Columns

ફૂટબોલને શું ખબર

ભૂતાન ફરવા ગયેલા પ્રવાસીઓ એક બૌદ્ધ આશ્રમમાં ગયા ત્યાં આખો આશ્રમ જોયો અને એક વસ્તુ જોઇને નવાઈ લાગી કે આશ્રમમાં એક ફૂટબોલ ગ્રાઉન્ડ હતું અને યુવાન બૌદ્ધ ભિખ્ખુઓ ફૂટબોલ મેચ રમી રહ્યા હતા. આ જોઇને એક પ્રવાસી બોલી ઊઠ્યો , ‘આશ્રમમાં ફૂટબોલ ગ્રાઉન્ડ!’ પાસે ઊભેલા એક બૌદ્ધ સાધુ બોલ્યા, ‘હા, ફૂટબોલ ગ્રાઉન્ડ અહીં અમારા યુવાન બૌદ્ધ ભિખ્ખુઓ રોજ ફૂટબોલ રમે છે અને શારીરિક અને માનસિક સજ્જતા મેળવે છે અને સાથે સાથે જીવનની ઊંડી સમજ પણ …’આ સાંભળી એક પ્રવાસીએ પૂછ્યું, ‘બોધિસત્વ ક્ષમા કરજો, પણ તમારી આ વાત પૂરેપૂરી સમજાઈ નહિ …ફૂટબોલ રમવાથી શારીરિક કસરત થાય તે સમજાયું ; ઠંડી ગાહની માનસિક મજબુતાઈ પણ મળે, પણ જીવનની ઊંડી સમજ કઈ રીતે મળે? આ ફૂટબોલને એક બીજા પાસે લાત મારી મોકલી ગોલ કરવા આમ તેમ દોડવાનું તેમાં જીવનની ઊંડી સમજ શું છે?’

બોધિસત્વ બોલ્યા, ‘ચાલો આપણે થોડી વાર આ ફૂટબોલ મેચ ચાલુ છે તે જોઈએ પછી વાત કરીશું.’બધા મેચ જોઈ રહ્યા હતા. મેચમાં બ્રેક પડ્યો ત્યારે બોધિસત્વ બોલ્યા, ‘આ ફૂટબોલ મેચમાં ફૂટબોલ સૌથી મહત્ત્વનો લાગે છે બરાબર.બધા ખેલાડી તેની પાછળ દોડે છે.પણ હકીકતમાં એવું નથી. આ ફૂટબોલને તો ખબર જ નથી કે તે કઈ દિશામાં કઈ તરફ જશે? ફૂટબોલ તો ખેલાડી જે રીતે જે દિશામાં લાત મારશે તે દિશામાં જશે….અને જે ખેલાડી તેને અટકાવી તેનો રસ્તો બદલશે તો તે બીજે રસ્તે વળી જશે.ફૂટબોલ બસ ખેલાડીઓ જ્યાં મોકલે જાય છે.આ જ જીવનની સમજ છે કે આપણે પણ એક ફૂટબોલ છીએ તે સમજવાનું છે……’

એક પ્રવાસી વચ્ચે બોલી ઊઠ્યો…. ‘આપણે ફૂટબોલ ….??’બોધિસત્વ બોલ્યા, ‘હા આપણે બધાએ સમજવાનું છે કે આપણે બધા ફૂટબોલ છીએ અને ભગવાન જ્યાં મોકલશે ત્યાં જ જઈશું …જેમ રાખશે તેમ જ રહી શકીશું .આપણા હાથમાં કંઈ નથી ..બધું ઈશ્વર ઈચ્છા પ્રમાણે થાય છે. આ હકીકત આપણે સમજી લઈશું. તો જીવનમાં કોઈ ચિંતા નહિ રહે.ફૂટબોલ જે દિશામાં મોકલવામાં આવે તે તરફ કંઈ વિચાર્યા વિના જતી રહે છે તેમ આપણે આપની કોઇ પણ ઈચ્છા કે ભવિષ્યનો વિચાર કર્યા વિના પ્રભુ જે માર્ગ તરફ મોકલે જે દિશામાં ચલાવે તે દિશામાં ચાલતા રહેવાનું છે.જો એટલું સમજી લઈશું કે ખેલાડી જે દિશામાં મોકલવા માંગે તે રીતે બોલને લાત મારે છે તેવી જ રીતે ભગવાન પણ આપણને જ્યાં પહોંચાડવા માંગે તે રીતે જીવનમાં ફેરફાર લાવે છે, સંઘર્ષ આપે છે અને લડવાની શક્તિ પણ ….ભગવાનની ઈચ્છામાં આપણી ઈચ્છા ભેળવી દઈએ તો આપણું જીવન સફળ થઈ જશે.’બોધિસત્વએ સુંદર સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top