જીવતેજીવ આપણા જીવનની ઘોર ખોદવા સમાન છે માટે ભૂલોમાંથી હંમેશાં બોધપાઠ લેવો જોઇએ.

ગાંધીજી હંમેશાં કહેતા કે ભૂલોમાંથી જે શૂલ દૂર કરી ફૂલ બનાવે તે જ સાચો અનુભવી છે. એમણે બીજી પણ એક સરસ વાત કરી છે, આપણાથી જે ભૂલ કે ક્ષતિ થઇ હોય એનો ડર્યા વિના ખુલ્લા દિલે એકરાર કરો અને મનમાં નક્કી કરો કે હું ફરીથી ભૂલનું પુનરાવર્તન કરીશ નહીં. આપણા દરેકનો એક સ્વભાવ છે કે આપણાથી ભૂલ થઇ હોય તો આપણે ભૂલને કબૂલ કરવાને બદલે ભૂલ પર ઢાંકપિછોડો કરીએ છીએ કારણ કે હું ભૂલ કબૂલ કરીશ તો બધાની વચ્ચે હાંસીપાત્ર થઇશ. બધા મારી ટીકા કરશે. આવી બીક મનમાં હોવાથી ભૂલનો એકરાર કરતા નથી. આ ખોટી આદત છે. ભૂલનો તમે ખુલ્લા મને સ્વીકાર કરશો તો હળવાફૂલ બની જશો અને સામેની વ્યકિત પણ તમને દરગુજર કરશે. તો વાચક મિત્રો! ભૂલોને છુપાવો નહીં. ભૂલોનો એકરાર કરો. ભૂલને છુપાવવાને બદલે ભૂલ કેવી રીતે થઇ એ બાબતનું પૃથક્કરણ કરી ભવિષ્યમાં ફરીથી ભૂલનું પુનરાવર્તન ન થાય તેની ખાતરી કરવી જોઇએ. તમે ભૂલોમાંથી જ શીખશો અને આગળ વધશો.

સુવર્ણરજ
ભૂલ સભી સે હોતી આઇ
કૌન હૈ જિસને ઠોકર ના ખાઇ
ભૂલો સે શીખે જો… મંઝિલ ઉસને પાઇ
– ગીતકાર ઇન્દીવર

Most Popular

To Top