Columns

ઓમિક્રોન વેરિયન્ટનો ભય ફેલાવવા પાછળ વેક્સિન કંપનીઓનો હાથ છે?

ભારતનાં લગભગ ૫૦ ટકા પુખ્ત વયનાં લોકોએ કોવિડ-૧૯ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે. તેવી રીતે લગભગ ૭૭ ટકા પુખ્ત વયનાં લોકોને એક ડોઝ આપવામાં આવ્યો છે. યુરોપ અને અમેરિકાના દેશોમાં તો તેના કરતાં પણ વધુ લોકો દ્વારા વેક્સિનના બંને ડોઝ લઈ લેવામાં આવ્યા છે. દુનિયાના કેટલાક દેશોમાં વેક્સિનનો ત્રીજો ડોઝ આપવાનું ચાલુ કરવામાં આવ્યું છે, પણ ભારત સરકારના આરોગ્ય ખાતા દ્વારા હજુ તે બાબતમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ભારતમાં કોરોનાના કેસો સતત ઘટી રહ્યા છે તે જોતાં ભારત સરકાર બૂસ્ટર ડોઝ આપવાનો નિર્ણય હાલ લે તેવું લાગતું નથી.

જો દુનિયાની આખી વસતિને વેક્સિનના બંને ડોઝ આપી દેવામાં આવે અને તેમને ત્રીજો ડોઝ આપવાની જરૂર ન હોય તો વેક્સિન બનાવતી કંપનીઓનો અબજો ડોલરનો નફો બંધ થઈ જાય તેમ છે. આ નફો ચાલુ રાખવા વેક્સિન બનાવતી કંપનીઓ દ્વારા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પર દબાણ લાવીને નવા વેરિયન્ટને ખતરનાક જાહેર કરાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. સાર્સ કોવી-૨ વાયરસના અત્યાર સુધી ૫૦ ફેરફારો (મ્યુટેશન્સ) થઈ ચૂક્યા છે, જેમાં સૌથી છેલ્લો ફેરફાર ઓમિક્રોનના નામે ઓળખાવવામાં આવ્યો છે. ગિરિજેશ વશિષ્ઠ નામના દિલ્હીના વરિષ્ઠ પત્રકાર સવાલ કરે છે કે ‘‘આજ સુધીના ૪૯ મ્યુટેશન માટે જેટલો ભય વ્યક્ત કરવામાં આવ્યો હતો,

તેના કરતાં અનેક ગણો ભય ઓમિક્રોન માટે જાહેર કરવા પાછળ ક્યો તર્ક છે?’’ નિષ્ણાતો તેનો જવાબ આપતાં કહે છે કે ‘‘ઓમિક્રોન વેરિયન્ટ ઉપર કોઈ વેક્સિન કામ કરતી નથી.’’ ગિરિજેશ વશિષ્ઠ કહે છે ‘‘એમ તો અગાઉ જેટલા પણ વેરિયન્ટ શોધાયા છે, તેમાં પણ વેક્સિન ક્યાં કામ કરે છે? તાજેતરમાં બેંગ્લોરની મેડિકલ કોલેજમાં ૧૨૦ વિદ્યાર્થીઓ કોવિડ-૧૯ નો ભોગ બન્યા હતા. તે તમામે વેક્સિનના બે ડોઝ લીધા હતા; તો પણ તેઓ વાયરસનો ભોગ બન્યા હતા. વળી નવા વેરિયન્ટ બાબતમાં સંશોધન કર્યા વિના તેને ખતરનાક જાહેર કરવામાં ઉતાવળ થઈ છે.’’

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા દક્ષિણ આફ્રિકામાં પહેલવહેલા દેખાયેલા ઓમિક્રોન વેરિયન્ટ માટે ખતરાની ઘંટડી શા માટે વગાડી? તેનું રહસ્ય બ્લૂમ્બર્ગ ન્યૂઝ એજન્સી દ્વારા તા. ૨૪ નવેમ્બરના વહેતા કરવામાં આવેલા સમાચાર પરથી આવે છે. આ સમાચાર મુજબ દક્ષિણ આફ્રિકાએ જોન્સન એન્ડ જોન્સન અને ફાઇઝર જેવી વેક્સિન બનાવતી કંપનીઓને કહી દીધું હતું કે તેમને હવે વધુ વેક્સિનની જરૂર નથી. દક્ષિણ આફ્રિકાના આશરે ૩૫ ટકા લોકોને જ વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકામાં કોવિડ-૧૯ ના કેસો એકદમ ઘટી ગયા હોવાથી લોકો વેક્સિન લેવા માગતા નથી અને સરકાર તેમને ખોટી રીતે ડરાવીને વેક્સિન આપવા માગતી નથી.

દક્ષિણ આફ્રિકામાં રોજના આશરે ૧.૨૦ લાખ લોકો જ સ્વૈચ્છિક રીતે વેક્સિન લેવા તૈયાર થાય છે. આ ઝડપે ૧૫૦ દિવસ ચાલે એટલો જથ્થો સરકાર પાસે હતો. તેને કારણે સરકારે વધુ વેક્સિન ખરીદવાનો ઇનકાર કરી દીધો હતો. વેક્સિન બનાવતી કંપનીઓને લાગ્યું કે જો આ રીતે આફ્રિકાના દેશો વેક્સિન ખરીદવાનું બંધ કરી દેશે તો કેમ ચાલશે? સંભવ છે કે તેમણે દક્ષિણ આફ્રિકા તેમ જ આફ્રિકાના બીજા દેશોની સરકારને પાઠ ભણાવવા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પર દબાણ કર્યું હોય. આ ઘટનાના બે દિવસ પછી જ તેણે નવો વેરિયન્ટ આફ્રિકામાં મળી આવવાની જાહેરાત કરી હતી.

સાર્સ કોવી-૨ વાયરસના અત્યાર સુધી ૧૨ વેરિયન્ટ મળી આવ્યા છે, જેમાંના ચારને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ચિંતાજનક જાહેર કરવામાં આવ્યા હતા. અગાઉ આલ્ફા, બિટા, ગામા અને ડેલ્ટા જેવા ચિંતાજનક વેરિયન્ટ યુરોપ, અમેરિકા અને એશિયા ખંડોમાં મળી આવ્યા હતા. તે દેશોમાં અવરજવર પર કોઈ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા લાદવામાં નહોતા આવ્યા. ડેલ્ટા વેરિયન્ટ ભારતમાં મળી આવ્યો હતો તો આલ્ફા વેરિયન્ટ બ્રિટનમાં મળી આવ્યો હતો.

ડેલ્ટા વેરિયન્ટે ભારત કરતાં યુરોપમાં વધુ પરચો દેખાડ્યો છે; તો પણ ભારત કે યુરોપના દેશોમાં અવરજવર પર પ્રતિબંધો મૂકવામાં આવ્યા નથી. તો પછી ઓમિક્રોન વેરિયન્ટ દક્ષિણ આફ્રિકામાં મળ્યા પછી તેના પર શા માટે પ્રતિબંધો લાદવામાં આવ્યા છે? જાણકારો કહે છે કે દક્ષિણ આફ્રિકાની સરકાર દ્વારા વેક્સિન બનાવતી કંપનીઓને ડિંગો બતાડવામાં આવ્યો તેની સજા તરીકે દક્ષિણ આફ્રિકા સહિતના દેશો પર નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. દક્ષિણ આફ્રિકામાં હીરાની ખાણો છે. દુનિયાના મોટા ભાગના રફ હીરા આફ્રિકાના દેશોમાંથી આવે છે. તેનો હીરાનો ધંધો પડી ભાંગે અને તેને પાઠ ભણાવી શકાય તે માટે તેના પર ટ્રાવેલ નિયંત્રણો લાદવામાં આવ્યાં છે.

કોઈ પણ નવો વાયરસ કે જૂના વાયરસનો નવો વેરિયન્ટ શોધાય તે કેટલો ખતરનાક છે? તે નક્કી કરવામાં વિજ્ઞાનીઓને મહિનાઓ લાગી જતા હોય છે. દક્ષિણ આફ્રિકામાં પહેલવહેલા દેખાયેલા ઓમિક્રોન વાયરસને હજુ ચાર દિવસ થયા છે ત્યાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા ક્યા વૈજ્ઞાનિક સંશોધનને આધારે જાહેર કરી દેવામાં આવ્યું છે કે તે ખતરનાક છે? હજુ તો તેનું જિનોમ સિકવન્સિંગ પણ કરવામાં આવ્યું નથી. વળી દક્ષિણ આફ્રિકાનાં જે મહિલા ડોક્ટરે આ વાયરસની જાણકારી આપી તેમનું પણ કહેવું છે કે આ વાયરસ જરાય ખતરનાક જણાતો નથી. દક્ષિણ આફ્રિકાના મેડિકલ એસોસિયેશનનાં પ્રમુખ ડો. એન્જેલિક કોટ્ઝી કહે છે કે ‘‘તેમણે છેલ્લા ૧૦ દિવસમાં નવા વેરિયન્ટના ૩૦ કેસો તપાસ્યા છે. તે બધામાં કોવિડ-૧૯ ના અત્યંત નબળાં લક્ષણો હતાં અને તેઓ બધા હોસ્પિટલમાં દાખલ થયા વિના સાજા થઈ ગયા છે. આફ્રિકાના વિજ્ઞાનીઓ દ્વારા આ નવા વેરિયન્ટની જાણ ૨૫ નવેમ્બરે ‘હુ’ ને કરી દેવામાં આવી હતી.

યુરોપ અને અમેરિકાની સરખામણીમાં દક્ષિણ આફ્રિકામાં કોવિડ-૧૯ ના બહુ ઓછા કેસો નોંધાયા છે અને મરણ પણ બહુ ઓછાં થયાં છે. આલ્ફા વેરિયન્ટ યુરોપમાં દેખાયો હોવા છતાં આફ્રિકાના દેશો દ્વારા યુરોપના મુસાફરો પર આફ્રિકામાં પ્રવેશવા પર કોઈ નિયંત્રણો લાદવામાં આવ્યાં નહોતાં. હકીકતમાં દુનિયાના કોઈ દેશ દ્વારા નિયંત્રણો લાદવામાં આવ્યાં નહોતાં. તો પછી દક્ષિણ આફ્રિકા પર નિયંત્રણો લાદવા પાછળ કોઈ બદઇરાદાની ગંધ આવ્યા વિના રહેતી નથી. વળી યુરોપ અને અમેરિકાના દેશોમાં વેક્સિન કવરેજ વધુ છે, તો પણ વાયરસ શાંત પડતો નથી; જ્યારે આફ્રિકાના દેશોમાં વેક્સિન કવરેજ ઓછું છે, છતાં વાયરસના વળતાં પાણી છે. તેના પરથી પણ સાબિત થાય છે કે વેક્સિન કવરેજ વધારવાથી કોવિડ-૧૯ સામે સંરક્ષણ મળતું નથી.

આ વર્ષના મે મહિનામાં ફ્રેન્ચ વિજ્ઞાની લુક મોન્ટેનઈરે ચોંકાવનારું વિધાન કર્યું હતું કે જો દુનિયાના બહુમતી લોકોને વેક્સિન આપવામાં આવશે તો વેક્સિન લેનારા લોકોના શરીરમાં રહીને વાયરસ પોતાનું રૂપ બદલશે અને નવા નવા વેરિયન્ટ જન્મ ધારણ કરશે. લુક મોન્ટરનઈરની વાત આજે સાચી સાબિત થઈ રહી છે. વેક્સિન દ્વારા વાયરસને મારવાના જેટલા પ્રયત્નો કરવામાં આવે છે તેમ તેમ તે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા નવાં રૂપો ધારણ કરતો જાય છે. આ નવા રૂપ પર જૂની વેક્સિન કામ કરતી નથી. બધાને વેક્સિન આપવાને બદલે જો લોકોની ઇમ્યુનિટી વધારવા પર ભાર મૂકવામાં આવે તો ભવિષ્યમાં આવનારા તમામ વાયરસ સામે પણ સંરક્ષણ મળી શકે તેમ છે.

Most Popular

To Top