World

વૈજ્ઞાનિકોનો દાવો: પૃથ્વી પરથી આવતા ઇલેકટ્રોન્સ ચંદ્ર પર પાણીનું સર્જન કરે છે

નવી દિલ્હી: (New Delhi) ભારતના ચંદ્રયાન-1 (Chandrayan-1) પરથી આવતા રિમોટ સેન્સિંગ ડેટાનું વિશ્લેષણ કરતા વૈજ્ઞાનિકોને (Scientist) જણાયું છે કે પૃથ્વી પરના હાઇ એનર્જી ઇલેકટ્રોન્સ ચંદ્ર પર પાણીનું સર્જન કરતા હોઇ શકે છે.

અમેરિકાની યુનિવર્સિટી ઓફ હવાઇના સંશોધકોની આગેવાની હેઠળની ટીમે શોધી કાઢયું છે કે પૃથ્વીની પ્લાઝમા શીટમાંના આ ઇલેકટ્રોન્સ ચંદ્રની સપાટી પરના ખડકો અને ખનિજોને તોડવાની કે ઓગાળવાની પ્રક્રિયામાં ફાળો આપે છે. નેચર એસ્ટ્રોનોમી જર્નલમાં પ્રગટ થયેલ આ સંશોધન લેખમાં જણાવાયું છે કે ઇલેકટ્રોન્સે ચંદ્રની ધરતી પર પાણીનું સર્જન કરવામાં મદદ કરી હોઇ શકે છે.

સોલાર પવનો કે જે હાઇ એનર્જી કણો ધરાવે છે તે સૂર્યની સપાટી પર આવા કણોનો મારો ચલાવે છે અને તે ચંદ્ર પર રચાયેલ પાણીનો પ્રાથમિક સ્ત્રોત માનવામાં આવે છે. ટીમે સંશોધન કર્યું હતું કે ચંદ્ર જ્યારે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાંથી પાસર થાય છે ત્યારે તેને આ ઇલેકટ્રોન્સ પ્રાપ્ત થાય છે જે ઇલેકટ્રોન્સ ચંદ્રની ધરતી પર પાણી રચવામાં ફાળો આપે છે. આ નવુ સંશોધન એ પણ જાણવામાં મદદ કરી શકે છે કે ચંદ્રના કાયમ ઢંકાયેલા રહેતા ભાગ પર બરફ સ્વરૂપનું પાણી કઇ રીતે રચાયું.

અત્રે ઉલ્લેખનીય છે કે ચંદ્ર પર પાણીના કણો હોવાની શોધ કરવામાં ચંદ્રયાન-૧એ મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતનું આ યાન ૨૦૦૮માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને તે ચંદ્રયાન કાર્યક્રમ હેઠળ ભારતનું પ્રથમ ચંદ્ર પર સંશોધનો કરવા માટેનું મિશન હતું. તેના પછી ૨૦૧૯માં ચંદ્રયાન-૨ અને હાલમાં ચંદ્રયાન-૩ લોન્ચ કરવામાં આવ્યા છે.

Most Popular

To Top