Charchapatra

ભારતીય નારીને તમે ક્યાં છે જાણી?

દિલ હચમચાવી નાંખનારી , હૃદયદ્રાવક તાજેતરમાં જ બનેલ સ્ટોરીએ વાચકોની આંખમાંથી અશ્રુ સરી પડ્યા છે. ગુજરાત હાઇકોર્ટનાં ઇતિહાસમાં પ્રથમ વખત જ હોસ્પિતાલમાં મૃત્યુશય્યા પર પડેલ પતિનાં વીર્યનાં સેમ્પલ મેળવીને તેના દ્વારા માતા બનવા માટે પત્ની દ્વારા અરજી કરવામાં આવી હતી. ઓક્ટોબર 2020માં પ્રેમલગ્નને ફક્ત આઠ મહિના પછી યુવતીનાં માથે આભ તૂટી પડયું હતું . યુવતીનાં પ્રેમની કસોટી હતી, કેનેડા સ્થાયી થયેલ આ દંપતિ યુવાનનાં પિતાની  માંદગીની સુશ્રુષા કરવા માટે ભારત ધસી આવ્યું હતું .

પરંતુ કમનસીબે યુવાનને જીવલેણ કોરોનાનો ચેપ લાગતાં તેના બંને ફેફસામાં કોરોના પ્રસરી ચૂક્યો હતો. ડોક્ટરોનાં ભારે પ્રયાસો છતાં પણ મલ્ટીપલ ઓર્ગનફેલ્યોરની સ્થિતિ ઊપસ્થિત થઈ. ડોક્ટરોએ હાથ ધોઈ નાંખ્યા. યુવાન કલાકોનો મહેમાન છે, એની જાણકારી મળતાં યુવતી હતપ્રત બની ગઈ. પરંતુ પોતાના પતિને બેહદ પ્રેમ કરતી એ યુવતીને પતિનાં જ સંતાનની માતા બનવું હતું . આથી એણે આઈ.વી.એફ. પ્રોસીજર અપનાવવાનો નિર્ણય કર્યો. પોતાના સાસુ-સસરાની પરવાનગી લઇ ગુજરાત હાઇકોર્ટમાં ઘા નાંખી કોર્ટ પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ, હતપ્રત બની ગઈ. 

યુવતીનાં વકીલે દર્દભરી રજુઆત કરી કે ડોક્ટરોએ આપેલ મૃત્યુની આગાહીની મુદતમાં 24 કલાકમાંથી 12 કલાકનો સમય  પસાર થઈ ગયો છે. જસ્ટીસ શાસ્ત્રી સાહેબે ત્વરિત સુનાવણી કરી , મંજુરી આપી . કોર્ટનાં ઈતિહાસમાં એક રેકોર્ડ સ્થાપી. હોસ્પિટલનાં ડોક્ટરોને ટેલિફોનિક સંદેશા દ્વારા યુવાનના વીર્યનાં સેમ્પલ લેવા આદેશ કર્યો. ગુજરાત હાઈકોર્ટે કાયદાની સાથોસાથ વ્યવહારિકતા અપનાવી 15 મિનિટમાં જ ચૂકાદો આપ્યો.  પરંતુ કમનસીબે હોસ્પિતાલે  આ અંગેની કોઇ કાર્યવાહી 7 કલાક વીતી ગયા છતાં પણ કરી નહીં . અંતે ચૂકાદાનો અમલ થયો જ.

પરંતુ કરુણતા એ છે કે કાયદો તો જડ છે. પરંતુ તેની સાથોસાથ વ્યાવહારિકતાનું પણ સંકલન થાય તો ગમે તેવા ગુંચવણભર્યા કેસનો ઊકેલ આવી શકે. તેનું આ જીવંત અને વેધક દ્રષ્ટાંત છે. વિશ્વમાં ફક્તને ફક્ત ભારતીય નારી જ આવો હૃદય ધ્રુજાવનારો, પોતાની યુવા જીંદગીને હોડમાં મૂકી શકતો નિર્ણય કરી શકે . રાજપૂત રાજાઓના પરાજય થતાં વિજયી શાસકને શરણે જવા કરતાં, રાજપુતાણી રાણીઓએ સામુહિક ઝૌહરને પસંદ કર્યો હતો . ભારતીય નારીઓનાં દિલ ધ્રુજાવનારાં , આવું બલિદાન આપતાં ઇતિહાસમાં  થોકબંધ પુરાવાઓએ ભારતીય નારીનું  દુનિયાભરમાં ગૌરવ વધાર્યું છે. જગતમાં આવી બલિદાનની ગાથાઓ ભાગ્યે જ જોવા મળશે. ભારતીય નારી સહનશીલતાની, પતિવ્રતાની ,ત્યાગની મૂર્તિ સમાન છે. ભેસ્તાન         – બી. એમ. પટેલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top