Dakshin Gujarat

‘તમારા ઘરના દરવાજા તોડી નાખીશું’, નવસારીના મટવાડ ગામમાં હિન્દુ પાડોશીઓએ મદ્રેસાના ટ્રસ્ટીને આપી ધમકી

નવસારી : મટવાડ ગામે પાડોશીઓએ મદ્રેસા ટ્રસ્ટીના (Madrasa Trustee) ઘરના વાડાની તાર ફેન્સિંગ તોડી (Break the wire fencing) ઘર ઉપર પથ્થર મારો કરતા મામલો ગણદેવી પોલીસ (Ganadevi Police) મથકે નોંધાયો છે. ગણદેવી તાલુકાના મટવાડ ગામે મસ્જીદ ફળીયામાં રહેતા ઈબ્રાહીમ અહમદ ઇશાત (ઉ. વ. ૬૭) મટવાડ મસ્જીદ મદ્રેસા ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. ગત ૧૦મીએ ઈબ્રાહીમ તેમના પરિવાર સાથે ઘરે હતા. ત્યારે મટવાડ ગામના હળપતિવાસમાં રહેતા મહેશભાઈ બાલુભાઈ હળપતિ, બલ્લુભાઈ નગીનભાઈ હળપતિ, ચંચળબેનનો દીકરો રૂમિત હળપતિ, સતીષભાઈ મંગુભાઈ હળપતિ, સુનીલભાઈ અનુપભાઈ હળપતિ અને હિતેશભાઈ મંગુભાઈ હળપતિ ઈબ્રાહીમભાઈના મકાનના પાછળના ભાગે આવેલા વાડા તરફથી ચાલતા-ચાલતા આવ્યા હતા. ઘરની પાછળ આવેલા ખુલ્લા વાડાના કાગળો બતાવો તેમ કહી માથાકૂટ કરી હતી.

તમારૂ ઘર સળગાવી દઈશું અને તમને તમામને જાનથી મારી નાખીશું
ઈબ્રાહીમભાઈ બહાર નીકળતા મહેશભાઈ હળપતિએ તમારા ઘરની પાછળ આવેલા ખુલ્લા વાડાના કાગળો બતાવો તેમ જણાવતા ઈબ્રાહીમભાઈએ વાડાના કાગળોની તમારે શું જરૂર છે તેમ કહેતા ચંચળબેનનો દીકરો રૂમિત હળપતિ ઉશ્કેરાઈ જઈ આજે રાત્રે તમારા ઘરના દરવાજા તોડી નાખીશું અને તમને સુવા નહી દઈએ, તમે કેવી રીતના ઊંઘ કાઢો છો તે અમે જોઈએ તેવી વાત કરી હતી. ત્યારબાદ સતીષભાઈ હળપતિએ ઉશ્કેરાઈ જઈ આજે રાતના તમારૂ ઘર સળગાવી દઈશું અને તમને તમામને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. સાથે બલ્લુભાઈ, સુનીલભાઈ અને હિતેશભાઈ અપશબ્દો બોલી આજે જે કઇ કરવું હોય તે પુરૂ કરી નાંખીએ તેમ કહી જતા રહ્યા હતા.

પાંચ-છ શખ્સો હુમલો કરી નાસી ગયા
ત્યારબાદ રાત્રે આઠ વાગ્યે ઈબ્રાહીમભાઈના ઘરની પાછળ લોકોનો અવાજ આવતો હોવાથી ઈબ્રાહીમભાઈ અને તેમના પરિવારના સભ્યો બહારની નીકળી જોતા મહેશભાઈ, બલ્લુભાઈ, રૂમિત હળપતિ, સતીષભાઈ, સુનીલભાઈ અને હિતેશભાઈ સહિત અન્ય પાંચ-છ ઈસમો ઈબ્રાહીમભાઈના ઘરની પાછળ આવેલા વાડાની ફરતે બનાવેલી તાર ફેન્સિંગની વાડ તોડી રહ્યા હતા. અને તેઓ અપશબ્દો બોલી ઈબ્રાહીમભાઈના ઘર ઉપર પથ્થર મારો કરી રહ્યા હતા. જેથી ઈબ્રાહીમભાઈએ ગણદેવી પોલીસને જાણ કરતા તેઓ નાસી ગયા હતા. આ બનાવ અંગે ઈબ્રાહીમભાઈએ ગણદેવી પોલીસ મથકે મહેશભાઈ હળપતિ, બલ્લુભાઈ હળપતિ, રૂમિત હળપતિ, સતીષભાઈ હળપતિ, સુનીલભાઈ હળપતિ અને હિતેશભાઈ હળપતિ સહિત અન્ય પાંચ-છ ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. એસ.વી. આહિરે હાથ ધરી છે.

Most Popular

To Top