SURAT

સુરત એરપોર્ટ પર આ શું થઈ રહ્યું છે?, રન-વે પર પાર્ક ટ્રક સાથે વિમાન અથડાયા બાદ અધિકારી રજા પર ઉતરી ગયા

સુરત: બુધવારે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ (Surat International Airport) પર લેન્ડ થયેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની (AirIndiaExpress) શારજાહ-સુરત ફ્લાઇટ (SharjahSuratFlight) રન-વેથી પાર્કિંગ એપ્રન વિસ્તારમાં 162 પેસેન્જરને લઈ પહોંચી ત્યારે અંધારામાં પાયલટને એપ્રન નજીક ઊભેલું ડમ્પર નહીં દેખાતાં ભટકાઈ હતી. આ ઘટનાને લીધે વિમાનની પાંખ તૂટી ગઈ હતી.

  • શારજાહ-સુરત ફ્લાઇટ એપ્રન પર ઊભેલા ડમ્પર સાથે અથડાઈ હતી
  • વિમાનની પાંખ તૂટી જતાં DGCA અને BCASની ટીમે સુરત એરપોર્ટ પર તપાસ શરૂ કરી

આ ઘટનાને લીધે વિમાનની પાંખો ડમ્પર સાથે અથડાતાં વિમાન ઝાટકા સાથે ફરી જતાં પેસેન્જર્સના જીવ તાળવે ચોંટ્યા હતા. ઘટના 13 માર્ચના બુધવારે રાતે 10:30 કલાકે બની હતી. એરબસ કંપનીના વિમાનની પાંખ તૂટી જતાં બુધવારથી ગ્રાઉન્ડેડ થયેલા વિમાનનું ઇન્સ્પેક્શન કરવા શુક્રવારે ડાયરેકટર જનરલ ઓફ સિવિલ એવિએશન( DGCA)ની ત્રણ સભ્યોની ટીમ ઉપરાંત બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (BACS) સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ આવી પહોંચી હતી.

શારજાહ સુરત ફ્લાઈટ રન-વે ક્રોસ કરી પાર્કિંગ થવા એરોબ્રિજ પાસે પહોંચે એ પહેલા વિમાનની પાંખો ડમ્પર સાથે અથડાતાં SOS કોલ આપવામાં આવ્યો હતો. 162 પ્રવાસીને સલામતીપૂર્વક ઉતારવામાં આવ્યા હતા. સુરતના એરપોર્ટ ડાયરેક્ટર ભાલસેએ જણાવ્યું હતું કે, ઘટનાની તપાસ DGCA અને BCAS કરી રહ્યું છે. વિમાન અત્યારે તપાસ માટે ગ્રાઉન્ડેડ રાખી એની પાંખ રિપેર કરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના એરપોર્ટ ડાયરેક્ટર તરીકે શુક્રવારે ચાર્જ છોડનાર રૂપેશકુમાર લોહાણીએ અકસ્માતનો પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરી ડિરેક્ટર જનરલ સિવિલ એવિએશનને ગઈકાલે મોકલ્યો હતો. વિમાનની વીંગ રિપેર થયા પછી ટ્રાયલ રન લીધા પછી આ વિમાન પેસેન્જર સેવામાં જોડવામાં આવશે.

એરપોર્ટ ઓથોરિટીના પ્રોજેક્ટ એન્જિનિયર, કોન્ટ્રાક્ટર અને એરલાઇન્સની દેખીતી બેદરકારી
સુરત એરપોર્ટ પર પેરેલલ ટેક્સી ટ્રેક બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. ઘટના જ્યાં એપ્રન પર બની ત્યાં પેરેલલ ટેક્સી ટ્રેક બનાવવાની કામગીરી ચાલી રહી હતી, એ કામગીરી માટેનું ડમ્પર એપ્રન પર પાર્ક પાઇલટને દેખાયું ન હતું. ડમ્પર એપ્રન પર કઈ રીતે કોણે પાર્ક કર્યું, એરલાઇન્સનો ગ્રાઉન્ડ સ્ટાફ અને BCASનો સિક્યોરિટી સ્ટાફ ક્યાં હતો.

એરપોર્ટ ઓથોરિટીના પ્રોજેક્ટ એન્જિનિયરોની ટીમ ક્યાં હતી? કોન્ટ્રાક્ટરની બેદરકારી કેટલી એ બધી બાબતોની તપાસ થઈ રહી છે. કોન્ટ્રાક્ટરની ઢીલી કામગીરીને લીધે સુરત એરપોર્ટ પર છેલ્લાં 5 વર્ષથી ચાલતું ટેક્સી ટ્રેકનું કામ પૂર્ણ થઈ શક્યું નથી.

ફેસ વનમાં વેસુ તરફનો પેરેલલ ટેક્સી ટ્રેક બની ગયો છે, પરંતુ ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને તેને ઉપયોગમાં લેવાની મંજૂરી આપી નથી. જ્યારે ડુમસ તરફના PTTનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે.

AAIના પ્રોજેક્ટ એન્જિનિયર PTTનું કામ ચાલતું હોવા છતાં ગાયબ હતા
સુરત એરપોર્ટ પર વર્ષોથી જામી પડેલા અધિકારીઓને લીધે સતત વિવિધ પ્રકારની ઘટનાઓ બની રહી છે. બુધવારની ઘટનામાં કહે છે કે, AAIના પ્રોજેક્ટ એન્જિનિયર ગાયબ હતા. એવી જ રીતે BCASના અધિકારીઓ પણ ગાયબ હતા. ઘટના બન્યા પછી તેઓ સુરત એરપોર્ટ દોડતા આવ્યા હતા.

ઘટના બની ત્યારે સિગ્નલ મેન સિવાય એરલાઇન્સનો સ્ટાફ પણ ગાયબ હતો. આવું જ એટીસીમાં પણ ચાલતું આવ્યું છે. સુરત એરપોર્ટ પર ઘણા અધિકારીઓ વર્ષોથી જામી પડી સ્થાપિત હિત બની ગયા છે. કેટલાક અધિકારી 10થી 12 વર્ષથી જામી પડ્યા છે. સિવિલ વર્ક વિભાગના અધિકારી અને ટર્મિનલ મેનેજર કક્ષાના અધિકારી વર્ષો લાંબી સેવા આપી રહ્યા છે. મોટા અધિકારી થોડા મહિના સુરત બહાર ગયા પછી ફરી સુરત આવી જતા હોય છે.

DGCAની ટીમ તપાસ કરવા આવતાં જ બદલી પામેલા લોહાણી ચાર્જ છોડી હુબલી ગયા
સુરતના એરપોર્ટ ડાયરેક્ટર રૂપેશકુમાર લોહાણીની બદલી હુબલી એરપોર્ટ થઈ હોવા છતાં તેઓ સુરતમાં રોકાઈ રહ્યા હતા. ઘટના તેઓ એરપોર્ટ પર ફરજ દરમિયાન હતા ત્યારે બની હતી. શુક્રવારે DGCA અને BCASની ટીમ તપાસ કરવા આવી એ પહેલાં તેઓ ઇનચાર્જ એપીડી તરીકે ભાલસે નામના અધિકારીને ચાર્જ આપી રવાના થઈ ગયા હતા.

ભાલસે અને એર ઇન્ડિયા એક્સપ્રેસના સ્ટેશન મેનેજર દીપ મહેતા પાસે ઘટનાના ત્રીજા દિવસે પણ કોઈ માહિતી ન હતી. નવાઈની વાત એ છે કે, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે પીઆરઓની નિમણૂક કરી છે, પણ એરપોર્ટ ઓથોરિટીએ સાચી માહિતી આપવા કોઈ PRO અધિકારી હજી નિયુક્ત કર્યા નથી.

Most Popular

To Top