મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ હવે માત્ર અમેરિકા-ઈરાન અથવા ઈઝરાયલ-ઈરાન સુધી મર્યાદિત રહ્યો નથી. તાજેતરના ડ્રોન અને મિસાઈલ હુમલાઓ બાદ નવા પ્રશ્નો ઉભા થયા છે કે શું આ હુમલાઓ મુસ્લિમ દેશો વચ્ચે સંઘર્ષ ઉભો કરવા માટે કરવામાં આવી રહ્યા છે. ઈરાને આ સમગ્ર મામલે ઈઝરાયલ પર ગંભીર આરોપ લગાવ્યા છે અને કહ્યું છે કે કેટલાક હુમલાઓ પાછળ ઈઝરાયલનું કાવતરું હોઈ શકે છે. ઈરાનના કહેવા મુજબ અઝરબૈજાન અને ગલ્ફ દેશોમાં થયેલા કેટલાક હુમલાઓનો હેતુ ઈરાન અને તેના પડોશી મુસ્લિમ દેશો વચ્ચે તણાવ વધારવાનો છે. તેહરાનનો દાવો છે કે ઈઝરાયલ આ હુમલાઓ દ્વારા પ્રદેશમાં ગેરસમજ ફેલાવીને રાજકીય અને સૈન્ય સંઘર્ષને પ્રોત્સાહન આપવા માગે છે. તાજેતરમાં અઝરબૈજાનના નાખીચેવન વિસ્તારમાં થયેલા ડ્રોન હુમલામાં ચાર લોકો ઘાયલ થયા હતા. અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવે આ ઘટનાને “ઈરાન દ્વારા કરાયેલ આતંકવાદી હુમલો” ગણાવ્યો અને તેની સામે બદલો લેવાની ચેતવણી આપી. જોકે ઈરાને આ આરોપોને તરત જ નકારી કાઢ્યા. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ અઝરબૈજાનના વિદેશ પ્રધાન જેહુન બાયરામોવ સાથે ફોન પર વાતચીત કરીને સ્પષ્ટ કહ્યું કે ઈરાન તરફથી કોઈ મિસાઈલ કે ડ્રોન હુમલો કરવામાં આવ્યો નથી.
ઈરાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આવા હુમલાઓ પાછળ ઈઝરાયલની ભૂમિકા હોઈ શકે છે, જેનો હેતુ પ્રદેશમાં જાહેર અભિપ્રાયને ગેરમાર્ગે દોરવાનો અને ઈરાનના પડોશી દેશો સાથેના સંબંધોને નુકસાન પહોંચાડવાનો છે. ઈરાની સેનાના જનરલ સ્ટાફે પણ કહ્યું કે મુસ્લિમ દેશો વચ્ચે વિવાદ ઉભો કરવા માટે ઈઝરાયલ દ્વારા આવી કાર્યવાહી કરવી નવી વાત નથી. ગલ્ફ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોમાં સાઉદી અરેબિયાના પ્રિન્સ સુલતાન એર બેઝ, રાસ તનુરા ઓઈલ રિફાઇનરી અને ઓમાનના દુકમ બંદર જેવા મહત્વપૂર્ણ સ્થળોને નિશાન બનાવી ડ્રોન અને મિસાઈલ હુમલાઓ થયા છે. મિડલ ઈસ્ટ આઈના અહેવાલ મુજબ એક વરિષ્ઠ ઈરાની અધિકારીએ કહ્યું કે આ તમામ હુમલાઓ ઈરાન દ્વારા કરવામાં આવ્યા નથી અને કેટલાક હુમલાઓનો હેતુ પ્રદેશના દેશોને એકબીજા સામે ભડકાવવાનો હોઈ શકે છે. ઈરાનનો દાવો છે કે ઈઝરાયલી ગુપ્તચર એજન્સી મોસાદ ઈરાનમાં સક્રિય છે અને તે ગલ્ફ દેશોને ઈરાન સામે ઉશ્કેરવા માટે કેટલીક ગુપ્ત કાર્યવાહી કરી રહી હોઈ શકે છે.
આ સમગ્ર વિવાદ પાછળ ઊર્જા રાજકારણ પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અઝરબૈજાનથી શરૂ થતી બાકુ-તિબિલિસી-સેહાન (BTC) પાઇપલાઇન જ્યોર્જિયા અને તુર્કી મારફતે ભૂમધ્ય સમુદ્ર સુધી પહોંચે છે અને ઇઝરાયલની તેલ આયાતનો મોટો હિસ્સો આ માર્ગે આવે છે. નિષ્ણાતોના મતે આ પાઇપલાઇન મોટાભાગે ભૂગર્ભમાં હોવાથી તેને નુકસાન પહોંચાડવું મુશ્કેલ છે, પરંતુ તેના ટર્મિનલ અને પમ્પિંગ સ્ટેશન ડ્રોન હુમલાઓ માટે સંવેદનશીલ છે. ઇઝરાયલ અને અઝરબૈજાન વચ્ચે સંરક્ષણ અને ગુપ્તચર સહયોગ પહેલાથી જ મજબૂત છે. ઈરાન લાંબા સમયથી શંકા વ્યક્ત કરતું આવ્યું છે કે ઇઝરાયલ તેની સામે કામગીરી માટે અઝરબૈજાનના પ્રદેશનો ઉપયોગ કરી શકે છે. હાલના તણાવને કારણે સમગ્ર પ્રદેશમાં રાજકીય અને સૈન્ય સ્થિતિ વધુ જટિલ બની રહી છે.