SURAT

હજીરાની બંધ ફેક્ટરીમાં યુવાનના મોત માટે જવાબદાર કોણ?

સુરત : સતત આકાર પામતા રહેવું એ ઘટનાનો સ્વભાવ છે. દુનિયાના દરેક ખૂણામાં કોઇને કોઇ સમયે કોઇને કોઇ ઘટના બનતી રહે છે. પરંતુ આ ઘટના ત્યાં સુધી જ ફક્ત જાણકારી માટે હોય છે જ્યાં સુધી કોઇની લાશ નહીં પડી હોય. કેટલીક વખત આવી ઘટના જાણતા અજાણતામાં દફન થઇ જાય છે. પરંતુ જ્યારે કોઇએ જિંદગી અને મોતની વાત આવે ત્યારે ગુજરાતમિત્ર આવી કોઇ પણ ઘટનાને ઉજાગર કરવામાં પાછી પાની નહીં કરે. જે રીતે પોલીસ કોઇ ચૂક રહી ગઇ હોય અથવા તો કોઇ ઘટનાની પાછળથી જાણ થાય તો કબર ખોદીને પણ લાશ કાઢીને તેનું પીએમ કરાવે છે તેવી જ રીતે હજીરામાં એક યુવાનની લાશ પર જે ખેલ થઇ ગયો તે રહસ્ય પરથી પડદો ઉંચકવો ખૂબ જ જરૂરી છે.

  • બંધ ફેક્ટરીમાં કરંટ કેવી રીતે લાગે તેની તપાસ કરવાને બદલે હજીરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને ફાઇલ બંધ કરી દીધી
  • સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને ડીસીપી કે તેની ઉપરના અધિકારીઓને આ વાત ગળે કેવી રીતે ઉતરી કે બંધ ફેક્ટરીમાં પણ કરંટ લાગે?

સુરત એવું શહેર છે જ્યાં હજારોની સંખ્યામાં રોજ કામદારો રોજી રોટી મેળવવા માટે આવે છે. અહીં રોજ જુદી જુદી ફેક્ટરીઓમાં પટકાવાથી, કરંટ લાગવાથી કે પછી મશીનમાં આવી જવાથી કામદારોની મોતની ઘટના બને છે. આ ઘટના એટલા માટે સહજ લાગે છે કારણે કે જ્યારે ફેક્ટરીમાં ઉત્પાદન ચાલું હોય ત્યારે આવી ઘટનાઓ બને એ દુનિયાના દરેક દેશમાં વર્ષોથી ચાલતી આવતી બાબત છે. પરંતુ જે ફેક્ટરી બંધ હોય અને તેમાં કોઇને કરંટ લાગે અને એક વિદ્યાર્થીનું મોત થઇ જાય અને પોલીસ માત્ર અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને ફાઇલ બંધ કરી દે તે વાત કોઇના ગળે ઉતરે તેમ નથી. પીઆઇ કક્ષાના અધિકારીને આ વાત સહજ લાગે તે બાબત સમજી શકાય તેમ છે પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને ખુરશી પર બેઠેલા ડીસીપી તેમજ તેની ઉપરની કક્ષાના અધિકારીઓને ગળે આ વાત કેવી રીતે ઉતરી ગઇ તે સમજી શકાય તેમ નથી. જો આ ઉચ્ચ અધિકારીઓમાં લેશ માત્ર પણ માનવતા હોય તો તાત્કાલિક આ અકસ્માત મોતની ફાઇલ પરથી ધૂળ ખંખેરવી જોઇએ તો જ મૃતકની આત્માને સાચો ન્યાય મળી શકે તેમ છે.

હવે એક મહિના ફલેશબેકમાં જઇએ અને ઘટનાની વાત કરીએ તો હજીરાની બંધ પડી રહેલી સિમેન્ટની એક કંપનીના પાવર હાઉસ પાસે મિત્રને બોલાવવા માટે ગયેલા ધોરણ-12ના વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતાં મોત નીપજ્યું હતું. હજીરાના દામકા ગામ ખાતેના ખોબરા ફળિયામાં રહેતો અને મૂળ બિહારનો વતની રાહુલકુમાર મિથિલેશ શર્મા (ઉં.વ.17) ગત તા.4-12-22ના રોજ બપોરે તેના મિત્ર ચેતન ભરવાડને બોલાવવા માટે બંધ પડી રહેલી વધરાજ સિમેન્ટ કંપનીમાં ગયો હતો. જ્યાં કંપનીની અંદરના પાવર હાઉસ નજીક આકસ્મિક રીતે રાહુલ શર્માને વીજ કરંટ લાગ્યો હતો. શરીરે ગંભીર દાઝી જતાં તેને તાત્કાલિક સારવાર માટે અડાજણની બાપ્સ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન મંગળવારે વહેલી સવારે તેનું મોત નીપજ્યું હતું. મૃતકને એક મોટો ભાઇ છે. તેના પિતા એલએન્ડટી કંપનીમાં નોકરી કરે છે. વધુમાં રાહુલકુમાર દામકાની એક શાળામાં ધોરણ-12માં અભ્યાસ કરતો હતો. તેના મોતને લઇ પરિવારજનો ઘેરા શોકમાં ડૂબી ગયા છે. હવે જો આ ફાઇલ રિઓપન કરીને ઉચ્ચ અધિકારીઓ ફરી તપાસ શરૂ કરે તો ચોંકાવવારા ખુલાસા થાય તેમ છે એટલું જ નહીં કમસેકમ મૃતકની આત્માને પણ સાચી શ્રદ્ધાંજિલ આપી શકાય તેમ છે.

સળગતા સવાલ

  • ફેક્ટરી બંધ છે તો આ યુવાન તેમા પ્રવશ્યો કેવી રીતે?
  • તે તેના મિત્રને બોલાવવા ફેક્ટરીમાં ગયો તો તેનો મિત્ર અંદર શું કરતો હતો?
  • શું આ ફેક્ટરીમાં સિક્યુરિટી નથી અને જો છે તો યુવાનો અંદર કેવી રીતે ગયા?
  • ફેક્ટરી બંધ હતી તો કરંટ કેવી રીતે લાગ્યો?
  • શુ આ ફેક્ટરીની અંદર કોઇ ભેદી પ્રવૃતિ ચાલતી હતી તો પોલીસે તપાસ શું કરી?
  • પીઆઇ કહે છે જેટકો કંપનીને પત્ર લખ્યો છે પરંતુ યુવાન અંદર શુ કરતો હતો તે તપાસનું શું?

અમે જેટકો કંપનીને જાણ કરી છે
બંધ ફેક્ટરીમાં કરંટ લાગવાની ઘટના બાબતે હજીરા પોલીસમથકના ઇન્સ્પેક્ટર પટેલે કહ્યું હતું કે, આ ફેક્ટરી બંધ હતી છતાં પણ તેમાં પાવર સપલાય ચાલુ હતો અને આ સપ્લાય શા માટે ચાલું હતો તે બાબતે અમે જેટકો કંપનીને પત્ર લખ્યો છે.

Most Popular

To Top