Charchapatra

જવાબદાર કોણ?

તાજેતરમાં જ અમેરિકાના ટેકસાસમાં એક પ્રાથમિક શાળામાં ૧૮ વર્ષીય હત્યારાએ પ્રથમ ઘરમાં દાદીની હત્યા કરી અને પછી સ્કૂલે જઇ આડેધડ ગોળીબાર કરી ૧૯ બાળકો અને બે શિક્ષકોને મોતને ઘાટ ઉતાર્યાં! અમેરિકાનું ‘ગન કલ્ચર’ આખી દુનિયામાં પ્રખ્યાત છે, પણ અહીં મુદ્દો એ નથી. મુદ્દો છે માત્ર ૧૮ વર્ષનો બાળક આટલો ક્રૂર કઇ રીતે બને? ભારતની વાત કરીએ તો ગુજરાતના ‘છરા કાંડો’ થી સૌ પરિચિત છે! ચપ્પુથી ગળું કાપવું સહજ વાત બની ગઇ છે! આ માટે જવાબદાર કોણ? થોડે ઘણે અંશે માતા-પિતા પણ ખરા! કેમ? યુવાન પુત્ર ‘બેફામ’ ના બને તે માટે તેનું ધ્યાન રાખવું જરૂરી, તે જ રીતે યુવાન પુત્રી ‘બેફામ’ બની કયાં ફરે છે, કોની સાથે ફરે છે તે ધ્યાન રાખવું પણ જરૂરી! મોટા ભાગના કિસ્સાઓમાં માતા-પિતાનું સંતાનો પ્રત્યેનું ‘આંખ આડા કાન’ કરવાનું વલણ પાછળથી ગંભીર પરિણામો લાવે છે! ઓટીટી પ્લેટફોર્મ ઉપર આવતી બિભત્સ ફિલ્મો, ટી.વી. ઉપરની ક્રાઇમ સીરીયલો, હજુ પણ સહેલાઇથી ઉપલબ્ધ પોર્નસાઇટો, ફેસબુક ઉપર દર્શાવાતા અત્યંત બિભત્સ Reels and Videos સ્પાના નામે ચાલતા કુટણખાનાં અને કપલબોક્ષ આ બધું પ્રતિબંધિત નહીં થાય ત્યાં સુધી તો રિવોલ્વરમાંથી ગોળીઓ છૂટશે જ અને છરાથી ગળાઓ કપાશે જ!
સુરત     – ભાર્ગવ પંડયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top