Madhya Gujarat

પીજ ચોકડી પાસે ટ્રકે પાછળથી ટક્કર મારતાં ટ્રેક્ટરચાલક અને અન્ય એકનું મોત


ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેક્ટરની ટ્રોલી રોડ પર જ ઉથલી પડી

ખેડા જિલ્લાના નડિયાદ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર એક ગોઝારા અકસ્માતમાં બે લોકોના કરૂણ મોત નિપજયા છે. ટ્રક ચાલકે પીજ ચોકડી બ્રીજ પાસે લાકડા ભરેલા ટ્રેક્ટરની પાછળ ધડાકાભેર અથડાવતા ટ્રેક્ટર ચાલક અને ક્લીનરનુ બનાવ સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યું છે. આ બનાવ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

નડિયાદ નજીકના પીજ ચોકડી પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર પીજ ચોકડીના બ્રીજ પાસે આજે સોમવારે વહેલી સવારે એક ગોઝારા અકસ્માત સર્જાયો હતો. જેમાં આ હાઈવેના પીપલગ ચોકડી તરફથી નડિયાદ તરફની દિશામાં આવી રહેલ ટ્રક નંબર MH 48 BM 9942ના ચાલકે આગળ જઈ રહેલ એક લાકડા ભરેલા ટ્રેક્ટરની ટ્રોલી સાથે પોતાની ટ્રક અથડાવી હતી. જેના કારણે ટ્રેક્ટર ટ્રોલીથી છુટુ પડી ગયુ હતુ અને લાકડા ભરેલ ટ્રોલી રોડ પર જ ઉથલી પડી હતી. જ્યારે ટ્રેક્ટર ચાલક અને ટ્રેકટર પર બેઠેલા અન્ય એક ઈસમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા બંન્નેના ઘટના સ્થળે કરૂણ મોત નિપજયાં હતાં.

બનાવ બાદ નડિયાદ પશ્ચિમ પોલીસ અને વસો પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અક્સ્માતની જાણ 108 એમ્બ્યુલન્સ, હાઇવે પેટ્રોલિંગની ટીમને થતાં તે પણ ઘટના સ્થળે પહોંચી હતી. આ ગમખ્વાર અકસ્માત બાદ ટ્રક ચાલક પોતાની ટ્રક હાઈવે પર મૂકીને પલાયન થઈ ગયો હતો. હાલ સ્થાનિક પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને મૃતકોની ઓળખ કરવા કવાયત હાથ ધરી છે.

Most Popular

To Top