Gujarat

આદિવાસી વિસ્‍તારમાં નર્મદા આધારિત હાફેશ્વર પાણી પુરવઠા યોજના ઝડપથી પૂર્ણ કરવા માંગ

ગાંધીનગર: આદિવાસી વિસ્‍તારમાં નર્મદા આધારિત હાફેશ્વર પાણી પુરવઠા યોજનાની કામગીરી લાંબા સમયથી ખૂબ જ ધીમી ચાલે છે, તે કામગીરી ઝડપથી પૂર્ણ કરાવવી જોઈએ. નલ સે જલ યોજનામાં પણ લાઈનો નંખાતા પહેલાં પાણીની ટાંકીઓ બની ગઈ છે. આ યોજનામાં જે પાઈપોની ગુણવત્તા છે અત્‍યંત નબળી છે, આ નબળી કામગીરીની ગુણવત્તાની સત્‍વરે ચકાસણી કરાવવી જોઈએ અને યોગ્‍ય ગુણવત્તાવાળી લાઈનો જ નંખાવી જોઈએ, તેવું વિધાનસભામાં વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતુ.

વિધાનસભામાં આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ અને જળસંપત્તિ વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતાં સુખરામ રાઠવાએ જણાવ્‍યું હતું કે, છોટાઉદેપુર વિસ્‍તારમાં સિંચાઈની અપૂરતી વ્‍યવસ્‍થા છે અને એના માટે અવારનવાર રજૂઆતો પણ થાય છે. હેરાણ, દુધવાલ તથા કરાકોતર જ્‍યાં મોટા ચેકડેમ બનાવવાના થાય છે ત્‍યાં ઉંચી હાઈટના ડેમ બનાવવા માટેના સર્વેની કામગીરી શરૂ થઈ છે પરંતુ સર્વેની કામગીરીની ફાઈલ બે વર્ષ સુધી સરકારમાં પહોંચી નથી. બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અમીરગઢ વિસ્‍તારની આદિવાસી પ્રજા પાણી માટે આજેય વલખા મારે છે, બનાસકાંઠાના વાવ, થરાદ અને ધાનેરા વિસ્‍તારના ગામડા પીવાના પાણીથી પણ વંચિત છે. જ્‍યાં કેનાલો આવેલી છે ત્‍યાં વિસ્‍તારના ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચતું નથી, સિંચાઈનું પાણી મળતું નથી.

છોટાઉદેપુર, કવાંટ, બોડેલીની સરકારી હોસ્‍પિટલોમાં ડોક્‍ટરો જ નથી
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રંગપુર પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રને સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં કન્‍વર્ટ કરવામાં આવ્‍યું, એ સ્‍થળ ફેરફાર કરવા માટે વખતોવખત રજૂઆતો થઈ. ખાંટીયાવાંટ ગામ ચાર રસ્‍તા પરનું ગામ છે અને ખાંટીયાવાંટથી રંગપુરનું અંતર ૩ કિ.મી. થાય છે, પરંતુ આજદિન સુધી આ સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર બનાવવા માટે જગ્‍યા મળી નથી એમ કહેવામાં આવે છે. ખાંટીયાવાંટ ચાર રસ્‍તા પરનું ગામ હોઈ સહુ માટે અનુકૂળ સ્‍થળ હતું. પરંતુ ખાંટીયાવાંટ ખાતે જગ્‍યા ઓછી પડે છે તેવા રિપોર્ટના આધારે આજદિન સુધી સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર બનાવવામાં આવ્‍યું નથી. છોટાઉદેપુર, કવાંટ, બોડેલીની સરકારી હોસ્‍પિટલોમાં ડોક્‍ટરો નથી. રાજ્‍ય સરકાર ખાટેવાડ ગામે સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર બનાવે અને છોટાઉદેપુર, કવાંટ, બોડેલીની સરકારી હોસ્‍પિટલોમાં ડોક્‍ટરો તાત્‍કાલિક ભરવામાં આવે.

Most Popular

To Top