Comments

પાયાના મૂલ્યોની કેળવણી ક્યાંય અપાય છે ખરી?

આજકાલ ચારે બાજુ શિક્ષણના પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે. શું ખરેખર આ ક્ષેત્રે કટોકટી ઊભી થઈ છે? શિક્ષણ એટલે શું – સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, કક્કો-બારાખડી? આ શિક્ષણ માનવજીવનના, આપણે જે જગતમાં રહીએ છીએ તે જગત વિશે કશો વિચાર કરે છે ખરું? ચાર કે પાંચ ધોરણ સુધી ભણેલાં વિદ્યાર્થી બે સરખાં વાક્યો લખી ન શકે, જોડણીને અને એમને બારમો ચન્દ્રમા! અહીં માત્ર વિદ્યાર્થીનો પ્રશ્ન નથી. સરકારી તત્ત્વની જાહેરાતો વાંચો, દુકાનોનાં પાટિયાં વાંચો શુદ્ધ ગુજરાતી ભાગ્યે જ જોવા મળશે. શું કારણ? કોઈ કહી શકે કે આમાં શિક્ષકો જવાબદાર. હા – વાત અમુક અંશે સાચી. હું ૧૯૫૦-પરનાં વરસોને યાદ કરું છું. અમારે ગુજરાતીના બે પ્રશ્નપત્ર – એક પાઠ્યપુસ્તક આધારિત અને બીજું – -નિબંધ, પત્રલેખન, સારલેખન વગેરે. અમારા શિક્ષકે તો અમને છંદ પણ ભણાવ્યા. આજે ગુજરાતીના કેટલા શિક્ષકોને – કૉલેજશિક્ષકોને પણ છંદ આવડે છે? આપણી શાળાઓ જુઓ – બાલમન્દિરો જુઓ – ગિજુભાઈ બધેકા તો આપઘાત જ કરી લે. આવું કેમ બન્યું?

એક દેખીતું કારણ – આપણી આધુનિક જીવનશૈલી, કમ્પ્યૂટર, મોબાઇલ, સમૂહમાધ્યમો – આ બધાંએ સાગમટે બાળકો પર ભૂરકી નાખી છે, માત્ર બાળકો પર નહીં, તેમના માતાપિતા પર પણ. કોઈને બીજામાં – સ્વજનમાં – પણ રસ રહ્યો નથી. આટલી બધી આત્મરતિ? આપણી ફિલ્મો જુઓ – નરી હિંસાને ઉત્તેજન આપતી આ ફિલ્મો યુવાવર્ગને આકર્ષે છે. હવે બિમલ રોય, બી.આર. ચોપરા કે મહેબુબખાન નથી – અહીં અર્થોપાર્જન સિવાય બીજી કોઈ વાત નથી.

શાળાઓમાં ચોખ્ખા પાણીની સગવડો નથી, એટલે બધાં બાળકો પ્લાસ્ટિકની શીશીઓમાં પાણી લઈને આવે છે અને પછી એ ખાલી શીશી કચરાટોપલીમાં. પર્યાવરણની ચિન્તા કાગળ પર, વ્યવહારમાં નહીં. નાની હોટલોમાં પણ હાથ લૂછવા કાગળના રૂમાલ, શાળાના શિક્ષકો આવું કશું ધ્યાન પર લાવે છે ખરા? શાળામાં પુસ્તકાલય છે ખરું? જો હોય તો પણ વાંચવા ઇચ્છુક સુધી પુસ્તક પહોંચે છે?હા વાચાળ બનીને — જોરશોરથી પ્રચાર કરીને શિક્ષણક્ષેત્રે કેવી કેવી આગેકૂચ કરીએ છીએ એની વાતો રાજકારણીઓ, સમાજના મોભીઓ કરે છે, પણ પ્રશ્નના મૂળમાંજવું હોય તો પૂર્વપ્રાથમિક અને પ્રાથમિક શાળાઓમાં પ્રવર્તતી પરિસ્થિતિનો વિચાર કરવો જોઈએ. આજે લક્ષ્મી વધી છે, ઘેર ઘેર વાહનો છે – વ્યક્તિ દીઠ. ખાનગી શાળાઓ પણ ધનવાનો માટે છે – એમાં પ્રવેશ માટેની જાહેરાતો જુઓ શાળાઓ છે કે હોટલો? આ બધી શાળાઓ અંગ્રેજી માધ્યમની. ઘરમાં અંગ્રેજી આવ કે નહીં – શિક્ષકોને અંગ્રેજી આવડે કે નહીં – તેની ચિન્તા કોઈને નથી.

હમણાં હમણાં ઉચ્ચ શિક્ષણક્ષેત્રે ભારે સમસ્યાઓ ઊભી થઈ છે – નવા નવા કાયદા આવી ગયા છે. માધ્યમિક શાળાઓના પ્રશ્નો કે પ્રાથમિક શાળાના પ્રશ્નોનો વિચાર મહાનુભાવોને આવતો નથી. હા, ક્યાંક સારાં પરિણામ દેખાય છે. સરકારી શાળાઓની પરિસ્થિતિ પહેલાં કરતાં ઘણી સુધરી રહી છે પણ અંતરિયાળ વિસ્તારમાં? જે શહેરમાં હું રહું છું ત્યાં શાકમાર્કેટની વચ્ચોવચ એક પ્રાથમિક શાળા છે. શિક્ષક બોલે તો સંભળાય પણ નહીં.

કોલેજોમાં નીતિનિયમો બદલાઈ રહ્યા છે. પહેલાં શિક્ષક ચાર પાંચ કલાક નોકરી કરીને ઘરભેગો થતો હતો, હવે શિક્ષકને દસ દસ કલાક કામ કરવું પડે છે, એને વાંચવા-વિચારવાનો કશો સમય જ મળતો નથી – અને એ શિક્ષક પાસે મોટી મોટી અપેક્ષાઓ રાખવામાં આવે છે! ભણાવવા સિવાયની પ્રવૃત્તિમાં ઘાંચીના બળદની જેમ એને પીલવામાં આવે છે. એ શિક્ષકોની હૈયાવરાળ કોઈએ સાંભળી ખરી? એને માત્ર થોડો પગારવધારો કરી આપો તેનાથી પ્રશ્ન ઉકલે નહીં. પરિસંવાદો થાય છે? આ વિશે સમૂહમાધ્યમો, સામયિકો કશી ચર્ચા ઉપાડે છે? ચારે બાજુ મૌન, બધાંના કાને કોઈ વાત પડતી નથી, કોઈની આંખ કશું જોતી નથી. ગાંધીજીના ત્રણ વાંદરા જરા જુદા સન્દર્ભમાં આપણી સામે છે.

આ પરિસ્થિતિમાં શું કરી શકાય? શું અહિંસક સત્યાગ્રહનો સમય ગાંધીજીની સાથે જ અદૃશ્ય થઈ ગયો છે? આને જ પરિણામે તો હિંસકતા નથી ફાલતી ને? પાયાનાં મૂલ્યો ક્યાં છે અને શા માટે એનું ધોવાણ થઈ રહ્યું છે? એમાં જવાબદાર કોણ? આપણે બધા જ જવાબદાર. બીજા પર દોષારોપણ કરવાનો હવે કોઈ અર્થ નથી – એટલે જાત સામે જ યુદ્ધ માંડવાનું – એ યુદ્ધ એ જ કલ્યાણ!રવીન્દ્રનાથ ઠાકુરે કહ્યું હતું – શિક્ષણ એટલે માણસનું સર્જન કરવું. સુન્દરમે માનવી માનવ થવો જોઈએ એમ કહ્યું. પ્રશ્ન આ છે આવો માનવ ક્યારે? ચોપગામાંથી તે બેપગો બન્યો અને હવે ફરી બેપગામાંથી ચોપગો થવા તો નથી જઈ રહ્યો ને!

જીવનમાં પાયાનાં મૂલ્યોની કેળવણી મહત્ત્વની છે. જેનું વ્યક્તિત્વ કેળવાયેલું છે, જે માનવવિદ્યાઓમાં, સમાજવિદ્યાઓમાં, વિજ્ઞાનવિદ્યાઓમાં પાવરધો છે તે જ આવી કેળવણી આપી શકે. અમારા કોલેજકાળમાં વિનયન શાખાના વિદ્યાર્થીઓને કળાજગતનો, વિજ્ઞાનજગતનો પરિચય કરાવવામાં આવતો હતો. એને પરિણામે વ્યક્તિત્વનો વિકાસ થતો હતો. આજે વ્યક્તિત્વ કુંઠિત બની ગયાં છે. શાસકો પાસે કશી અપેક્ષા રાખ્યા વિના જ આગળ વધવાનું, ત્રિવિક્રમ આપણે જ બનવાનું, એને માટે વિષ્ણુ ભગવાનની પ્રતીક્ષા નહીં કરવાની!
 શિરીષ પંચાલ  – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top